Book Title: Vachanamrut 0165
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330285/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 165 કેવલબીજ સંપન્ન - સર્વગુણસંપન્ન ભગવાનમાંય અપલક્ષણ - કેવળજ્ઞાન સુધીની મહેનત લેખે - જગતની લીલાને મફતમાં જોઈએ છીએ મુંબઈ, કાર્તિક સુદ 5, સોમ, 1947 પરમ પૂજ્ય-કેવલબીજ સંપન્ન, સર્વોત્તમ ઉપકારી શ્રી સૌભાગ્યભાઈ, મોરબી. આપના પ્રતાપે અત્ર આનંદવૃત્તિ છે. પ્રભુ પ્રતાપે ઉપાધિજન્ય વૃત્તિ છે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી ! વિચિત્ર કરવું એ જ એની લીલા ! ત્યાં અધિક શું કહેવું ! સર્વ સમર્થ પુરુષો આપને પ્રાપ્ત થયેલાં જ્ઞાનને જ ગાઈ ગયા છે. એ જ્ઞાનની દિન પ્રતિદિન આ આત્માને પણ વિશેષતા થતી જાય છે. હું ધારું છું કે કેવળજ્ઞાન સુધીની મહેનત કરી અલખે તો નહીં જાય. મોક્ષની આપણને કોઈ જરૂર નથી. નિઃશંકપણાની, નિર્ભયપણાની, નિર્મઝનપણાની અને નિઃસ્પૃહપણાની જરૂર હતી, તે ઘણે અંશે પ્રાપ્ત થઈ જણાય છે; અને પૂર્ણ અંશે પ્રાપ્ત કરાવવાની કરુણાસાગર ગુપ્ત રહેલાની કૃપા થશે એમ આશા રહે છે. છતાં વળી એથીયે અલૌકિક દશાની ઇચ્છા રહે છે, ત્યાં વિશેષ શું કહેવું ? અનહદ ધ્વનિમાં મણા નથી. પણ ગાડીઘોડાની ઉપાધિ શ્રવણનું સુખ થોડું આપે છે. નિવૃત્તિ વિના અહીં બીજું બધુંય લાગે છે. જગતને, જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. આપની કૃપા ઇચ્છું છું. વિ. આજ્ઞાંકિત રાયચંદના પ્રણામ.