Book Title: Vachanamrut 0262 PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330382/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 262 આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે મુંબઈ, શ્રાવણ સુદ, 1947 ઉપાધિના ઉદયને લીધે પહોંચ આપવાનું બની શક્યું નથી, તે ક્ષમા કરશો. અત્ર અમને ઉપાધિના ઉદયને લીધે સ્થિતિ છે. એટલે તમને સમાગમ રહેવો દુર્લભ છે. આ જગતને વિષે સત્સંગની પ્રાપ્તિ ચતુર્થકાળ જેવા કાળને વિષે પણ પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તો આ દુષમકાળને વિષે પ્રાપ્તિ પરમ દુર્લભ હોવી સંભાવ્ય છે એમ જાણી, જે જે પ્રકારે સત્સંગના વિયોગમાં પણ આત્મામાં ગુણોત્પત્તિ થાય છે તે પ્રકારે પ્રવર્તવાનો પુરુષાર્થ વારંવાર, વખતોવખત અને પ્રસંગે પ્રસંગે કર્તવ્ય છે; અને નિરંતર સત્સંગની ઇચ્છા, અસત્સંગમાં ઉદાસીનતા રહેવામાં મુખ્ય કારણ તેવો પુરુષાર્થ છે, એમ જાણી જે કંઈ નિવૃત્તિનાં કારણો હોય, તે તે કારણોનો વારંવાર વિચાર કરવો યોગ્ય છે. અમને આ લખતાં એમ સ્મરણ થાય છે કે “શું કરવું ?" અથવા “કોઈ પ્રકારે થતું નથી ?" એવું તમારા ચિત્તમાં વારંવાર થઈ આવતું હશે, તથાપિ એમ ઘટે છે કે જે પુરુષ બીજા બધા પ્રકારનો વિચાર અકર્તવ્યરૂપ જાણી આત્મકલ્યાણને વિષે ઉજમાળ થાય છે, તેને કંઈ નહીં જાણતાં છતાં, તે જ વિચારના પરિણામમાં જે કરવું ઘટે છે, અને કોઈ પ્રકારે થતું નથી એમ ભાસ્યમાન થયેલું તે પ્રગટ થવાનું તે જીવને વિષે કારણ ઉત્પન્ન થાય છે, અથવા કૃતકૃત્યતાનું સાક્ષાત્ સ્વરૂપ ઉત્પન્ન થાય છે. દોષ કરે છે એવી સ્થિતિમાં આ જગતના જીવોના ત્રણ પ્રકાર જ્ઞાનીપુરુષે દીઠા છે. (1) કોઈ પણ પ્રકારે જીવ દોષ કે કલ્યાણનો વિચાર નથી કરી શક્યો, અથવા કરવાની જે સ્થિતિ તેમાં બેભાન છે, એવા જીવોનો એક પ્રકાર છે. (2) અજ્ઞાનપણાથી, અસત્સંગના અભ્યાસે ભાસ્યમાન થયેલા બોધથી દોષ કરે છે તે ક્રિયાને કલ્યાણસ્વરૂપ માનતા એવા જીવોનો બીજો પ્રકાર છે. (3) ઉદયાધીનપણે માત્ર જેની સ્થિતિ છે, સર્વ પરસ્વરૂપનો સાક્ષી છે એવો બોધસ્વરૂપ જીવ, માત્ર ઉદાસીનપણે કર્તા દેખાય છે, એવા જીવોનો ત્રીજો પ્રકાર એમ ત્રણ પ્રકારના જીવસમૂહ જ્ઞાનીપુરુષે દીઠા છે. ઘણું કરી પ્રથમ પ્રકારને વિષે સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિના પ્રકારને વિષે તદાકાર-પરિણામી, જેવા ભાસતા એવા જીવો સમાવેશ પામે છે. જુદા જુદા ધર્મની નામક્રિયા કરતા એવા જીવો, અથવા સ્વચ્છેદ-પરિણામી એવા પરમાર્થમાર્ગે ચાલીએ છીએ એવી બુદ્ધિએ ગૃહીત જીવો તે બીજા પ્રકારને વિષે સમાવેશ પામે છે. સ્ત્રી, પુત્ર, મિત્ર, ધનાદિ પ્રાપ્તિ-અપ્રાપ્તિ એ આદિ ભાવને વિષે જેને વૈરાગ્ય ઉત્પન્ન થયો છે, અથવા થયા કરે છે; સ્વચ્છેદ-પરિણામ જેનું ગળિત થયું છે, અને તેવા ભાવના વિચારમાં નિરંતર જેનું રહેવું છે, એવા જીવના દોષ તે ત્રીજા પ્રકારમાં સમાવેશ થાય છે. જે પ્રકારે ત્રીજો સમૂહ સાધ્ય થાય તે પ્રકાર વિચાર છે. વિચારવાન છે તેને યથાબુદ્ધિએ, સદગ્રંથે, સત્સંગે તે Page #2 -------------------------------------------------------------------------- ________________ વિચાર પ્રાપ્ત થાય છે, અને અનુક્રમે દોષરહિત એવું સ્વરૂપ તેને વિષે ઉત્પન્ન હોય છે. આ વાત ફરી ફરી સૂતાં તથા જાગતાં અને બીજ બીજ પ્રકારે વિચારવા, સંભારવા યોગ્ય છે.