Book Title: Vachanamrut 0376
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330496/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 376 જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે મુંબઈ, વૈશાખ વદ, 1948 શ્રી સ્થંભતીર્થવાસી જિજ્ઞાસુ પ્રત્યે, શ્રી મોહમયીથી અમોહસ્વરૂપ એવા શ્રી રામચંદ્રના આત્મસમાનભાવની સ્મૃતિએ યથાયોગ્ય વાંચશો. હાલ અત્રે બાહ્યપ્રવૃત્તિનો જોગ વિશેષપણે રહે છે. જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલાં એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપાને અર્થે હોય છે. જે ભાવે કરી સંસારની ઉત્પત્તિ હોય છે, તે ભાવ જેને વિષેથી નિવૃત્ત થયો છે, એવા જ્ઞાની પણ બાહ્યપ્રવૃત્તિનાં નિવૃત્તપણાને અને સત્સમાગમનાં નિવાસપણાને ઇચ્છે છે. તે જોગનું જ્યાં સુધી ઉદયપણું પ્રાપ્ત ન હોય ત્યાં સુધી, અવિષમપણે પ્રાપ્ત સ્થિતિએ વર્તે છે એવા જે જ્ઞાની તેના ચરણારવિંદની ફરી ફરી સ્મૃતિ થઈ આવવાથી પરમ વિશિષ્ટભાવે નમસ્કાર કરીએ છીએ. હાલ જે પ્રવૃત્તિજોગમાં રહીએ છીએ તે તો ઘણા પ્રકારના પરેચ્છાના કારણથી રહીએ છીએ. આત્મદ્રષ્ટિનું અખંડપણું એ પ્રવૃત્તિનોગથી બાધ નથી પામતું. માટે ઉદય આવેલો એવો તે જોગ આરાધીએ છીએ. અમારો પ્રવૃત્તિ જોગ જિજ્ઞાસુ પ્રત્યે કલ્યાણ પ્રાપ્ત થવા વિષે વિયોગપણે કોઈ પ્રકારે વર્તે છે. જેને વિષે સસ્વરૂપ વર્તે છે, એવા જે જ્ઞાની તેને વિષે લોક-સ્પૃહાદિનો ત્યાગ કરી, ભાવે પણ જે આશ્રિતપણે વર્તે છે, તે નિકટપણે કલ્યાણને પામે છે, એમ જાણીએ છીએ. નિવૃત્તિને, સમાગમને ઘણા પ્રકારે ઇચ્છીએ છીએ, કારણ કે એ પ્રકારનો જે અમારો રાગ તે કેવળ અમે નિવૃત્ત કર્યો નથી. કાળનું કળિસ્વરૂપ વર્તે છે, તેને વિષે જે અવિષમપણે માર્ગની જિજ્ઞાસાએ કરી, બાકી બીજા જે અન્ય જાણવાના ઉપાય તે પ્રત્યે ઉદાસીનપણે વર્તતો પણ જ્ઞાનીના સમાગમે અત્યંત નિકટપણે કલ્યાણ પામે છે, એમ જાણીએ છીએ. કૃષ્ણદાસે લખ્યું છે એવું જે જગત, ઈશ્વરાદિ સંબંધી પ્રશ્ન તે અમારા ઘણા વિશેષ સમાગમે સમજવા યોગ્ય છે. એવા પ્રકારનો વિચાર (કોઈ કોઈ સમયે) કરવામાં હાનિ નથી. તેનો યથાર્થ ઉત્તર કદાપિ અમુક કાળ સુધી પ્રાપ્ત ન થાય તો તેથી ધીરજનો ત્યાગ કરવાને વિષે જતી એવી જે મતિ તે રોકવા યોગ્ય છે. અવિષમપણે જ્યાં આત્મધ્યાન વર્તે છે, એવા જે ‘શ્રી રામચંદ્ર’ તે પ્રત્યે ફરી ફરી નમસ્કાર કરી આ પત્ર અત્યારે પૂરું કરીએ છીએ.