Book Title: Vachanamrut 0017 068 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330096/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 68. જિતેન્દ્રિયતા જ્યાં સુધી જીભ સ્વાદિષ્ટ ભોજન ચાહે છે, જ્યાં સુધી નાસિકા સુગંધી ચાહે છે, જ્યાં સુધી કાન વારાંગનાનાં ગાયન અને વાજિંત્ર ચાહે છે, જ્યાં સુધી આંખ વનોપવન જોવાનું લક્ષ રાખે છે, જ્યાં સુધી ત્વચા સુગંધીલેપન ચાહે છે, ત્યાં સુધી તે મનુષ્ય નીરાગી, નિર્ગથ, નિઃ પરિગ્રહી, નિરારંભી અને બ્રહ્મચારી થઈ શકતો નથી. મનને વશ કરવું એ સર્વોત્તમ છે. એના વડે સઘળી ઇંદ્રિયો વશ કરી શકાય છે. મન જીતવું બહુ બહુ દુર્ઘટ છે. એક સમયમાં અસંખ્યાતા યોજન ચાલનાર અશ્વ તે મન છે. એને થકાવવું બહુ દુર્લભ છે. એની ગતિ ચપળ અને ન ઝાલી શકાય તેવી છે. મહાજ્ઞાનીઓએ જ્ઞાનરૂપી લગામ વડે કરીને એને ખંભિત રાખી સર્વ જય કર્યો છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં નમિરાજ મહર્ષિએ શકેંદ્ર પ્રત્યે એમ કહ્યું કે દશ લાખ સુભટને જીતનાર કંઈક પડ્યા છે, પરંતુ સ્વાત્માને જીતનારા બહ દુર્લભ છે; અને તે દશ લાખ સુભટને જીતનાર કરતાં અત્યુત્તમ છે. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિનીરૂપ છે. એ વશ થતાં આત્મસ્વરૂપને પામવું લેશમાત્ર દુર્લભ નથી. મન વડે ઇંદ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સઘળું મન જ માગે છે. એ મોહિની આડે તે ધર્મને સંભારવા પણ દેતું નથી. સંભાર્યા પછી સાવધાન થવા દેતું નથી. સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત, લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતાં અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. મન અકસ્માત્ કોઈથી જ જીતી શકાય છે. નહીં તો અભ્યાસ કરીને જ જિતાય છે. એ અભ્યાસ નિર્ગથતામાં બહુ થઈ શકે છે; છતાં ગૃહસ્થાશ્રમે સામાન્ય પરિચય કરવા માગીએ તો તેનો મુખ્ય માર્ગ આ છે કે, તે જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી; તેમ કરવું નહીં. તે જ્યારે શબ્દસ્પર્શાદિ વિલાસ ઇચ્છે ત્યારે આપવાં નહીં. ટૂંકામાં આપણે એથી દોરાવું નહીં પણ આપણે એને દોરવું અને દોરવું તે પણ મોક્ષમાર્ગમાં. જિતેન્દ્રિયતા વિના સર્વ પ્રકારની ઉપાધિ ઊભી જ રહી છે. ત્યાગે ન ત્યાગ્યા જેવો થાય છે, લોક-લજ્જાએ તેને સેવવો પડે છે. માટે અભ્યાસ કરીને પણ મનને જીતીને સ્વાધીનતામાં લઈ અવશ્ય આત્મહિત કરવું.