Book Title: Vachanamrut 0017 058 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330086/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 58. ધર્મના મતભેદ-ભાગ 1 આ જગતીતળ પર અનેક પ્રકારથી ધર્મના મત પડેલા છે. તેવા મતભેદ અનાદિકાળથી છે, એ ન્યાયસિદ્ધ છે. પણ એ મતભેદો કંઈ કંઈ રૂપાંતર પામ્યા જાય છે. એ સંબંધી કેટલોક વિચાર કરીએ. કેટલાક પરસ્પર મળતા અને કેટલાક પરસ્પર વિરુદ્ધ છે; કેટલાક કેવળ નાસ્તિકના પાથરેલા પણ છે. કેટલાક સામાન્ય નીતિને ધર્મ કહે છે. કેટલાક જ્ઞાનને જ ધર્મ કહે છે. કેટલાક અજ્ઞાન એ ધર્મમત કહે છે. કેટલાક ભક્તિને કહે છે, કેટલાક ક્રિયાને કહે છે, કેટલાક વિનયને કહે છે અને કેટલાક શરીર સાચવવું એને ધર્મમત કહે છે. એ ધર્મમતસ્થાપકોએ એમ બોધ કર્યો જણાય છે કે, અમે જે કહીએ છીએ તે સર્વત્તવાણીરૂપ અને સત્ય છે. બાકીના સઘળા મતો અસત્ય અને કુતર્કવાદી છે; પરસ્પર તેથી તે મતવાદીઓએ યોગ્ય કે અયોગ્ય ખંડન કર્યું છે, વેદાંતના ઉપદેશક આ જ બોધે છે; સાંખ્યનો પણ આ જ બોધ છે. બુદ્ધનો પણ આ જ બોધ છે; ન્યાયમતવાળાનો પણ આ જ બોધ છે; વૈશેષિકનો આ જ બોધ છે; શક્તિપંથીનો આ જ બોધ છે; વૈષ્ણવાદિકનો આ જ બોધ છે; ઇસ્લામીનો આ જ બોધ છે; અને ક્રાઈસ્ટનો આ જ બોધ છે કે આ અમારું કથન તમને સર્વસિદ્ધિ આપશે. ત્યારે આપણે હવે શો વિચાર કરવો ? વાદી પ્રતિવાદી બન્ને સાચા હોતા નથી, તેમ બન્ને ખોટા હોતા નથી. બહ તો વાદી કંઈક વધારે સાચો અને પ્રતિવાદી કંઈક ઓછો ખોટો હોય. કેવળ બન્નેની વાત ખોટી હોવી ન જોઈએ. આમ વિચાર કરતાં તો એક ધર્મમત સાચો ઠરે, અને બાકીના ખોટા ઠરે. જિજ્ઞાસુ - એ એક આશ્ચર્યકારક વાત છે. સર્વને અસત્ય અને સર્વને સત્ય કેમ કહી શકાય ? જો સર્વને અસત્ય એમ કહીએ તો આપણે નાસ્તિક ઠરીએ અને ધર્મની સચ્ચાઈ જાય. આ તો નિશ્ચય છે કે ધર્મની સચ્ચાઈ છે, તેમ સુષ્ટિ પર તેની આવશ્યક્તા છે. એક ધર્મમત સત્ય અને બાકીના સર્વ અસત્ય એમ કહીએ તો તે વાત સિદ્ધ કરી બતાવવી જોઈએ. સર્વ સત્ય કહીએ તો તો એ રેતીની ભીંત કરી; કારણ તો આટલા બધા મતભેદ શા માટે પડે ? સર્વ એક જ પ્રકારના મતો સ્થાપવા શા માટે યત્ન ન કરે ? એમ અન્યોન્યના વિરોધાભાસ વિચારથી થોડી વાર અટકવું પડે છે. તોપણ તે સંબંધી યથામતિ હું કંઈ ખુલાસો કરું છું. એ ખુલાસો સત્ય અને મધ્યસ્થ ભાવનાનો છે. એકાંતિક કે મતાંતિક નથી, પક્ષપાતી કે અવિવેકી નથી, પણ ઉત્તમ અને વિચારવા જેવો છે. દેખાવે એ સામાન્ય લાગશે; પરંતુ સૂક્ષ્મ વિચારથી બહુ ભેજવાળો લાગશે. 1 દ્વિતીયાવૃત્તિમાં આટલો ભાગ વધારે છે - “અથવા પ્રતિવાદી કંઇક વધારે સાચો અને વાદી કંઇક ઓછો ખોટો હોય.' Page #2 -------------------------------------------------------------------------- _