Book Title: Vachanamrut 0017 064 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330092/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 64. સુખ વિષે વિચાર - ભાગ 4 અહીં આવ્યા પછી હું સારા ઠેકાણાની કન્યા પામ્યો. તે પણ સુલક્ષણી અને મર્યાદશીલ નીવડી; એ વડે કરીને મારે ત્રણ પુત્ર થયા. વહીવટ પ્રબળ હોવાથી અને નાણું નાણાને વધારતું હોવાથી દશ વર્ષમાં હું મહાકોટ્યાવધિ થઈ પડ્યો. પુત્રની નીતિ, વિચાર અને બુદ્ધિ ઉત્તમ રહેવા મેં બહુ સુંદર સાધનો ગોઠવ્યાં, જેથી તેઓ આ સ્થિતિ પામ્યા છે. મારા કુટુંબીઓને યોગ્ય યોગ્ય સ્થળે ગોઠવી તેઓની સ્થિતિને સુધરતી કરી. દુકાનના મેં અમુક નિયમો બાંધ્યા. ઉત્તમ ધામનો આરંભ કરી લીધો. આ ફકત એક મમત્વ ખાતર કર્યું. ગયેલું પાછું મેળવ્યું, અને કુળપરંપરાનું નામાંકિતપણું જતું અટકાવ્યું, એમ કહેવરાવવા માટે આ સઘળું મેં કર્યું. અને હું સુખ માનતો નથી. જોકે હું બીજા કરતાં સુખી છું; તોપણ એ શાતાવેદની છે; સન્મુખ નથી. જગતમાં બધા કરીને અશાતા વેદની છે. મેં ધર્મમાં મારો કાળ ગાળવાનો નિયમ રાખ્યો છે. સશાસ્ત્રોનાં વાંચન, મનન, સપુરુષોનો સમાગમ, યમનિયમ, એક મહિનામાં બાર દિવસ બ્રહ્મચર્ય, બનતું ગુપ્તદાન, એ આદિ ધર્મરૂપે મારો કાળ ગાળું છું. સર્વ વ્યવહારસંબંધીની ઉપાધિમાંથી કેટલોક ભાગ બહુ અંશે મેં ત્યાગ્યો છે. પુત્રોને વ્યવહારમાં યથાયોગ્ય કરીને હું નિર્ગથ થવાની ઇચ્છા રાખું છું. હમણાં નિર્ગથ થઈ શકું તેમ નથી; એમાં સંસારમોહિની કે એવું કારણ નથી, પરંતુ તે પણ ધર્મસંબંધી કારણ છે. ગૃહસ્થધર્મનાં આચરણ બહુ કનિષ્ઠ થઈ ગયાં છે; અને મુનિઓ તે સુધારી શકતા નથી. ગૃહસ્થ ગૃહસ્થને વિશેષ બોધ કરી શકે; આચરણથી પણ અસર કરી શકે. એટલા માટે થઈને ધર્મસંબંધે ગૃહસ્થ વર્ગને હું ઘણે ભાગે બોધી યમનિયમમાં આણું છું. દર સપ્તાહે આપણે ત્યાં પાંચસેં જેટલા સગૃહસ્થોની સભા ભરાય છે. આઠ દિવસનો નવો અનુભવ અને બાકીનો આગળનો ધર્માનુભવ એમને બે ત્રણ મુહર્ત બોધું છું. મારી સ્ત્રી ધર્મશાસ્ત્રનો કેટલોક બોધ પામેલી હોવાથી તે પણ સ્ત્રીવર્ગને ઉત્તમ યમનિયમનો બોધ કરી સાપ્તાહિક સભા ભરે છે. પુત્રો પણ શાસ્ત્રનો બનતો પરિચય રાખે છે. વિદ્વાનોનું સન્માન, અતિથિનું સન્માન, વિનય અને સામાન્ય સત્યતા, એક જ ભાવ એવા નિયમો બહુધા મારા અનુચરો પણ સેવે છે. તેઓ બધા એથી શાતા ભોગવી શકે છે. લક્ષ્મીની સાથે મારી નીતિ, ધર્મ, સગુણ, વિનય એણે જનસમુદાયને બહુ સારી અસર કરી છે. રાજા સહિત પણ મારી નીતિવાત અંગીકાર કરે તેવું થયું છે. આ સઘળું આત્મપ્રશંસા માટે હું કહેતો નથી એ આપે સ્મૃતિમાં રાખવું, માત્ર આપના પૂછેલા ખુલાસા દાખલ આ સઘળું સંક્ષેપમાં કહેતો જઉં છું.