Book Title: Vachanamrut 0017 085 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330113/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 85. તત્ત્વાવબોધ - ભાગ 4 જે જે શ્રમણોપાસક નવ તત્વ પઠનરૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવાં. જાણ્યા પછી બહુ મનન કરવાં. સમજાય તેટલા ગંભીર આશય ગુરૂગમ્યતાથી સભાવે કરીને સમજવા. આત્મજ્ઞાન એથી ઉજ્વળતા પામશે; અને યમનિયમાદિકનું બહુ પાલન થશે. નવ તત્ત્વ એટલે તેનું એક સામાન્ય ગૂંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે તે વિચારો નવ તત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્વના હોય છે. કેવળી ભગવાને એ શ્રેણિઓથી સકળ જગતમંડળ દર્શાવી દીધું છે; એથી જેમ જેમ નયાદિ ભેદથી એ તત્ત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે; માત્ર વિવેક, ગુરૂગમ્યતા અને અપ્રમાદ જોઈએ. એ નવતત્ત્વજ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસાનુભવીઓ પણ મને સદૈવ પ્રિય છે. કાળભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રત એ બે જ્ઞાન ભરતક્ષેત્રે વિદ્યમાન છે; બાકીનાં ત્રણ જ્ઞાન પરંપરાસ્નાયથી જોવામાં આવતાં નથી, છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધાભાવથી એ નવતત્ત્વજ્ઞાનના વિચારોની ગુફામાં ઊતરાય છે, તેમ તેમ તેના અંદર અદભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્ત્વજ્ઞાનની ફુરણા, ઉત્તમ વિનોદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ, શુદ્ધ સમ્યકજ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. સ્યાદ્વાદવચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત્વે જે જે સુંદર આશયો સમજાય છે તે તે આશયો અતિ અતિ ગંભીર તત્ત્વથી ભરેલા છે. પુનઃ પુનઃ તે આશયો મનન કરતાં ચાર્વાકમતિના ચંચળ મનુષ્યને પણ સદ્ધર્મમાં સ્થિર કરી દે તેવા છે. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે.