Book Title: Vachanamrut 0460 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330581/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 460 શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી મુંબઈ, બીજા અષાડ વદ 10, સોમ, 1949 ભાઈ કુંવરજી, શ્રી કલોલ. શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યકપ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યકપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સમ્યકપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષહના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી, અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે. જ્યાં સુધી દેહાદિકથી કરી જીવને આત્મકલ્યાણનું સાધન કરવું રહ્યું છે, ત્યાં સુધી તે દેહને વિષે અપારિણામિક એવી મમતા ભજવી યોગ્ય છે; એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મમત્વાર્થે કરવાની ઇચ્છાએ નહીં, પણ તે દેહે કરી જ્ઞાનીપુરુષના માર્ગનું આરાધન થઈ શકે છે, એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ, તે લાભને અર્થે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની વ્યાધિના ઉપચારે પ્રવર્તવામાં બાધ નથી. જે કંઈ તે મમતા છે તે અપરિણામિક મમતા છે, એટલે પરિણામે સમતા સ્વરૂપ છે; પણ તે દેહની પ્રિયતાર્થે, સાંસારિક સાધનમાં પ્રધાન ભોગનો એ હેતુ છે, તે ત્યાગવો પડે છે, એવા આર્તધ્યાને કોઈ પ્રકારે પણ તે દેહમાં બુદ્ધિ ન કરવી એવી જ્ઞાની પુરુષોના માર્ગની શિક્ષા જાણી આત્મકલ્યાણનો તેવા પ્રસંગે લક્ષ રાખવો યોગ્ય છે. સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કોઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ ક્લેશનું, મોહનું, અને માઠી ગતિનું કારણ છે. સવિચાર, અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેનો પ્રથમ સાક્ષાત ઉપાય જ્ઞાનીપુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રણામ પહોંચે.