Book Title: Vachanamrut 0017 077 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330105/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 77. જ્ઞાન સંબંધી બે બોલ - ભાગ 1 જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. જ્ઞાન શબ્દનો આ અર્થ છે. હવે યથામતિ વિચારવાનું છે કે એ જ્ઞાનની કંઈ આવશ્યક્તા છે ? જો આવશ્યક્તા છે તો તે પ્રાપ્તિનાં કંઈ સાધન છે ? જો સાધન છે તો તેને અનુકૂળ દેશ, કાળ, ભાવ છે ? જો દેશકાળાદિક અનુકૂળ છે તો ક્યાં સુધી અનુકૂળ છે ? વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે ? જાણવારૂપ છે શું? એના વળી ભેદ કેટલા છે ? જાણવાનાં સાધન ક્યાં ક્યાં છે ? કઈ કઈ વાટે તે સાધનો પ્રાપ્ત કરાય છે ? એ જ્ઞાનનો ઉપયોગ કે પરિણામ શું છે ? એ જાણવું અવશયનું છે. 1. જ્ઞાનની શી આવશયક્તા છે ? તે વિષે પ્રથમ વિચાર કરીએ. આ ચતુર્દશ રન્ધાત્મક લોકમાં, ચતુર્ગતિમાં અનાદિકાળથી સકર્મસ્થિતિમાં આ આત્માનું પર્યટન છે. મેષાનમેષ પણ સુખનો જ્યાં ભાવ નથી એવાં નરકનિગોદાદિક સ્થાનક આ આત્માએ બહુ બહુ કાળ વારંવાર સેવન કર્યા છે; અસહ્ય દુઃખોને પુનઃ પુનઃ અને કહો તો અનંતી વાર સહન કર્યાં છે. એ ઉતાપથી નિરંતર તપતો આત્મા માત્ર સ્વકર્મ વિપાકથી પર્યટન કરે છે. પર્યટનનું કારણ અનંત દુ:ખદ જ્ઞાનાવરણીયાદિ કર્મો છે, જે વડે કરીને આત્મા સ્વસ્વરૂપને પામી શકતો નથી; અને વિષયાદિક મોહબંધનને સ્વસ્વરૂપ માની રહ્યો છે. એ સઘળાંનું પરિણામ માત્ર ઉપર કહ્યું તે જ છે કે અનંત દુઃખ અનંત ભાવે કરીને સહેવું, ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુ:ખ અનંતકાળથી અનંતી વાર સહન કરવું પડ્યું, તે દુઃખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યક્તા છે.