Book Title: Vachanamrut 0017 032 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330060/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 32. વિનય વડે તત્વની સિદ્ધિ છે રાજગૃહી નગરીના રાજ્યાસન પર જ્યારે શ્રેણિક રાજા વિરાજમાન હતો, ત્યારે તે નગરીમાં એક ચંડાળ રહેતો હતો. એક વખતે તે ચંડાળની સ્ત્રીને ગર્ભ રહ્યો ત્યારે તેને કેરી ખાવાની ઇચ્છા ઉત્પન્ન થઈ. તેણે તે લાવી આપવા ચંડાળને કહ્યું. ચંડાળે કહ્યું, આ કેરીનો વખત નથી, એટલે મારો ઉપાય નથી, નહીં તો હું ગમે તેટલે ઊંચે હોય ત્યાંથી મારી વિદ્યાના બળ વડે કરીને લાવી તારી ઇચ્છા સિદ્ધ કરું. ચંડાળણીએ કહ્યું, રાજાની મહારાણીના બાગમાં એક અકાળે કરી દેનાર આંબો છે; તે પર અત્યારે કેરીઓ લચી રહી હશે, માટે ત્યાં જઈને એ કરી લાવો. પોતાની સ્ત્રીની ઇચ્છા પૂરી પાડવા ચંડાળ તે બાગમાં ગયો. ગુપ્ત રીતે આંબા સમીપ જઈ મંત્ર ભણીને તેને નમાવ્યો; અને કેરી લીધી. બીજા મંત્ર વડે કરીને તેને હતો તેમ કરી દીધો. પછી તે ઘેર આવ્યો અને તેની સ્ત્રીની ઇચ્છા માટે નિરંતર તે ચંડાળ વિદ્યાબળે ત્યાંથી કેરી લાવવા લાગ્યો. એક દિવસે ફરતાં ફરતાં માળીની દ્રષ્ટિ આંબા ભણી ગઈ. કેરીઓની ચોરી થયેલી જોઈને તેણે જઈને શ્રેણિક રાજા આગળ નમ્રતાપૂર્વક કહ્યું. શ્રેણિકની આજ્ઞાથી અભયકુમાર નામના બુદ્ધિશાળી પ્રધાને યુક્તિ વડે તે ચંડાળને શોધી કાઢ્યો. પોતા આગળ તેડાવી પૂછયું, એટલાં બધાં માણસો બાગમાં રહે છે છતાં તું કેવી રીતે ચઢીને એ કેરી લઈ ગયો કે જે વાત કળવામાં પણ ન આવી ? તે કહે. ચંડાળે કહ્યું, આપ મારો અપરાધ ક્ષમા કરજો. હું સાચું બોલી જઉં છું કે મારી પાસે એક વિદ્યા છે તેના યોગથી હું એ કેરીઓ લઈ શક્યો. અભયકુમારે કહ્યું, મારાથી ક્ષમા ન થઈ શકે. પરંતુ મહારાજા શ્રેણિકને એ વિદ્યા તું આપ તો તેઓને એવી વિદ્યા લેવાનો અભિલાષ હોવાથી તારા ઉપકારના બદલામાં હું અપરાધ ક્ષમા કરાવી શકું. ચંડાળે એમ કરવાની હા કહી. પછી અભયકુમારે ચંડાળને શ્રેણિક રાજા જ્યાં સિંહાસન પર બેઠો હતો ત્યાં લાવીને સામો ઊભો રાખ્યો; અને સઘળી વાત રાજાને કહી બતાવી. એ વાતની રાજાએ હા કહી. ચંડાળે પછી સામા ઊભા રહી થરથરતે પગે શ્રેણિકને તે વિદ્યાનો બોધ આપવા માંડ્યો; પણ તે બોધ લાગ્યો નહીં. ઝડપથી ઊભા થઈ અભયકુમાર બોલ્યાઃ મહારાજ! આપને જો એ વિદ્યા અવશય શીખવી હોય તો સામા આવી ઊભા રહો; અને એને સિંહાસન આપો. રાજાએ વિદ્યા લેવા ખાતર એમ કર્યું તો તત્કાળ વિદ્યા સાધ્ય થઈ. આ વાત માત્ર બોધ લેવા માટે છે. એક ચંડાળનો પણ વિનય કર્યા વગર શ્રેણિક જેવા રાજાને વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્ત્વ એ ગ્રહણ કરવાનું છે કે, સવિદ્યાને સાધ્ય કરવા વિનય કરવો. આત્મવિદ્યા પામવા નિર્ગથગુરૂનો જો વિનય કરીએ તો કેવું મંગળદાયક થાય ! વિનય એ ઉત્તમ વશીકરણ છે. ઉત્તરાધ્યયનમાં ભગવાને વિનયને ધર્મનું મૂળ કહી વર્ણવ્યો છે. ગુરૂનો, મુનિનો, વિદ્વાનનો, માતાપિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે.