Book Title: Vachanamrut 0017 096 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330124/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 96. તત્ત્વાવબોધ - ભાગ 15 ન્યાયપૂર્વક આટલું મારે પણ માન્ય રાખવું જોઈએ કે જ્યારે એક દર્શનને પરિપૂર્ણ કહી વાત સિદ્ધ કરવી હોય ત્યારે પ્રતિપક્ષની મધ્યસ્થબુદ્ધિથી અપૂર્ણતા દર્શાવવી જોઈએ. અને એ બે વાત પર વિવેચન કરવા જેટલી અહીં જગ્યો નથી; તોપણ થોડું થોડું કહેતો આવ્યો છું. મુખ્યત્વે જે વાત છે તે આ છે કે એ મારી વાત જેને રુચિકર થતી ન હોય કે અસંભવિત લાગતી હોય તેણે જૈનતત્વવિજ્ઞાની શાસ્ત્રો અને અન્ય તત્ત્વવિજ્ઞાની શાસ્ત્રો મધ્યસ્થબુદ્ધિથી મનન કરી ન્યાયને કાંટે તોલન કરવું. એ ઉપરથી અવશય એટલું મહાવાક્ય નીકળશે, કે જે આગળ નગારા પર ડાંડી ઠોકીને કહેવાયું હતું તે ખરું હતું. જગત ગાડરિયો પ્રવાહ છે. ધર્મના મતભેદ સંબંધીના શિક્ષાપાઠમાં દર્શિત કર્યા પ્રમાણે અનેક ધર્મમતની જાળ લાગી પડી છે. વિશુદ્ધાત્મા કોઈક જ થાય છે. વિવેકથી તત્ત્વને કોઈક જ શોધે છે. એટલે મને કંઈ વિશેષ ખેદ નથી કે જૈનતત્ત્વને અન્યદર્શનીઓ શા માટે જાણતા નથી ? એ આશંકા કરવારૂપ નથી. છતાં મને બહુ આશ્ચર્ય લાગે છે કે કેવળ શુદ્ધ પરમાત્મતત્વને પામેલા, સકળ દૂષણ રહિત, મૃષા કહેવાનું જેને કંઈ નિમિત્ત નથી એવા પુરુષના કહેલા પવિત્ર દર્શનને પોતે તો જાણ્યું નહીં, પોતાના આત્માનું હિત તો કર્યું નહીં, પણ અવિવેકથી મતભેદમાં આવી જઈ કેવળ નિર્દોષ અને પવિત્ર દર્શનને નાસ્તિક શા માટે કહ્યું હશે ? યદિ હું સમજું છું કે એ કહેનારા એનાં તત્વને જાણતા નહોતા. વળી એના તત્વને જાણવાથી પોતાની શ્રદ્ધા ફરશે, ત્યારે લોકો પછી પોતાના આગળ કહેલા મતને ગાંઠશે નહીં. જે લૌકિક મતમાં પોતાની આજીવિકા રહી છે, એવા વેદોની મહત્તા ઘટાડવાથી પોતાની મહત્તા ઘટશે; પોતાનું મિથ્યા સ્થાપિત કરેલું પરમેશ્વરપદ ચાલશે નહીં, એથી જૈનતત્ત્વમાં પ્રવેશ કરવાની રુચિને મૂળથી બંધ કરવા લોકોને એવી ભ્રમભૂરકી આપી કે જૈન નાસ્તિક છે. લોકો તો બિચારા ગભરુ ગાડર છે; એટલે પછી વિચાર પણ ક્યાંથી કરે ? એ કહેવું કેટલું અનર્થકારક અને મૃષા છે તે જેણે વીતરાગપ્રણીત સિદ્ધાંતો વિવેકથી જાણ્યા છે, તે જાણે. મારું કહેવું મંદબુદ્ધિઓ વખતે પક્ષપાતમાં લઈ જાય.