Book Title: Vachanamrut 0017 043 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330071/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 43. અનુપમ ક્ષમા ક્ષમા એ અંતર્શત્રુ જીતવામાં ખગ છે. પવિત્ર આચારની રક્ષા કરવામાં બખ્તર છે. શુદ્ધભાવે અસહ્ય દુઃખમાં સમપરિણામથી ક્ષમા રાખનાર મનુષ્ય ભવસાગર તરી જાય છે. કૃષ્ણ વાસુદેવના ગજસુકુમાર નામના નાના ભાઈ મહાસુરૂપવાન, સુકુમાર માત્ર બાર વર્ષની વયે ભગવાન નેમિનાથની પાસેથી સંસારત્યાગી થઈ સ્મશાનમાં ઉગ્રધ્યાનમાં રહ્યા હતા, ત્યારે તેઓ એક અદભુત ક્ષમામય ચરિત્રથી મહાસિદ્ધિને પામી ગયા, તે અહીં કહું છું. સોમલ નામના બ્રાહ્મણની સુરૂપવર્ણ સંપન્ન પુત્રી વેરે ગજસુકુમારનું સગપણ કર્યું હતું. પરંતુ લગ્ન થયા પહેલાં ગજસુકુમાર તો સંસાર ત્યાગી ગયા. આથી પોતાની પુત્રીનું સુખ જવાના દ્વેષથી તે સોમલ બ્રાહ્મણને ભયંકર ક્રોધ વ્યાપ્યો. ગજસુકુમારનો શોધ કરતો કરતો એ સ્મશાનમાં જ્યાં મહામુનિ ગજસુકુમાર એકાગ્ર વિશુદ્ધ ભાવથી કાયોત્સર્ગમાં છે, ત્યાં આવી પહોંચ્યો. કોમળ ગજસુકુમારના માથા પર ચીકણી માટીની વાડ કરી અને અંદર ધખધખતા અંગારા ભર્યા, ઇંધન પૂર્યું એટલે મહાતાપ થયો. એથી ગજસુકુમારનો કોમળ દેહ બળવા માંડ્યો એટલે તે સોમલ જતો રહ્યો. એ વેળા ગજસુકુમારના અસહ્ય દુઃખમાં કહેવું પણ શું હોય ? પરંતુ ત્યારે તે સમભાવ પરિણામમાં રહ્યા. કિંચિત ક્રોધ કે દ્વેષ એના હૃદયમાં જન્મ પામ્યો નહીં. પોતાના આત્માને સ્થિતિસ્થાપક કરીને બોધ દીધો કે જો ! તું એની પુત્રીને પરણ્યો હોત તો એ કન્યાદાનમાં તને પાઘડી આપત. એ પાઘડી થોડા વખતમાં ફાટી જાય તેવી અને પરિણામે દુઃખદાયક થાત. આ એનો બહુ ઉપકાર થયો કે એ પાઘડી બદલ એણે મોક્ષની પાઘડી બંધાવી. એવા વિશુદ્ધ પરિણામથી અડગ રહી સમભાવથી તે અસહ્ય વેદના સહીને સર્વજ્ઞ સર્વદર્શી થઈ અનંત જીવન સુખને પામ્યા. કેવી અનુપમ ક્ષમા અને કેવું તેનું સુંદર પરિણામ ! તત્ત્વજ્ઞાનીઓનાં વચન છે કે, આત્મા માત્ર સ્વભાવમાં આવવો જોઈએ; અને તે આવ્યો તો મોક્ષ હથેળીમાં જ છે. ગજસુકુમારની નામાંકિત ક્ષમા કેવો વિશુદ્ધ બોધ કરે છે !