Book Title: Vachanamrut 0017 102 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330130/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 102. વિવિધ પ્રશ્નો - ભાગ 1 આજે તમને હું કેટલાંક પ્રશ્નો નિગ્રંથપ્રવચનાનુસાર ઉત્તર આપવા માટે પૂછું છું. પ્ર0- કહો, ધર્મની અગત્ય શી છે ? ઉ0- અનાદિકાળથી આત્માની કર્મજાળ ટાળવા માટે. પ્ર0- જીવ પહેલો કે કર્મ ? ઉ૦- બન્ને અનાદિ છે જ; જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઈએ. કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે ? એ ન્યાયથી બન્ને અનાદિ છે જ. પ્ર0- જીવ રૂપી કે અરૂપી ? ઉ0- રૂપી પણ ખરો અને અરૂપી પણ ખરો. પ્ર0- રૂપી કયા ન્યાયથી અને અરૂપી કયા ન્યાયથી તે કહો. ઉ0- દેહ નિમિત્તે રૂપી અને સ્વ સ્વરૂપે અરૂપી. પ્ર0- દેહ નિમિત્ત શાથી છે ? ઉ0- સ્વકર્મના વિપાકથી. પ્ર0- કર્મની મુખ્ય પ્રવૃતિઓ કેટલી છે ? ઉ0- આઠ. પ્ર0- કઈ કઈ? ઉ0- જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, નામ, ગોત્ર, આયુષ્ય અને અંતરાય. પ્ર0- એ આઠે કર્મની સામાન્ય સમજ કહો. ઉ0- જ્ઞાનાવરણીય એટલે આત્માની જ્ઞાન સંબંધીની જે અનંત શક્તિ છે તેને આચ્છાદન કરે તે. દર્શનાવરણીય એટલે આત્માની જે અનંત દર્શનશક્તિ છે તેને આચ્છાદન કરે છે. વેદનીય એટલે દેહનિમિત્તે શાતા, અશાતા બે પ્રકારનાં વેદનીયકર્મથી અવ્યાબાધ સુખરૂપ આત્માની શક્તિ જેનાથી રોકાઈ રહે તે. મોહનીયકર્મથી આત્મચારિત્રરૂપ શક્તિ રોકાઈ રહી છે. નામકર્મથી અમૂર્તિરૂપ દિવ્ય શક્તિ રોકાઈ રહી છે. ગોત્રકર્મથી અટલ અવગાહનારૂપ આત્મશક્તિ રોકાઈ રહી છે. આયુકર્મથી અક્ષય સ્થિતિ ગુણ રોકાઈ રહ્યો છે. અંતરાય કર્મથી અનંત દાન, લાભ, વીર્ય, ભોગ, ઉપભોગશક્તિ રોકાઈ રહી છે.