Book Title: Vachanamrut 0305
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330425/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 305 ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી વવાણિયા, કારતક વદ 1, 1948 ધર્મજવાસી છે જેઓ, તેમને સમ્યકજ્ઞાનની હજુ જોકે પ્રાપ્તિ નથી, તથાપિ માર્ગાનુસારી જીવ હોવાથી તેઓ સમાગમ કરવા જોગ છે. તેમના આશ્રયમાં વર્તતા મુમુક્ષુઓની ભક્તિ, વિનયાદિ રીતભાત, નિર્વાસનાપણું એ જોઈ અનુસરવા જોગ છે. તમારો જે કુળધર્મ છે, તેની કેટલીક રીતભાત વિચારતાં ઉપર જણાવેલા મુમુક્ષુઓની રીતભાત આદિ'... તેમની મન, વચન, કાયાની અનુસરણા, સરળતા .... માટે સમાગમ કરવા જોગ છે. કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યકજ્ઞાન મોટા પુરુષોએ ગયું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યકજ્ઞાન ગણવામાં આવ્યું છે. ધર્મજ જેમનો નિવાસ છે, તેઓ હજુ તે ભૂમિકામાં આવ્યા નથી. તેમને અમુક તેજોમયાદિનું દર્શન છે. તથાપિ યથાર્થ બોધપૂર્વક નથી. દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઈ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ. ઉપર જે કલ્પના શબ્દ વાપરવામાં આવ્યો છે તે એવા અર્થમાં છે કે “અમે તમને તે સમાગમની સંમતિ આપવાથી તે સમાગમીઓ ‘વસ્તુજ્ઞાન’ના સંબંધમાં જે કંઈ પ્રરૂપે છે, અથવા બોધે છે, તેમજ અમારી માન્યતા પણ છે, અર્થાત જેને અમે સત કહીએ છીએ તે, પણ અમે હાલ મૌન રહેતા હોવાથી તેમના સમાગમથી તે જ્ઞાનનો બોધ તમને મેળવવા ઇચ્છીએ છીએ.” 1 પત્ર ફાટેલો હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે. 2 પત્ર ફાટેલો હોવાથી અહીંથી અક્ષરો ઊડી ગયા છે.