Book Title: Vachanamrut 0017 076 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330104/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 76. ધર્મધ્યાન - ભાગ 3 ધર્મધ્યાન, પૂર્વાચાર્યોએ અને આધુનિક મુનીશ્વરોએ પણ વિસ્તારપૂર્વક બહુ સમજાવ્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિસ્વભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. જે જે નિયમો એટલે ભેદ, આલંબન અને અનુપ્રેક્ષા કહી તે બહુ મનન કરવા જેવી છે. અન્ય મુનીશ્વરોના કહેવા પ્રમાણે મેં સામાન્ય ભાષામાં તે તમને કહી; એ સાથે નિરંતર લક્ષ રાખવાની આવશ્યક્તા છે કે એમાંથી આપણે કયો ભેદ પામ્યા; અથવા કયા ભેદ ભણી ભાવના રાખી છે? એ સોળ ભેદમાંનો ગમે તે ભેદ હિતસ્વી અને ઉપયોગી છે, પરંતુ જેવા અનુક્રમથી લેવો જોઈએ તે અનુક્રમથી લેવાય તો તે વિશેષ આત્મલાભનું કારણ થઈ પડે. સુત્રસિદ્ધાંતનાં અધ્યયનો કેટલાક મુખપાઠ કરે છે; તેના અર્થ, તેમાં કહેલાં મૂળતત્વો ભણી જો તેઓ લક્ષ પહોંચાડે તો કંઈક સૂક્ષ્મ ભેદ પામી શકે. કેળનાં પત્રમાં, પત્રમાં પત્રની જેમ ચમત્કૃતિ છે તેમ સૂત્રાર્થને માટે છે. એ ઉપર વિચાર કરતાં નિર્મળ અને કેવળ દયામય માર્ગનો જે વીતરાગપ્રણીત તત્વબોધ તેનું બીજ અંતઃકરણમાં ઊગી નીકળશે. તે અનેક પ્રકારનાં શાસ્ત્રાવલોકનથી, પ્રશ્નોત્તરથી, વિચારથી અને પુરુષના સમાગમથી પોષણ પામીને વૃદ્ધિ થઈ વૃક્ષરૂપે થશે. નિર્જરા અને આત્મપ્રકાશરૂપ પછી તે વૃક્ષ ફળ આપશે. શ્રવણ, મનન અને નિદિધ્યાસનના પ્રકારો વેદાંતવાદીઓએ બતાવ્યા છે, પણ જેવા આ ધર્મધ્યાનના પૃથક પૃથક સોળ ભેદ કહ્યા છે તેવા તત્ત્વપૂર્વક ભેદ કોઈ સ્થળે નથી, એ અપૂર્વ છે. એમાંથી શાસ્ત્રને શ્રવણ કરવાનો, મનન કરવાનો, વિચારવાનો, અન્યને બોધ કરવાનો, શંકા, કંખા ટાળવાનો, ધર્મકથા કરવાનો, એકત્વ વિચારવાનો, અનિત્યતા વિચારવાનો, અશરણતા વિચારવાનો, વૈરાગ્ય પામવાનો, સંસારનાં અનંત દુઃખ મનન કરવાનો અને વીતરાગ ભગવંતની આજ્ઞા વડે કરીને આખા લોકાલોકના વિચાર કરવાનો અપૂર્વ ઉત્સાહ મળે છે. ભેદે ભેદે કરીને એના પાછા અનેક ભાવ સમજાવ્યા છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનનો બહુ બહુ ઉદય થશે. તમે કદાપિ એ સોળ ભેદનું પઠન કરી ગયા હશો તોપણ ફરી ફરી તેનું પરાવર્તન કરજો.