Book Title: Vachanamrut 0017 087 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330115/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 87. તત્ત્વાવબોધ - ભાગ 6 એનો ઉત્તર આ ભણીથી એમ થયો કે હજુ આપ આટલું કહો છો તે પણ જૈનના તત્વવિચારો આપના હૃદયે આવ્યા નથી ત્યાં સુધી; પરંતુ હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધજ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી, અને સર્વ મતોએ જે જ્ઞાન બતાવ્યું છે તે મહાવીરના તત્ત્વજ્ઞાનના એક ભાગમાં આવી જાય છે. એનું કથન સ્યાદ્વાદ છે, એકપક્ષી નથી. તમે એમ કહ્યું કે કેટલેક અંશે સૃષ્ટિનું તત્ત્વજ્ઞાન એમાં આવી શકે ખરું, પરંતુ એ મિશ્રવચન છે. અમારી સમજાવવાની અલ્પજ્ઞતાથી એમ બને ખરું, પરંતુ એથી એ તત્ત્વોમાં કંઈ અપૂર્ણતા છે એમ તો નથી જ. આ કંઈ પક્ષપાતી કથન નથી. વિચાર કરી આખી સૃષ્ટિમાંથી એ સિવાયનું એક દશમું તત્વ શોધતાં કોઈ કાળે તે મળનાર નથી. એ સંબંધી પ્રસંગોપાત્ત આપણે જ્યારે વાતચીત અને મધ્યસ્થ ચર્ચા થાય ત્યારે નિઃશંકતા થાય. ઉત્તરમાં તેઓએ કહ્યું કે આ ઉપરથી મને એમ તો નિઃશંકતા છે કે જૈન અદભુત દર્શન છે. શ્રેણિપૂર્વક તમે મને કેટલાક નવ તત્ત્વના ભાગ કહી બતાવ્યા એથી હું એમ બેધડક કહી શકું છું કે મહાવીર ગુપ્તભેદને પામેલા પુરુષ હતા. એમ સહજસાજ વાત કરીને ‘ઉપવા’, ‘વિઘનેવા’, ‘ધુવેવા’, એ લબ્ધિવાક્ય મને તેઓએ કહ્યું. તે કહી બતાવ્યા પછી તેઓએ એમ જણાવ્યું કે આ શબ્દોના સામાન્ય અર્થમાં તો કોઈ ચમત્કૃતિ દેખાતી નથી; ઊપજવું, નાશ થવું અને અચળતા, એમ એ ત્રણે શબ્દોનો અર્થ છે. પરંતુ શ્રીમાન ગણધરોએ તો એમ દર્શિત કર્યું છે કે એ વચનો ગુરૂમુખથી શ્રવણ કરતાં આગળના ભાવિક શિષ્યોને દ્વાદશાંગીનું આશયભરિત જ્ઞાન થતું હતું. એ માટે મેં કંઈક વિચારો પહોંચાડી જોયા છતાં મને તો એમ લાગ્યું કે એ બનવું અસંભવિત છે, કારણ અતિ અતિ સૂક્ષ્મ માનેલું સૈદ્ધાંતિક જ્ઞાન એમાં ક્યાંથી સમાય ? એ સંબંધી તમે કંઈ લક્ષ પહોંચાડી શકશો ?