Book Title: Vachanamrut 0200 Vachanavali PS
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330320/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 200 વચનાવલી મુંબઈ, માહ સુદ, 1947 1. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સતસુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમત કહ્યું છે. 2. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું. 3. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે. 4. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો. 5. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. 6. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. 7. 1 જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી, અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે. 8. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. 9. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. 10. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. 11. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહર્તમાં પણ કેવળજ્ઞાન પામે. 12. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે, મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. 13. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. 14. એ ગુપ્ત તત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. 1 પાઠાન્તર-જોકે જ્ઞાની ભકિત ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આ અનાદિ કાળનું ગુપ્ત તત્ત્વ સંતોના હૃદયમાં રહ્યું તે પાને ચઢાવ્યું છે. Page #2 -------------------------------------------------------------------------- ________________ ઇતિ શિવમ્