Book Title: Vachanamrut 0017 055 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330083/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 55. સામાન્ય નિત્યનિયમ પ્રભાત પહેલાં જાગૃત થઈ, નમસ્કાર મંત્રનું સ્મરણ કરી મન વિશુદ્ધ કરવું. પાપવ્યાપારની વૃત્તિ રોકી રાત્રિ સંબંધી થયેલા દોષનું ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ કર્યા પછી યથાવસર ભગવાનની ઉપાસના, સ્તુતિ તથા સ્વાધ્યાયથી કરીને મનને ઉજ્જવલ કરવું. માતાપિતાનો વિનય કરી, આત્મહિતનો લક્ષ ભુલાય નહીં, તેમ યત્નાથી સંસારી કામમાં પ્રવર્તન કરવું. પોતે ભોજન કરતાં પહેલાં સત્પાત્રે દાન દેવાની પરમ આતુરતા રાખી તેવો યોગ મળતાં યથોચિત પ્રવૃત્તિ કરવી. આહાર, વિહારનો નિયમિત વખત રાખવો તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. સાયંકાળે સંધ્યાવશ્યક ઉપયોગપૂર્વક કરવું. ચોવિહાર પ્રત્યાખ્યાન કરવું. નિયમિત નિદ્રા લેવી. સૂતા પહેલાં અઢાર પાપસ્થાનક, દ્વાદશવતદોષ અને સર્વ જીવને ક્ષમાવી, પંચપરમેષ્ઠી મંત્રનું સ્મરણ કરી, મહાશાંતિથી સમાધિભાવે શયન કરવું. આ સામાન્ય નિયમો બહુ લાભદાયક થશે. એ તમને સંક્ષેપમાં કહ્યા છે. સૂક્ષ્મ વિચારથી અને તેમ પ્રવર્તવાથી એ વિશેષ મંગળદાયક થશે.