Page #1
--------------------------------------------------------------------------
________________ 375 જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે મુંબઈ, વૈશાખ, 1948 જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે, ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુ:ખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુ:ખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરૂવચનનું શ્રવણવું કે સ@ાસ્ત્રનું વિચારવું એ છે. જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઇચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઇચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે. યથાપ્રારબ્ધ સ્થિતિ છે એટલે બળવાન ઉપાધિયોગે વિષમતા આવતી નથી, કંટાળો અત્યંત આવી જતાં છતાં ઉપશમનું, સમાધિનું યથારૂપ રહેવું થાય છે; તથાપિ નિરંતર ચિત્તમાં સત્સંગની ભાવના વર્યા કરે છે. સત્સંગનું અત્યંત માહા... પૂર્વભવે વેદન કર્યું છે; તે ફરી ફરી સ્મૃતિરૂપ થાય છે અને નિરંતર અભંગપણે તે ભાવના ફુરિત રહ્યા કરે છે. જ્યાં સુધી આ ઉપાધિયોગનો ઉદય છે ત્યાં સુધી સમવસ્થાને તે નિર્વાહવો એવું પ્રારબ્ધ છે, તથાપિ જે કાળ જાય છે તે તેના ત્યાગના ભાવમાં ઘણું કરી ગયા કરે છે. નિવૃત્તિ જેવાં ક્ષેત્રે ચિત્તસ્થિરતાએ હાલ ‘સૂત્રકૃતાંગસૂત્ર'નું શ્રવણ કરવા ઇચ્છા હોય તો કરવામાં બાધા નથી. માત્ર જીવને ઉપશમાર્થે તે કરવું યોગ્ય છે. કયા મતનું વિશેષપણું છે, કયા મતનું ન્યૂનપણું છે, એવા અન્યાર્થમાં પડવા અર્થે તેમ કરવું યોગ્ય નથી. તે ‘સૂત્રકૃતાંગ'ની રચના જે પુરુષોએ કરી છે, તે આત્મસ્વરૂપ પુરુષ હતા, એવો અમારો નિશ્ચય છે. ‘આ કર્મરૂપ ક્લેશ જે જીવને પ્રાપ્ત થયો છે તે કેમ ત્રુટે ?' એવું પ્રશ્ન મુમુક્ષુ શિષ્યને ઉદ્ભવ કરી ‘બોધ પામવાથી ત્રુટે એવું તે ‘સૂત્રકૃતાંગ’નું પ્રથમ વાક્ય છે. ‘તે બંધન શું ? અને શું જાણવાથી તે ત્રુટે ?' એવું
Page #2
--------------------------------------------------------------------------
________________ બીજું પ્રશ્ન ત્યાં શિષ્યને સંભવે છે અને તે બંધન વીરસ્વામીએ શા પ્રકારે કહ્યું છે ? એવા વાક્યથી તે પ્રશ્ન મૂક્યું છે, અર્થાત્ શિષ્યના પ્રશ્નમાં તે વાક્ય મૂકી ગ્રંથકાર એમ કહે છે કે, આત્મસ્વરૂપ એવા શ્રી વીરસ્વામીનું કહેલું તમને કહીશું, કેમ કે આત્મસ્વરૂપ પુરુષ આત્મસ્વરૂપાથું અત્યંત પ્રતીતિ યોગ્ય છે. તે બંધનનું સ્વરૂપ ત્યાર પછી ગ્રંથકાર કહે છે તે ફરી ફરી વિચારવા યોગ્ય છે. ત્યારપછી તેના વિશેષ વિચારે ગ્રંથકારને સ્મૃતિ થઈ કે આ જે સમાધિમાર્ગ તે આત્માના નિશ્ચય વિના ઘટે નહીં, અને જગતવાસી જીવોએ અજ્ઞાની ઉપદેશકોથી જીવનું સ્વરૂપ અન્યથા જાણી, કલ્યાણનું સ્વરૂપ અન્યથા જાણી, અન્યથાનો યથાર્થપણે નિશ્ચય કર્યો છે; તે નિશ્ચયનો ભંગ થયા વિના, તે નિશ્ચયમાં સંદેહ પડ્યા વિના, અમે જે અનુભવ્યો છે એવો સમાધિમાર્ગ, તેમને કોઈ પ્રકારે સંભળાવ્યો શી રીતે ફળીભૂત થશે ? એવું જાણી ગ્રંથકાર કહે છે કે, ‘આવા માર્ગનો ત્યાગ કરી કોઈ એક શ્રમણ બ્રાહ્મણ અજાણપણે, વગર વિચાર્યું. અન્યથા પ્રકારે માર્ગ કહે છે” એમ કહેતા હતા. તે અન્યથા પ્રકાર પછી ગ્રંથકાર નિવેદન કરે છે, કે પંચમહાભૂતનું જ કોઈ અસ્તિત્વ માને છે, આત્માનું ઉત્પન્ન થવું તેથી માને છે, જેમ ઘટતું નથી. એમ જણાવી આત્માનું નિત્યપણું પ્રતિપાદન કરે છે. જો જીવે પોતાનું નિત્યપણું જાણ્યું નથી, તો પછી નિર્વાણનું પ્રયત્ન શા અર્થે થાય ? એવો અભિપ્રાય કરી નિત્યતા દર્શાવી છે. ત્યાર પછી ભિન્ન ભિન્ન પ્રકારે કલ્પિત અભિપ્રાય દર્શાવી યથાર્થ અભિપ્રાયનો બોધ કરી, યથાર્થ માર્ગ વિના છૂટકો નથી, ગર્ભપણું ટળે નહીં, જન્મ ટળે નહીં, મરણ ટળે નહીં, દુઃખ ટળે નહીં, આધિ, વ્યાધિ, ઉપાધિ કંઈ ટળે નહીં, અને અમે ઉપર જે કહી આવ્યા છીએ એવા મતવાદીઓ તે સૌ તેવા પ્રકારને વિષે વસ્યા છે, કે જેથી જન્મ જરા મરણાદિનો નાશ થાય નહીં, એવો વિશેષ ઉપદેશરૂપ આગ્રહ કરી પ્રથમાધ્યયન સમાપ્ત કર્યું છે. ત્યાર પછી અનુક્રમે તેથી વર્ધમાન પરિણામે ઉપશમ - કલ્યાણ - આત્માર્થ બોધ્યો છે. તે લક્ષમાં રાખી વાંચન, શ્રવણ ઘટે છે. કુળધર્માર્થે ‘સૂત્રકૃતાંગ’નું વાંચન, શ્રવણ નિષ્ફળ છે.