Book Title: Vachanamrut 0513
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330634/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 513 યોગવાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી મોહમયી, શ્રાવણ સુદ 11, રવિ, 1950 શ્રી સૂર્યપુરસ્થિત, સત્સંગયોગ્ય શ્રી લલ્લુજી પ્રત્યે વિનંતિ કેઃ બે પત્ર પ્રાપ્ત થયાં છે. અત્ર ભાવ સમાધિ છે. ‘યોગવાસિષ્ઠાદિ ગ્રંથો વાંચવાવિચારવામાં બીજી અડચણ નથી. અમે આગળ લખ્યું હતું કે ઉપદેશગ્રંથ સમજી એવા ગ્રંથ વિચારવાથી જીવને ગુણ પ્રગટે છે. ઘણું કરી તેવા ગ્રંથો વૈરાગ્ય અને ઉપશમને અર્થે છે. સિદ્ધાંતજ્ઞાન સપુરુષથી જાણવા યોગ્ય જાણીને જીવમાં સરળતા નિરહંતાદિ ગુણો ઉદ્દભવ થવાને અર્થે ‘યોગવાસિષ્ઠ, ‘ઉત્તરાધ્યયન’, ‘સૂત્રકૃતાંગાદિ’ વિચારવામાં અડચણ નથી, એટલી સ્મૃતિ રાખજો. વેદાંત અને જિન સિદ્ધાંત એ બેમાં કેટલાક પ્રકારે ભેદ છે. વેદાંત એક બ્રહ્મસ્વરૂપે સર્વ સ્થિતિ કહે છે. જિનાગમમાં તેથી બીજો પ્રકાર કહ્યો છે. ‘સમયસાર’ વાંચતાં પણ કેટલાક જીવોને એક બ્રહ્મની માન્યતારૂપ સિદ્ધાંત થઈ જાય છે. સિદ્ધાંતનો વિચાર ઘણા સત્સંગથી તથા વૈરાગ્ય અને ઉપશમનું બળ વિશેષપણે વધ્યા પછી કર્તવ્ય છે. જો એમ નથી કરવામાં આવતું તો જીવ બીજા પ્રકારમાં ચડી જઈ વૈરાગ્ય અને ઉપશમથી હીન થાય છે. ‘એક બ્રહ્મસ્વરૂપ’ વિચારવામાં અડચણ નથી, અથવા ‘અનેક આત્મા’ વિચારવામાં અડચણ નથી, માત્ર તમને અથવા કોઈ મુમુક્ષુને પોતાના સ્વરૂપનું જાણવું એ મુખ્ય કર્તવ્ય છે; અને તે જાણવાનાં સાધન શમ, સંતોષ, વિચાર અને સત્સંગ છે. તે સાધન સિદ્ધ થયે, વૈરાગ્ય, ઉપશમ વર્ધમાન પરિણામી થયે, એક આત્મા છે કે અનેક આત્મા છે', એ આદિ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ જ વિનંતિ. આ૦ સ્વ૦ પ્રણામ.