Book Title: Vachanamrut 0017 070 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330098/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 70. સનતકુમાર - ભાગ 1 ચક્રવર્તીના વૈભવમાં શી ખામી હોય ? સનતકુમાર એ ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અત્યુત્તમ હતાં. એક વેળા સુધર્મ સભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને એ વાત રુચી નહીં. પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા ખેળથી ભર્યો હતો. તેને અંગ મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા અને માથું ધુણાવ્યું એટલે ચક્રવર્તીએ પૂછ્યું; તમે માથું શા માટે ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારું રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણરૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે અમે પ્રત્યક્ષ જોયું એથી અમને પૂર્ણ આનંદ ઊપજ્યો. માથું ધુણાવ્યું એનું કારણ એ કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે; એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને જ્યારે સિંહાસન પર બેસું છું. ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવાયોગ્ય છે. અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું. એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમારે ત્યાર પછી ઉત્તમ વસ્ત્રાલંકારો ધારણ કર્યો. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યા છે તેમજ વધાવાઈ રહ્યા છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્દભુત રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે, તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા ! તે રૂપમાં અને આ રૂપમાં ભૂમિ આકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવાને કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃત તુલ્ય હતી. આ વેળા એ ઝરતુલ્ય છે. જ્યારે અમૃત તુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા અને આ વેળા ઝેર તુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે તાંબૂલ યૂકો. તત્કાળ તે પર માખી બેસશે અને પરલોક પહોંચી જશે.