Book Title: Vachanamrut 0212 PS Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330332/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 212 વાંછા-ઇચ્છાના અર્થ તરીકે કામ' શબ્દ વપરાય છે મુંબઈ, માહ વદ, 1947 સને નમોનમઃ વાંછા-ઇચ્છાના અર્થ તરીકે “કામ” શબ્દ વપરાય છે, તેમ જ પંચેન્દ્રિય વિષયના અર્થ તરીકે પણ વપરાય છે. ‘અનન્ય’ એટલે એના જેવો બીજો નહીં, સર્વોત્કૃષ્ટ, અનન્ય ભક્તિભાવ એટલે એના જેવો બીજો નહીં એવો ભક્તિપૂર્વક ઉત્કૃષ્ટ ભાવ. મુમુક્ષ વૈ. યોગમાર્ગના સારા પરિચયી છે, એમ જાણું છું. સવૃત્તિવાળા જોગ્ય જીવ છે. જે ‘પદ'નો તમે સાક્ષાત્કાર પૂક્યો, તે તેમને હજુ થયો નથી. પૂર્વકાળમાં ઉત્તર દિશામાં વિચરવા વિષેનું તેમના મુખથી શ્રવણ કર્યું. તો તે વિષે હાલ તો કંઈ લખી શકાય તેમ નથી. જોકે તેમણે તમને મિથ્યા કહ્યું નથી, એટલું જણાવી શકું છું. જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિત્ કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મલિન હતી; દ્રષ્ટિ જો મલિન હોય તો તેવી સંતમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય તમે બધાએ હાલ તો એક પ્રકારનું અમને બંધન કરવા માંડ્યું છે, તે માટે અમારે શું કરવું તે કાંઈ સૂઝતું નથી. ‘સજીવન મૂર્તિ'થી માર્ગ મળે એવો ઉપદેશ કરતાં પોતે પોતાને બંધન કર્યું છે, કે જે ઉપદેશનો લક્ષ તમે અમારા ઉપર જ માંડ્યો. અમે તો સજીવનમૂર્તિના દાસ છીએ, ચરણરજ છીએ. અમારી એવી અલૌકિક દશા પણ ક્યાં છે ? કે જે દશામાં કેવળ અસંગતા જ વર્તે છે. અમારો ઉપાધિયોગ તો તમે પ્રત્યક્ષ દેખો તેવો છે. આ બે છેલ્લી વાત તો તમારા બધાને માટે મેં લખી છે, અમને હવે ઓછું બંધન થાય તેમ કરવા બધાને વિનંતી છે. બીજું એક એ જણાવવાનું છે કે તમે અમારે માટે કંઈ હવે કોઈને કહેશો નહીં. ઉદયકાળ તમે જાણો છો. Page #2 -------------------------------------------------------------------------- _