Book Title: Vachanamrut 0322
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330442/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 322 લૌકિકદ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશે તો પછી અલૌકિકદ્રષ્ટિએ કોણ પ્રવર્તશે ? રવિવાર, 1948 લૌકિકદ્રષ્ટિએ તમે અને અમે પ્રવર્તશું તો પછી અલૌકિકદ્રષ્ટિએ કોણ પ્રવર્તશે ? આત્મા એક છે કે અનેક છે, કર્તા છે કે અકર્તા છે, જગતનો કોઈ કર્તા છે કે જગત સ્વતઃ છે, એ વગેરે ક્રમે કરીને સત્સંગે સમજવા યોગ્ય છે; એમ જાણીને પત્ર વાટે તે વિષે હાલ લખવામાં આવ્યું નથી. સમ્યકપ્રકારે જ્ઞાનીને વિષે અખંડ વિશ્વાસ રાખવાનું ફળ નિશ્ચયે મક્તપણે છે. સંસારસંબંધી તમને જે જે ચિંતા છે, તે ચિંતા પ્રાયે અમને જાણવામાં છે, અને તે વિષે અમુક અમુક તમને વિકલ્પ રહે છે તે પણ જાણીએ છીએ. તેમજ પરમાર્થચિંતા પણ સત્સંગના વિયોગને લીધે રહે છે તે પણ જાણીએ છીએ; બેય પ્રકારનો વિકલ્પ હોવાથી તમને આકુળવ્યાકુળપણું પ્રાપ્ત હોય એમાં પણ આશ્ચર્ય લાગતું નથી, અથવા અસંભવરૂપ લાગતું નથી. હવે એ બેય પ્રકારને માટે ચોખ્ખા શબ્દોમાં નીચે જે કંઈ મનને વિષે છે તે લખવાનું પ્રયત્ન કર્યું છે. સંસારસંબંધી તમને જે ચિંતા છે, તે જેમ ઉદયમાં આવે તેમ વેદવી, સહન કરવી. એ ચિંતા થવાનું કારણ એવું કોઈ કર્મ નથી કે જે ટાળવા માટે જ્ઞાની પુરુષને પ્રવૃત્તિ કરતાં બાધ ન આવે. જ્યારથી યથાર્થ બોધની ઉત્પત્તિ થઈ છે, ત્યારથી કોઈ પણ પ્રકારના સિદ્ધિયોગે કે વિદ્યાના યોગે સાંસારિક સાધન પોતાસંબંધી કે પરસંબંધી કરવાની પ્રતિજ્ઞા છે; અને એ પ્રતિજ્ઞામાં એક પળ પણ મંદપણું આવ્યું હોય એમ હજુ સુધીમાં થયું છે એમ સાંભરતું નથી. તમારી ચિંતા જાણીએ છીએ, અને અમે તે ચિંતાનો કોઈ પણ ભાગ જેટલો બને તેટલો વેચવા ઇચ્છીએ છીએ. પણ એમ તો કોઈ કાળે બન્યું નથી, તે કેમ બને ? અમને પણ ઉદયકાળ એવો વર્તે છે કે હાલ રિદ્ધિયોગ હાથમાં નથી. પ્રાણીમાત્ર પ્રાયે આહાર, પાણી પામી રહે છે. તો તમ જેવા પ્રાણીના કુટુંબને માટે તેથી વિપર્યય પરિણામ આવે એવું જે ધારવું તે યોગ્ય જ નથી. કુટુંબની લાજ વારંવાર આડી આવી જે આકુળતા આપે છે, તે ગમે તો રાખીએ અને ગમે તો ન રાખીએ તે બન્ને સરખું છે, કેમ કે જેમાં પોતાનું નિરુપાયપણું રહ્યું તેમાં તો જે થાય તે યોગ્ય જ માનવું એ દ્રષ્ટિ સમ્યક છે. જે લાગ્યું તે જણાવ્યું છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે, તે તો આત્માની સ્વરૂપપરિણતિ વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાયે નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે અન્યભાવને વિષે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. Page #2 -------------------------------------------------------------------------- ________________ બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે, અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે. કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું કે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે, માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ. વન અને ઘર એ બન્ને કોઈ પ્રકારે અમને સમાન છે, તથાપિ વનમાં પૂર્ણ વીતરાગભાવને અર્થે રહેવું વધારે રુચિકર લાગે છે; સુખની ઇચ્છા નથી પણ વીતરાગપણાની ઇચ્છા છે. જગતના કલ્યાણને અર્થે પુરુષાર્થ કરવા વિષે લખ્યું તો તે પુરુષાર્થ કરવાની ઇચ્છા કોઈ પ્રકારે રહે પણ છે. તથાપિ ઉદયને અનુસરીને ચાલવું એ આત્માની સહજ દશા થઈ છે, અને તેવો ઉદયકાળ હાલ સમીપમાં જણાતો નથી; તો તે ઉદેરી આણવાનું બને એવી દશા અમારી નથી. ‘માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ ખેદ નહીં પામીએ; જ્ઞાનના અનંત આનંદ આગળ તે દુઃખ તૃણ માત્ર છે' આ ભાવાર્થનું જે વચન લખ્યું છે, તે વચનને અમારો નમસ્કાર હો ! એવું જે વચન તે ખરી જોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. “જીવ એ પુગલીપદાર્થ નથી, પુદ્ગલ નથી, તેમ પુદગલનો આધાર નથી, તેના રંગવાળો નથી; પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી, કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિષે હોય નહીં. વસ્તુત્વધર્મે જોતાં તે કોઈ કાળે પણ પરસંગી પણ નથી.” એ પ્રમાણે સામાન્ય અર્થ ‘જીવ નવિ પુગલી’ વગેરે પદોનો છે. “દુઃખસુખરૂપ કરમ ફળ જાણો, નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.” (શ્રી વાસુપૂજ્ય-સ્તવન, આનંદઘનજી)