Book Title: Vachanamrut 0017 094 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330122/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 94. તત્ત્વાવબોધ - ભાગ 13 જે જે હું કહી ગયો તે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી, પરંતુ સર્વને માટે છે, તેમ આ પણ નિઃશંક માનજો કે હું જે કહું છું તે અપક્ષપાતે અને પરમાર્થબુદ્ધિથી કહું છું. તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે, તે પક્ષપાત કે સ્વાર્થબુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી. પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્વ બોધી અધોગતિને શા માટે સાધું ? વારંવાર હું તમને નિર્ગથનાં વચનામૃતો માટે કહું છું, તેનું કારણ તે વચનામૃતો તત્ત્વમાં પરિપૂર્ણ છે, તે છે. જિનેશ્વરોને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બોધે; તેમ એઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. આશંકા કરશો કે એ અજ્ઞાની નહોતા એ શા ઉપરથી જણાય ? તો તેના ઉત્તરમાં એઓના પવિત્ર સિદ્ધાંતોના રહસ્યને મનન કરવાનું કહું છું; અને એમ જ કરશે તે તો પુનઃ આશંકા લેશ પણ નહીં કરે. જૈનમતપ્રવર્તકોએ મને કંઈ ભૂરશી દક્ષણા આપી નથી, તેમ એ મારા કંઈ કુટુંબપરિવારી પણ નથી કે એ માટે પક્ષપાતે હું કંઈ પણ તમને કહું. તેમજ અન્યમતપ્રવર્તકો પ્રતિ મારે કંઈ વૈરબુદ્ધિ નથી કે મિથ્યા એનું ખંડન કરું. બન્નેમાં હું તો મંદમતિ મધ્યસ્થરૂપ છું. બહુ બહુ મનનથી અને મારી મતિ જ્યાં સુધી પહોંચી ત્યાં સુધીના વિચારથી હું વિનયથી એમ કહું છું કે, પ્રિય ભવ્યો ! જૈન જેવું એક્ટ પૂર્ણ અને પવિત્ર દર્શન નથી; વીતરાગ જેવો એક્કે દેવ નથી, તરીને અનંત દુ:ખથી પાર પામવું હોય તો એ સર્વજ્ઞ દર્શનરૂપ કલ્પવૃક્ષને સેવો.