Book Title: Vachanamrut 0017 033 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330061/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 33. સુદર્શન શેઠ પ્રાચીનકાળમાં શુદ્ધ એકપત્નીવ્રતને પાળનારા અસંખ્ય પુરુષો થઈ ગયા છે, એમાંથી સંકટ સહી નામાંકિત થયેલો સુદર્શન નામનો એક સપુરુષ પણ છે. એ ધનાઢ્ય સુંદર મુખમુદ્રાવાળો કાંતિમાન અને મધ્ય વયમાં હતો. જે નગરમાં તે રહેતો હતો, તે નગરના રાજ્યદરબાર આગળથી કંઈ કામ પ્રસંગને લીધે તેને નીકળવું પડ્યું. એ જ્યારે ત્યાંથી નીકળ્યો ત્યારે રાજાની અભયા નામની રાણી પોતાના આવાસના ગોખમાં બેઠી હતી. ત્યાંથી સુદર્શન ભણી તેની દ્રષ્ટિ ગઈ. તેનું ઉત્તમ રૂપ અને કાયા જોઈને તેનું મન લલચાયું. એક અનુચરી મોકલીને કપટભાવથી નિર્મળ કારણ બતાવીને સુદર્શનને ઉપર બોલાવ્યો. કેટલાક પ્રકારની વાતચીત કર્યા પછી અભયાએ સુદર્શનને ભોગ ભોગવવા સંબંધીનું આમંત્રણ કર્યું. સુદર્શને કેટલોક ઉપદેશ આપ્યો તોપણ તેનું મન શાંત થયું નહીં. છેવટે કંટાળીને સુદર્શને યુક્તિથી કહ્યું, બહેન, હું પુરુષત્વમાં નથી ! તોપણ રાણીએ અનેક પ્રકારના હાવભાવ કર્યા. એ સઘળી કામચેષ્ટાથી સુદર્શન ચળ્યો નહીં, એથી કંટાળી જઈને રાણીએ તેને જતો કર્યો. એક વાર એ નગરમાં ઉજાણી હતી; તેથી નગર બહાર નગરજનો આનંદથી આમ તેમ ભમતા હતા. ધામધૂમ મચી રહી હતી. સુદર્શન શેઠના છ દેવકુમાર જેવા પુત્રો પણ ત્યાં આવ્યા હતા. અભયા રાણી કપિલા નામની દાસી સાથે ઠાઠમાઠથી ત્યાં આવી હતી. સુદર્શનના દેવપૂતળાં જેવા છ પુત્રો તેના જોવામાં આવ્યા. કપિલાને તેણે પૂછ્યું, આવા રમ્ય પુત્રો કોના છે ? કપિલાએ સુદર્શન શેઠનું નામ આપ્યું. એ નામ સાંભળીને રાણીની છાતીમાં કટાર ભોંકાઈ, તેને કારી ઘા વાગ્યો. સઘળી ધામધૂમ વીતી ગયા પછી માયાકથન ગોઠવીને અભયાએ અને તેની દાસીએ મળી રાજાને કહ્યું, તમે માનતા હશો કે, મારા રાજ્યમાં ન્યાય અને નીતિ વર્તે છે; દુર્જનોથી મારી પ્રજા દુ:ખી નથી, પરંતુ તે સઘળું મિથ્યા છે. અંતઃપુરમાં પણ દુર્જનો પ્રવેશ કરે ત્યાં સુધી હજુ અંધેર છે ! તો પછી બીજા સ્થળ માટે પૂછવું પણ શું? તમારા નગરના સુદર્શન શેઠે મારી કને ભોગનું આમંત્રણ કર્યું. નહીં કહેવા યોગ્ય કથનો મારે સાંભળવાં પડ્યાં; પણ મેં તેનો તિરસ્કાર કર્યો. એથી વિશેષ અંધારું થયું કહેવાય ! રાજા મૂળે કાનના કાચા હોય છે એ તો જાણે સર્વમાન્ય છે, તેમાં વળી સ્ત્રીનાં માયાવી મધુરાં વચન શું અસર ન કરે ? તાતા તેલમાં ટાઢા જળ જેવાં વચનથી રાજા ક્રોધાયમાન થયા. સુદર્શનને શૂળીએ ચઢાવી દેવાની તત્કાળ તેણે આજ્ઞા કરી દીધી, અને તે પ્રમાણે સઘળું થઈ પણ ગયું. માત્ર શૂળીએ સુદર્શન બેસે એટલી વાર હતી. ગમે તેમ હો પણ “સૃષ્ટિના' દિવ્ય ભંડારમાં અજવાળું છે. સત્યનો પ્રભાવ ઢાંક્યો રહેતો નથી. સુદર્શનને શૂળીએ બેસાર્યો, કે શૂળી ફીટીને તેનું ઝળહળતું સોનાનું સિંહાસન થયું; અને દેવદુંદુભિના નાદ થયા; સર્વત્ર આનંદ વ્યાપી ગયો. સુદર્શનનું સત્યશીળ વિશ્વમંડળમાં ઝળકી ઊઠ્યું. સત્યશીળનો સદા જય છે. શિયળ અને સુદર્શનની ઉત્તમ દ્રઢતા, એ બન્ને, આત્માને પવિત્ર શ્રેણિએ ચઢાવે છે ! 1 દ્વિ. આ. પાઠા. - ‘જગતના” Page #2 -------------------------------------------------------------------------- _