Book Title: Vachanamrut 0163 Roj Nishi Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330283/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 193 કળિકાળનું સ્વરૂપ - અમને પણ કળિયુગનો પ્રસંગ સંગ - જીવોની વૃત્તિવિમુખતા એ પરમદુઃખ હે હરિ, આ કળિકાળમાં તારે વિષે અખંડ પ્રેમની ક્ષણ પણ જવી દુર્લભ છે, એવી નિવૃત્તિ ભૂલી ગયા છે. પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. નાના પ્રકારના સુખાભાસને વિષે પ્રયત્ન થઈ રહ્યો છે. આરત પણ નાશ પામ્યા જેવું થઈ ગયું છે. વૃદ્ધમર્યાદા રહી નથી. ધર્મમર્યાદાનો તિરસ્કાર થયા કરે છે. સત્સંગ શું ? અને એ જ એક કર્તવ્યરૂપ છે એમ સમજવું કેવળ દુર્ઘટ થઈ પડ્યું છે. સત્સંગની પ્રાપ્તિમાં પણ જીવને તેનું ઓળખાણ થવું મહાવિકટ થઈ પડ્યું છે. માયાની પ્રવૃત્તિનો પ્રસંગ ફરી ફરી જીવો કર્યા કરે છે. એક વખતે જે વચનોની પ્રાપ્તિ થતાં જીવ બંધનમુક્ત હોય અને તારા સ્વરૂપને પામે, તેવાં વચનો ઘણા વખત કહેવાયાનું પણ કાંઈ જ ફળ થતું નથી. એવી જીવોમાં અજોગ્યતા આવી ગઈ છે. નિષ્કપટપણું હાનિને પામ્યું છે. શાસ્ત્રને વિષે સંદેહ ઉત્પન્ન કરવો એ એક જ્ઞાન જીવે માન્યું છે. પરિગ્રહની પ્રાપ્તિ અર્થે તારા ભક્તને પણ છેતરવાનું કર્તવ્ય પાપરૂપ તેને લાગતું નથી. પરિગ્રહ પેદા કરનાર એવા સગાસંબંધીમાં એવો પ્રેમ કર્યો છે કે તેવો તારા પ્રત્યે અથવા તારા ભક્ત પ્રત્યે કર્યો હોય તો જીવ તને પામે. સર્વભૂતને વિષે દયા રાખવી અને સર્વને વિષે તું છો એમ હોવાથી દાસત્વભાવ રાખવો એ પરમ ધર્મ અલિત થઈ ગયો છે. સર્વરૂપે તું સમાન જ રહ્યો છે, માટે ભેદભાવનો ત્યાગ કરવો એ મોટા પુરુષોનું અંતરંગ જ્ઞાન આજે ક્યાંય જોવામાં આવતું નથી. અમે કે જે માત્ર તારું નિરંતર દાસત્વ જ અનન્ય પ્રેમે ઇચ્છીએ છીએ, તેને પણ તું કળિયુગનો પ્રસંગી સંગ આપ્યા કરે છે. હવે હે હરિ, આ જોયું જતું નથી, સાંભળ્યું જતું નથી. તે ન કરાવવું યોગ્ય છે, તેમ છતાં અમારા પ્રત્યે તારી તેવી જ ઇચ્છા હોય તો પ્રેરણા કર એટલે અમે તે કેવળ સુખરૂપ જ માની લઈશું. અમારા પ્રસંગમાં આવેલા જીવો કોઈ પ્રકારે દુભાય નહીં અને અમારા દ્વેષી ન હોય (અમારા કારણથી) એવો હું શરણાગત ઉપર અનુગ્રહ થવો યોગ્ય હોય તો કર. મને મોટામાં મોટું દુઃખ માત્ર એટલું જ છે કે તારાથી વિમુખ થવાય એવી વૃત્તિઓએ જીવો પ્રવર્તે છે, તેનો પ્રસંગ થવો અને વળી કોઈ કારણોને લીધે તેને તારા સન્મુખ થવાનું જણાવતાં છતાં તેનું અનંગીકારપણું થવું એ અમોને પરમદુઃખ છે. અને જો તે યોગ્ય હશે તો તે ટાળવાને હે નાથ ! તું સમર્થ છો, સમર્થ છો. મારું સમાધાન ફરી ફરી હે હરિ ! સમાધાન કર.