Book Title: Vachanamrut 0120
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330240/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 120 યોગવાસિષ્ઠ ઉપાધિતાપ શમાવનાર ચંદન- તેના વાંચનમાં આધિવ્યાધિનું અનાગમન- યથાયોગ્ય સ્થિતિની જ ઇચ્છા- દૈન્યતા ઉચિત નથી. સહજભાવે વર્તવાની પ્રણાલિકા- મુક્ત ભાવમાં મોક્ષ મુંબઈ, અષાડ વદ 0)), 1946 આપનું ‘યોગવાસિષ્ઠ’નું પુસ્તક આ સાથે મોકલું છું. ઉપાધિનો તાપ શમાવવાને એ શીતળ ચંદન છે; આધિવ્યાધિનું એની વાંચનામાં આગમન સંભવતું નથી. આપનો એ માટે ઉપકાર માનું છું. આપની પાસે કોઈ કોઈ વાર આવવામાં પણ એક જ એ જ વિષયની જિજ્ઞાસા છે. ઘણાં વર્ષોથી આપના અંતઃકરણમાં વાસ કરી રહેલ બ્રહ્મવિદ્યાનું આપના જ મુખથી શ્રવણ થાય તો એક શાંતિ છે. કોઈ પણ વાટે કલ્પિત વાસનાઓનો નાશ થઈ યથાયોગ્ય સ્થિતિની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી, પણ વ્યવહારપરત્વે કેટલીક ઉપાધિ રહે છે, એટલે સત્સમાગમનો અવકાશ જોઈએ તેટલો મળતો નથી; તેમ જ આપને પણ તેટલો વખત આપવાનું કેટલાંક કારણોથી અશક્ય સમજું છું; અને એ જ કારણથી ફરી ફરી અંતઃકરણની છેવટની વૃત્તિ આપને જણાવી શકતો નથી; તેમ જ તે પરત્વે અધિક વાતચીત થઈ શકતી નથી. એ એક પુણ્યની ન્યૂનતા; બીજું શું ? વ્યવહારપરત્વે કોઈ રીતે આપના સંબંધથી લાભ લેવાનું સ્વપ્ન પણ ઇચ્છયું નથી; તેમ જ આપ જેવા બીજાઓની સમીપથી પણ એની ઇચ્છા રાખી નથી. એક જન્મ અને તે થોડા જ કાળનો પ્રારબ્ધાનુસાર ગાળી લેવો તેમાં દૈન્યતા ઉચિત નથી, એ નિશ્ચય પ્રિય છે. સહજભાવે વર્તવાની અભ્યાસપ્રણાલિકા કેટલાંક (જજ) વર્ષ થયાં આરંભિત છે; અને એથી નિવૃત્તિની વૃદ્ધિ છે. આ વાત અહીં જણાવવાનો હેતુ એટલો જ કે આપ અશકિત હશો; તથાપિ પૂર્વાપરે પણ અશકિત રહેવા માટે જે હેતુથી આપના ભણી મારું જોવું છે તે જણાવ્યું છે; અને એ અશંકિતતા સંસારથી ઔદાસીન્ય ભાવને પામેલી દશાને સહાયક થશે એમ માન્યું હોવાથી (જણાવ્યું છે). ‘યોગવાસિષ્ઠ' પરત્વે આપને કંઈ જણાવવા ઇચ્છું છું (પ્રસંગ મળે). જૈનના આગ્રહથી જ મોક્ષ છે, એમ આત્મા ઘણા વખત થયાં માનવું ભૂલી ગયો છે. મુકતભાવમાં (!) મોક્ષ છે એમ ધારણા છે, એટલે વાતચીત વેળા આપ કંઈ અધિક કહેતાં નહીં સ્તંભો એમ વિજ્ઞાપન છે.