Book Title: Vachanamrut 0017 047 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330075/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 47. કપિલમુનિ-ભાગ 2 એ નાની ચિંતા ઓછી થઈ, ત્યાં બીજી મોટી જંજાળ ઊભી થઈ. ભદ્રિક કપિલ હવે યુવાન થયો હતો; અને જેને ત્યાં તે જમવા જતો હતો તે વિધવા બાઈ પણ યુવાન હતી. તેની સાથે તેના ઘરમાં બીજું કોઈ માણસ નહોતું. હમેશનો પરસ્પરની વાતચીતનો સંબંધ વધ્યો; વધીને હાસ્યવિનોદરૂપે થયો; એમ કરતાં કરતાં બન્નેને પ્રીતિ બંધાઈ. કપિલ તેનાથી લુબ્ધાયો! એકાંત બહ અનિષ્ટ ચીજ છે !! વિદ્યા પ્રાપ્ત કરવાનું તે ભૂલી ગયો. ગૃહસ્થ તરફથી મળતાં સીધાંથી બન્નેનું માંડ પૂરું થતું હતું, પણ લૂગડાંલત્તાના વાંધા થયા. ગૃહસ્થાશ્રમ માંડી બેઠા જેવું કપિલે કરી મૂક્યું. ગમે તેવો છતાં હળુકર્મી જીવ હોવાથી સંસારની વિશેષ લોતાળની તેને માહિતી પણ નહોતી. એથી પૈસા કેમ પેદા કરવા તે બિચારો તે જાણતો પણ નહોતો. ચંચળ સ્ત્રીએ તેને રસ્તો બતાવ્યો કે, મૂંઝાવામાં કંઈ વળવાનું નથી, પરંતુ ઉપાયથી સિદ્ધિ છે. આ ગામના રાજાનો એવો નિયમ છે કે, સવારમાં પહેલો જઈ જે બ્રાહ્મણ આશીર્વાદ આપે તેને તે બે માસા સોનું આપે છે. ત્યાં જો જઈ શકો અને પ્રથમ આશીર્વાદ આપી શકો તો તે બે માસા સોનું મળે. કપિલે એ વાતની હા કહી. આઠ દિવસ સુધી આંટા ખાધા પણ વખત વીત્યા પછી જાય એટલે કંઈ વળે નહીં. એથી તેણે એક દિવસ નિશ્ચય કર્યો કે, જો હું ચોકમાં સૂઉં તો ચીવટ રાખીને ઉઠાશે. પછી તે ચોકમાં સૂતો. અધરાત ભાગતાં ચંદ્રનો ઉદય થયો. કપિલે પ્રભાત સમીપ જાણીને મૂઠીઓ વાળીને આશીર્વાદ દેવા માટે દોડતાં જવાં માંડ્યું. રક્ષપાળે ચોર જાણીને તેને પકડી રાખ્યો. એક કરતાં બીજું થઈ પડ્યું. પ્રભાત થયું એટલે રક્ષપાળે તેને લઈ જઈને રાજાની સમક્ષ ઊભો રાખ્યો. કપિલ બેભાન જેવો ઊભો રહ્યો; રાજાને તેનાં ચોરનાં લક્ષણ ભાસ્યાં નહીં. એથી એને સઘળું વૃત્તાંત પૂછ્યું. ચંદ્રના પ્રકાશને સૂર્ય સમાન ગણનારની ભદ્રિકતા પર રાજાને દયા આવી. તેની દરિદ્રતા ટાળવા રાજાની ઇચ્છા થઈ, એથી કપિલને કહ્યું, આશીર્વાદને માટે થઈ તારે જો એટલી તરખડ થઈ પડી છે, તો હવે તારી ઇચ્છા પૂરતું તું માગી લે, તને આપીશ. કપિલ થોડી વાર મૂઢ જેવો રહ્યો. એથી રાજાએ કહ્યું, કેમ વિપ્ર, કંઈ માગતા નથી ? કપિલે ઉત્તર આપ્યો, મારું મન હજુ સ્થિર થયું નથી; એટલે શું માંગવું તે સૂઝતું નથી. રાજાએ સામેના બાગમાં જઈ ત્યાં બેસીને સ્વસ્થતાપૂર્વક વિચાર કરી કપિલને માગવાનું કહ્યું. એટલે કપિલ તે બાગમાં જઈને વિચાર કરવા બેઠો.