Page #1
--------------------------------------------------------------------------
________________ 503 સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો મુંબઈ, વૈશાખ વદ 0)), 1950 શ્રી સ્તંભતીર્થક્ષેત્રે સ્થિત, શુભેચ્છાસંપન્ન ભાઈ શ્રી અંબાલાલ પ્રત્યે યથાયોગ્ય વિનંતી કે :તમારું લખેલું પત્ર 1 પહોંચ્યું છે. અત્રે કુશળતા છે. સુરતથી મુનિશ્રી લલ્લુજીનો કાગળ એક પ્રથમ હતો. તેના પ્રત્યુત્તરમાં એક કાગળ અહીંથી લખ્યો હતો. ત્યાર પછી પાંચ છ દિવસ પહેલાં તેમનો એક કાગળ હતો, જેમાં તમારા પ્રત્યે પત્રાદિ લખવાનું થયું, તેના સંબંધમાં થયેલી લોકચર્ચા વિષેની કેટલીક વિગત હતી. તે કાગળનો ઉત્તર પણ અત્રેથી લખ્યો છે. તે સંક્ષેપમાં આ પ્રમાણે છે. પ્રાણાતિપાતાદિ પાંચ મહાવ્રત છે તે સર્વ ત્યાગનાં છે, અર્થાત્ સર્વ પ્રકારના પ્રાણાતિપાતથી નિવર્તવું, સર્વ પ્રકારના મૃષાવાદથી નિવર્તવું, એ પ્રમાણે પાંચ મહાવ્રત સાધુને હોય છે; અને એ આજ્ઞાએ વર્તે ત્યારે તે મુનિના સંપ્રદાયમાં વર્તે છે, એમ ભગવાને કહ્યું છે. એ પ્રકારે પંચમહાવ્રત ઉપદેયાં છતાં તેમાં પ્રાણાતિપાતનું કારણ છે એવા નદીના ઊતરવા વગેરે ક્રિયાની આજ્ઞા પણ જિને કહી છે. તે એવા અર્થે કે નદી ઊતરવાથી જે બંધ જીવને થશે તે કરતાં એક ક્ષેત્રે નિવાસથી બળવાન બંધ થશે, અને પરંપરાએ પંચ મહાવ્રતની હાનિનો પ્રસંગ આવશે, એવું દેખી તેવો દ્રવ્ય પ્રાણાતિપાત જેમાં છે એવી નદી ઊતરવાની આજ્ઞા શ્રી જિને કહી છે. તેમ જ વસ્ત્ર, પુસ્તક રાખવાથી સર્વપરિગ્રહવિરમણવ્રત રહી શકે નહીં, તથાપિ દેહના શાતાર્થનો ત્યાગ કરાવી આત્માર્થ સાધવા દેહ સાધનરૂપ ગણી તેમાંથી પૂરી મૂછ ટળતાં સુધી વસ્ત્રનો નિઃસ્પૃહ સંબંધ અને વિચારબળ વધતાં સુધી પુસ્તકનો સંબંધ જિને ઉપદેશ્યો છે; એટલે સર્વ ત્યાગમાં પ્રાણાતિપાત તથા પરિગ્રહનું સર્વ પ્રકારે અંગીકૃત કરવું ના છતાં એ પ્રકારે જિને અંગીકૃત કરવાની આજ્ઞા કરી છે. તે સામાન્ય દ્રષ્ટિથી જોતાં વિષમ જણાય, તથાપિ જિને તો સમ જ કહેલું છે. બેય વાત જીવના કલ્યાણ અર્થે કહેલ છે. જેમ સામાન્ય જીવનું કલ્યાણ થાય તેમ વિચારીને કહ્યું છે. એ જ પ્રકારે મૈથુનત્યાગવત છતાં તેમાં અપવાદ કહ્યો નથી કારણ કે મૈથનનું આરાધવું રાગદ્વેષ વિના થઈ શકે નહીં, એવું જિનનું અભિમત છે. એટલે રાગદ્વેષ અપરમાર્થરૂપ જાણી મૈથુનત્યાગ અનપવાદે આરાધવું કહ્યું છે. તેમ જ બૃહત્કલ્પસૂત્રમાં સાધુએ વિચરવાની ભૂમિકાનું પ્રમાણ કહ્યું છે, ત્યાં ચારે દિશામાં અમુક નગર સુધીની મર્યાદા કહી છે, તથાપિ તે ઉપરાંત જે અનાર્ય ક્ષેત્ર છે, તેમાં પણ જ્ઞાન, દર્શન, સંયમની વૃદ્ધિને અર્થે વિચરવાનો અપવાદ કહ્યો છે. કારણ કે આર્ય ભૂમિમાં કોઈ યોગવશાત્ જ્ઞાનીપુરુષનું સમીપ વિચરવું ન હોય અને પ્રારબ્ધયોગે અનાર્ય ભૂમિમાં વિચરવું જ્ઞાનીપુરુષનું હોય તો ત્યાં જવું, તેમાં ભગવાને બતાવેલી આજ્ઞા ભંગ થતી નથી. તે જ પ્રકારે પત્ર-સમાચારાદિનો જો સાધુ પ્રસંગ રાખે તો પ્રતિબંધ વધે એમ હોવાથી ભગવાને ‘ના’ કહી છે, પણ તે ‘ના’ જ્ઞાનીપુરુષના કોઈ તેવા પત્ર-સમાચારમાં અપવાદરૂપે લાગે છે. કારણ કે જ્ઞાની પ્રત્યે
Page #2
--------------------------------------------------------------------------
________________ નિષ્કામપણે જ્ઞાનારાધનાર્થે પત્ર-સમાચાર વ્યવહાર છે. એમાં અન્ય કંઈ સંસારાર્થ હેતુ નથી, ઊલટો સંસારાર્થ મટવાનો હેતુ છે; અને સંસાર મટાડવો એટલો જ પરમાર્થ છે. જેથી જ્ઞાની પુરુષની અનુજ્ઞાએ કે કોઈ સત્સંગી જનની અનુજ્ઞાએ પત્ર-સમાચારનું કારણ થાય તો તે સંયમ વિરુદ્ધ જ છે, એમ કહી શકાય નહીં, તથાપિ તમને સાધુએ પચખાણ આપ્યાં હતાં તે ભંગ થવાનો દોષ તમારા પ્રત્યે આરોપવા યોગ્ય થાય છે. પચખાણનું સ્વરૂપ અત્ર વિચારવાનું નથી, પણ તમે તેમને પ્રગટ વિશ્વાસ આપ્યો તે ભંગ કરવાનો હેતુ શો છે? જો તે પચખાણ લેવા વિષેમાં તમને યથાયોગ્ય ચિત્ત નહોતું તો તે તમારે લેવાં ઘટે નહીં, અને જો કોઈ લોકદાબથી તેમ થયું તો તેનો ભંગ કરવો ઘટે નહીં, અને ભંગનું જે પરિણામ છે તે અભંગથી વિશેષ આત્મહિતકારી હોય તોપણ સ્વેચ્છાથી ભંગ કરવો ઘટે નહીં, કારણ કે જીવ રાગદ્વેષ કે અજ્ઞાનથી સહેજે અપરાધી થાય છે, તેનો વિચારેલો હિતાહિત વિચાર ઘણી વાર વિપર્યય હોય છે. આમ હોવાથી તમે જે પ્રકારે ભંગ તે પચખાણ કર્યું છે, તે અપરાધ યોગ્ય છે, અને તેનું પ્રાયશ્ચિત્ત પણ કોઈ રીતે ઘટે છે. ‘પણ કોઈ જાતની સંસારબુદ્ધિથી આ કાર્ય થયું નથી, અને સંસાર કાર્યના પ્રસંગથી પત્ર સમાચારની મારી ઇચ્છા નથી, આ જે કંઈ પત્રાદિ લખવાનું થયું છે તે માત્ર કોઈ જીવના કલ્યાણની વાત વિષેમાં છે, અને તે જો કરવામાં ન આવ્યું હોત તો એક પ્રકારે કલ્યાણરૂપ હતું, પણ બીજા પ્રકારે ચિત્તની વ્યગ્રતા ઉત્પન્ન થઈ અંતર ક્લેશવાળું થતું હતું, એટલે જેમાં કંઈ સંસારાર્થ નથી, કોઈ જાતની બીજી વાંછા નથી, માત્ર જીવના હિતનો પ્રસંગ છે, એમ ગણી લખવાનું થયું છે. મહારાજે પચખાણ આપેલ તે પણ મારા હિતને અર્થે હતાં કે કોઈ સંસારી પ્રયોજનમાં એથી હું ન પડી જાઉં; અને તે માટે તેમનો ઉપકાર હતો, પણ મેં સંસાર પ્રયોજનથી એ કાર્ય કર્યું નથી; તમારા સંવાડાના પ્રતિબંધને તોડવા એ કાર્ય નથી; તોપણ એક પ્રકારે મારી ભૂલ છે તો તે અલ્પ, સાધારણ પ્રાયશ્ચિત્ત આપી ક્ષમા આપવી ઘટે છે. પર્યુષણાદિ પર્વમાં શ્રાવકે શ્રાવકના નામથી સાધુ પત્ર લખાવે છે, તે પ્રકાર સિવાય બીજા પ્રકારે હવે વર્તવામાં ન આવે અને જ્ઞાનચર્ચા લખાય તોપણ અડચણ નથી,’ એ વગેરે ભાવ લખેલ છે. તમે પણ તે તથા આ પત્ર વિચારી જેમ ક્લેશ ન ઉત્પન્ન થાય તેમ કરશો. કોઈ પણ પ્રકારે સહન કરવું એ સારું છે; એમ નહીં બને તો સહેજ કારણમાં મોટું વિપરીત ક્લેશરૂપ પરિણામ આવે. બનતાં સુધી પ્રાયશ્ચિત્તનું કારણ ન બને તો ન કરવું, નહીં તો પછી અલ્પ પણ પ્રાયશ્ચિત્ત લેવામાં બાધ નથી. તેઓ વગર પ્રાયશ્ચિત્તે કદાપિ તે વાત જતી કરે તેવું હોય તો પણ તમારે એટલે સાધુ લલ્લુજીએ ચિત્તમાં એ વાતનો પશ્ચાત્તાપ એટલો તો કરવો ઘટે છે કે આમ પણ કરવું ઘટતું નહોતું. હવે પછીમાં દેવકરણજી સાધુ જેવાની સમક્ષતાથી શ્રાવક ત્યાંથી અમુક લખનાર હોય અને પત્ર લખાવે તો અડચણ નહીં એટલી વ્યવસ્થા તે સંપ્રદાયમાં ચાલ્યા કરે છે, તેથી ઘણું કરી લોકો વિરોધ કરશે નહીં, અને તેમાં પણ વિરોધ જેવું લાગતું હોય તો હાલ તે વાત માટે પણ ધીરજ ગ્રહણ કરવી હિતકારી છે. લોકસમુદાયમાં ક્લેશ ઉત્પન્ન ન થાય, એ લક્ષ ચૂકવા યોગ્ય હાલ નથી, કારણ કે તેવું કોઈ બળવાન પ્રયોજન નથી. શ્રી કૃષ્ણદાસનો કાગળ વાંચી સત્વ હર્ષ થયો છે. જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. વૈરાગ્ય અને ઉપશમના હેતુ એવા ‘યોગવાસિષ્ઠાદિ’ ગ્રંથો વાંચવામાં અડચણ નથી. અનાથદાસજીનો કરેલો ‘વિચારમાળા' ગ્રંથ સટીક અવલોકવા યોગ્ય છે. અમારું ચિત્ત નિત્ય સત્સંગને ઇચ્છે છે, તથાપિ
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રારબ્ધયોગ સ્થિતિ છે. તમારા સમાગમી ભાઈઓથી જેટલું બને તેટલું સગ્રંથોનું અવલોકન થાય તે અપ્રમાદે કરવા યોગ્ય છે. અને એક બીજાનો નિયમિત પરિચય કરાય તેટલો લક્ષ રાખવો યોગ્ય છે. પ્રમાદ એ સર્વ કર્મનો હેતુ છે.