Page #1
--------------------------------------------------------------------------
________________ 472 ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પાયે મુંબઈ, આસો સુદ 9, બુધ, 1949 પરમ સ્નેહી શ્રી સુભાગ્ય તથા શ્રી ડુંગર, શ્રી સાયલા. આજે કાગળ 1 શ્રી સુભાગ્યનો લખેલો આવ્યો તે પહોંચ્યો છે. ખુલ્લા કાગળમાં સુધારસ પરત્વે પ્રાયે સ્પષ્ટ લખ્યું હતું, તે ચાહીને લખ્યું હતું. એમ લખવાથી વિપરિણામ આવવાનું છે નહીં, એમ જાણીને લખ્યું હતું. કંઈ કંઈ તે વાતના ચર્ચક જીવને જો તે વાત વાંચવામાં આવે તો કેવળ તેથી નિર્ધાર થઈ જાય એમ બને નહીં, પણ એમ બને કે જે પુરુષે આ વાક્યો લખ્યાં છે તે પુરુષ કોઈ અપૂર્વ માર્ગના જ્ઞાતા છે, અને આ વાતનું નિરાકરણ તે પ્રત્યેથી થવાનો મુખ્ય સંભવ છે, એમ જાણી તેની તે પ્રત્યે કંઈ પણ ભાવના થાય. કદાપિ એમ ધારીએ કે તેને કંઈ કંઈ સંજ્ઞા તે વિષેની થઈ હોય, અને આ સ્પષ્ટ લખાણ વાંચવાથી તેને વિશેષ સંજ્ઞા થઈ પોતાની મેળે તે નિર્ધારમાં આવી જાય, પણ તે નિર્ધાર એમ થતો નથી. યથાર્થ તેના સ્થળનું જાણવું તેનાથી થઈ શકે નહીં, અને તે કારણથી જીવને વિક્ષેપની ઉત્પત્તિ થાય કે આ વાત કોઈ પ્રકારે જાણવામાં આવે તો સારું. તો તે પ્રકારે પણ જે પુરુષે લખ્યું છે તે પ્રત્યે તેને ભાવનાની ઉત્પત્તિ થવી સંભવે છે. ત્રીજો પ્રકાર એમ સમજવા યોગ્ય છે કે સપુરુષની વાણી સ્પષ્ટપણે લખાઈ હોય તોપણ તેનો પરમાર્થ સપુરુષનો સત્સંગ જેને આજ્ઞાંકિતપણે થયો નથી, તેને સમજાવો દુર્લભ થાય છે, એમ તે વાંચનારને સ્પષ્ટ જાણવાનું ક્યારેય પણ કારણ થાય. જોકે અમે તો અતિ સ્પષ્ટ લખ્યું નહોતું તોપણ તેમને એવો કંઈ સંભવ થાય છે; પણ અમે તો એમ ધારીએ છીએ કે અતિ સ્પષ્ટ લખ્યું હોય, તોપણ ઘણું કરી સમજાતું નથી, અથવા વિપરીત સમજાય છે, અને પરિણામે પાછો તેને વિક્ષેપ ઉત્પન્ન થઈ સન્માર્ગને વિષે ભાવના થવાનો સંભવ થાય છે. એ પત્તામાં અમે ઇચ્છાપૂર્વક સ્પષ્ટ લખ્યું હતું. સહેજ સ્વભાવે પણ ન ધારેલું ઘણું કરી પરમાર્થ પરત્વે લખાતું નથી, અથવા બોલાતું નથી, કે જે અપરમાર્થરૂપ પરિણામને પામે. બીજો અમારો આશય તે જ્ઞાન વિષે લખવાનો વિશેષપણે અત્ર લખ્યો છે. (1) જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વ લક્ષણે, ગુણે અને વેદનપણે, અનુભવ્યો છે, અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ છે. (2) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા જાણે છે, તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર 1 જુઓ આંક 471. 2 જુઓ આંક 471.
Page #2
--------------------------------------------------------------------------
________________ પરમાર્થસ્વરૂપ છે. (3) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એવા જ્ઞાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાનીપુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષે એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે પરમાર્થ-વ્યવહારસ્વરૂપ છે. (4) અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર સામાન્ય પ્રકારે માર્ગાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે વ્યવહાર-વ્યવહારસ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય છે. પરમાર્થ-પરમાર્થસ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પરમાર્થ-વ્યવહારસ્વરૂપ એ અનંતર પરંપરસંબંધે મોક્ષનો ઉપાય છે. વ્યવહાર-પરમાર્થસ્વરૂપ તે ઘણાં કાળે કોઈ પ્રકારે પણ મોક્ષનાં સાધનના કારણભૂત થવાનો ઉપાય છે. વ્યવહાર-વ્યવહારસ્વરૂપનું ફળ આત્મપ્રત્યયી નથી સંભવતું. આ વાત હજુ કોઈ પ્રસંગે વિશેષપણે લખીશું એટલે વિશેષપણે સમજાશે; પણ આટલી સંક્ષેપતાથી વિશેષ ન સમજાય તો મુઝાશો નહીં. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેને આત્મસ્વરૂપ જણાયું છે, તેને ધ્યાનનો એ એક ઉપાય છે, કે જેથી આત્મપ્રદેશની સ્થિરતા થાય છે, અને પરિણામ પણ સ્થિર થાય છે. લક્ષણથી, ગુણથી અને વેદનથી જેણે આત્મસ્વરૂપ જાણ્યું નથી, એવા મુમુક્ષને જ્ઞાની પુરુષે બતાવેલું જો આ જ્ઞાન હોય તો તેને અનુક્રમે લક્ષણાદિનો બોધ સુગમપણે થાય છે. મુખરસ અને તેનું ઉત્પત્તિક્ષેત્ર એ કોઈ અપૂર્વ કારણરૂપ છે એમ તમે નિશ્ચયપણે નિર્ધારજો. જ્ઞાનીપુરુષનો તે પછીનો જે માર્ગ તે ન દુભાય એવો તમને પ્રસંગ થયો છે, તેથી તેવો નિશ્ચય રાખવા જણાવ્યું છે. તે પછીનો માર્ગ જો દુભાતો હોય અને તેને વિષે કોઈને અપૂર્વ કારણરૂપે નિશ્ચય થયો હોય તો તે કોઈ પ્રકારે પાછો નિશ્ચય ફેરવ્યે જ ઉપાયરૂપ થાય છે, એવો અમારા આત્મામાં લક્ષ રહે છે. એક અજ્ઞાનપણે પવનની સ્થિરતા કરે છે, પણ શ્વાસોચ્છવાસ રોધનથી તેને કલ્યાણનો હેતુ થતો નથી, અને એક જ્ઞાનીની આજ્ઞાપૂર્વક શ્વાસોચ્છવાસનો રોધ કરે છે. તો તેને તે કારણથી જે સ્થિરતા આવે છે. તે 2 પ્રગટવાનો હેતુ થાય છે. શ્વાસોચ્છવાસની સ્થિરતા થવી એ એક પ્રકારે ઘણી કઠણ વાત છે. તેનો સંગમ ઉપાય મુખરસ એકતાર કરવાથી થાય છે, માટે તે વિશેષ સ્થિરતાનું સાધન છે; પણ તે સુધારસ-સ્થિરતા અજ્ઞાનપણે ફળીભૂત થતી નથી, એટલે કલ્યાણરૂપ થતી નથી, તેમ તે બીજજ્ઞાનનું ધ્યાન પણ અજ્ઞાનપણે કલ્યાણરૂપ થતું નથી, એટલો વિશેષ નિશ્ચય અમને ભાસ્યા કરે છે. જેણે વેદનપણે આત્મા જામ્યો છે તે જ્ઞાનીપુરુષની આજ્ઞાએ તે કલ્યાણરૂપ થાય છે, અને આત્મા પ્રગટવાનો અત્યંત સુગમ ઉપાય થાય છે. એક બીજી અપૂર્વ વાત પણ આ સ્થળે લખવાનું સૂઝે છે. આત્મા છે તે ચંદનવૃક્ષ છે. તેની સમીપે જે જે વસ્તુઓ વિશેષપણે રહી હોય તે તે વસ્તુ તેની સુગંધનો (!) વિશેષ બોધ કરે છે. જે વૃક્ષ ચંદનથી વિશેષ સમીપ હોય તે વૃક્ષમાં ચંદનની ગંધ વિશેષપણે ફુરે છે. જેમ જેમ આધેનાં વૃક્ષ હોય તેમ તેમ સુગંધ મંદપરિણામને ભજે છે; અને અમુક મર્યાદા પછી અસુગંધરૂપ વૃક્ષોનું વન આવે છે, અર્થાત્ ચંદન પછી તે સુગંધપરિણામ કરતું નથી. તેમ આ આત્મા વિભાવ પરિણામને ભજે છે, ત્યાં સુધી તેને ચંદન વૃક્ષ કહીએ છીએ અને સૌથી તેને અમુક અમુક સૂક્ષ્મ વસ્તુનો સંબંધ છે, તેમાં તેની છાયા(!)રૂપ સુગંધ વિશેષ પડે છે; જેનું ધ્યાન જ્ઞાનીની આજ્ઞાએ થવાથી આત્મા પ્રગટે છે. પવન કરતાં પણ સુધારસ છે તેમાં, આત્મા વિશેષ સમીપપણે વર્તે છે, માટે તે આત્માની વિશેષ છાયા-સુગંધ()નો ધ્યાન કરવા યોગ્ય ઉપાય છે. આ પણ વિશેષપણે સમજવા યોગ્ય છે.
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રણામ પહોંચે.