Book Title: Vachanamrut 0061
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330181/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 61 જ્ઞાનવૃદ્ધતા આણવા વવાણિયા, વૈશાખ સુદ 6, સોમ, 1945 સપુરુષોને નમસ્કાર આપનાં દર્શન મને અહીં લગભગ સવા માસ પહેલાં થયાં હતાં. ધર્મસંબંધી કેટલીક મુખચર્ચા થઈ હતી. આપને સ્મૃતિમાં હશે એમ ગણી, એ ચર્ચાસંબંધી કંઈ વિશેષ દર્શાવવાની આજ્ઞા લેતો નથી. ધર્મસંબંધી માધ્યસ્થ, ઉચ્ચ અને અદંભી વિચારોથી આપના પર કંઈક મારી વિશેષ પ્રશસ્ત અનુરક્તતા થવાથી કોઈ કોઈ વેળા આધ્યાત્મિક શૈલી સંબંધી પ્રશ્ન આપની સમીપ મૂકવાની આજ્ઞા લેવાનો આપને પરિશ્રમ આપું છું. યોગ્ય લાગે તો આપ અનુકૂળ થશો. હું અર્થ કે વયસંબંધમાં વૃદ્ધ સ્થિતિવાળો નથી; તોપણ કંઈક જ્ઞાનવૃદ્ધતા આણવા માટે આપના જેવા સત્સંગને, તેમના વિચારોને અને સપુરુષની ચરણરજને સેવવાનો અભિલાષી છું. મારું આ બાલવય એ અભિલાષામાં વિશેષ ભાગે ગયું છે; તેથી કંઈ પણ સમજાયું હોય, તો (તે) બે શબ્દો સમયાનુસાર આપ જેવાની સમીપ મૂકી આત્મહિત વિશેષ કરી શકું; એ પ્રયાસના આ પત્રથી છે. આ કાળમાં પુનર્જન્મનો નિશ્ચય આત્મા શા વડે, કેવા પ્રકારે અને કઈ શ્રેણિમાં કરી શકે, એ સંબંધી કંઈ મારાથી સમજાયું છે તે જો આપની આજ્ઞા હોય તો આપની સમીપ મૂકીશ. વિ. આપના માધ્યસ્થ વિચારોના અભિલાષી રાયચંદ રવજીભાઈના પંચાંગી પ્રશસ્ત ભાવે પ્રણામ.