Book Title: Vachanamrut 0491 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330612/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 491 “હે જીવો ! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મુંબઈ, ફાગણ, 1950 તીર્થકર વારંવાર નીચે કહ્યો છે, તે ઉપદેશ કરતા હતા : “હે જીવો ! તમે બૂઝો, સમ્યક પ્રકારે બૂઝો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે, અને ચારે ગતિને વિષે ભય છે, એમ જાણો. અજ્ઞાનથી સવિવેક પામવો દુર્લભ છે, એમ સમજો. આખો લોક એકાંત દુઃખે કરી બળે છે, એમ જાણો. અને ‘સર્વ જીવ’ પોતપોતાનાં કર્મે કરી વિપર્યાસપણું અનુભવે છે, તેનો વિચાર કરો.” | (સૂયગડાંગ-અધ્યયન 7 મું, 11). સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગવેષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગવેષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. (દ્વાદશાંગીનું સળંગ સૂત્ર) પ્રથમમાં જે અભિપ્રાય દર્શાવ્યો છે તે ગાથા સૂયગડાંગમાં નીચે પ્રમાણે છે: संबुज्झहा जंतवो माणुसत्तं, दहुं भयं बालिसेणं अलंभो, एगंतदुक्खे जरिए व लोए, सकम्मणा विप्परियासुवेइ. સર્વ પ્રકારની ઉપાધિ, આધિ, વ્યાધિથી મુક્તપણે વર્તતા હોઈએ તોપણ સત્સંગને વિષે રહેલી ભક્તિ તે અમને મટવી દુર્લભ જણાય છે. સત્સંગનું સર્વોત્તમ અપૂર્વપણું અહોરાત્ર એમ અમને વસ્યા કરે છે, તથાપિ ઉદયજોગ પ્રારબ્ધથી તેવો અંતરાય વર્તે છે. ઘણું કરી કોઈ વાતનો ખેદ “અમારા’ આત્માને વિષે ઉત્પન્ન થતો નથી, તથાપિ સત્સંગના અંતરાયનો ખેદ અહોરાત્ર ઘણું કરી વર્યા કરે છે. ‘સર્વ ભૂમિઓ, સર્વ માણસો, સર્વ કામો, સર્વ વાતચીતાદિ પ્રસંગો અજાણ્યાં જેવાં, સાવ પરનાં, ઉદાસીન જેવાં, અરમણીય, અમોહકર અને રસરહિત સ્વાભાવિકપણે ભાસે છે.' માત્ર જ્ઞાનીપુરુષો, મુમુક્ષુપુરુષો, કે માર્ગાનુસારીપુરુષોનો સત્સંગ તે જાણીતો, પોતાનો, પ્રીતિકર, સુંદર, આકર્ષનાર અને રસસ્વરૂપ ભાસે છે. એમ હોવાથી અમારું મન ઘણું કરી અપ્રતિબદ્ધપણું ભજતું ભજતું તમ જેવા માર્ગેચ્છાવાન પુરુષોને વિષે પ્રતિબદ્ધપણું પામે છે. Page #2 -------------------------------------------------------------------------- _