Book Title: Vachanamrut 0078 Stree Na Sambaamdhma Mara Vichar Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330198/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ 78 સ્ત્રીના સંબંધમાં મારા વિચાર વિ. સં. 1945 (1) અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું કે શુદ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે; તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે. સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પણ તે તેમ નથી જ. સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહ્ન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે, તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે, અને તેની તે જન્મભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરૂપ જ છે. તે વેળાનો દેખાવ હૃદયમાં ચીતરાઈ રહી હસાવે છે, કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઈ પણ સુખ નથી; અને સુખ હોય તો તેને અપરિચ્છેદરૂપે વર્ણવી જુઓ, એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઈ છે, એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી, પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે, તેનું સહજ સૂચવન કર્યું. સ્ત્રીમાં દોષ નથી, પણ આત્મામાં દોષ છે; અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભુત આનંદમય જ છે, માટે એ દોષથી રહિત થવું, એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગની જો પ્રાપ્તિ થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય ? એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું : સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો. અંતઃકરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો. તેના શારીરિક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે. ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, ‘આ છે તો હું કેવું સુખ અનુભવું છું?’ એ ભૂલી જવું. (તાત્પર્ય - તે માનવું અસત છે.) મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપભોગ લઈએ છીએ તેમ તે વસ્તુ લેવા (વિ.) નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારયેષ્ટાનો કાયાએ અનુભવ કરતાં પણ ઉપયોગ નિશાન પર જ રાખવો. તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું. પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે - મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતા છે ! ઇચ્છવું એમ કે બન્નેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચાંરૂપ ફળની ઉત્પત્તિ ન થાઓ. એ ચિત્ર મને સંભારવા ન દો. નહીં તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ (જડ પદાર્થનો) તે આત્માને કેટલું બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આત્મા કોઈ પણ પ્રકારે વિસારીશ નહીં. Page #2 -------------------------------------------------------------------------- ________________ (2) સ્ત્રી સંબંધમાં કોઈ પણ પ્રકારે રાગદ્વેષ રાખવા મારી અંશમાત્ર ઇચ્છા નથી. પણ પૂર્વોપાર્જનથી ઇચ્છાના પ્રવર્તનમાં અટક્યો છું.