Book Title: Vachanamrut 0017 031 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330059/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 31. પ્રત્યાખ્યાન ‘પચ્ચખાણ’ નામનો શબ્દ વારંવાર તમારા સાંભળવામાં આવ્યો છે. એનો મૂળ શબ્દ ‘પ્રત્યાખ્યાન’ છે; અને તે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એવો જે નિયમ કરવો તેને બદલે વપરાય છે. પ્રત્યાખ્યાન કરવાનો હેતુ મહા ઉત્તમ અને સૂક્ષ્મ છે. પ્રત્યાખ્યાન નહીં કરવાથી ગમે તે વસ્તુ ન ખાઓ કે ન ભોગવો તોપણ તેથી સંવરપણું નથી, કારણ કે તત્વરૂપે કરીને ઇચ્છાનું રૂંધન કર્યું નથી. રાત્રે આપણે ભોજન ન કરતા હોઈએ; પરંતુ તેનો જો પ્રત્યાખ્યાનરૂપે નિયમ ન કર્યો હોય તો તે ફળ ન આપે; કારણ આપણી ઇચ્છા ખુલ્લી રહી. જેમ ઘરનું બારણું ઉઘાડું હોય અને શ્વાનાદિક જનાવર કે મનુષ્ય ચાલ્યું આવે તેમ ઇચ્છાનાં દ્વાર ખુલ્લાં હોય તો તેમાં કર્મ પ્રવેશ કરે છે. એટલે કે એ ભણી આપણા વિચાર છૂટથી જાય છે, તે કર્મબંધનનું કારણ છે, અને જો પ્રત્યાખ્યાન હોય તો પછી એ ભણી દ્રષ્ટિ કરવાની ઇચ્છા થતી નથી. જેમ આપણે જાણીએ છીએ કે વાંસાનો મધ્ય ભાગ આપણાથી જોઈ શકાતો નથી, માટે એ ભણી આપણે દ્રષ્ટિ પણ કરતા નથી, તેમ પ્રત્યાખ્યાન કરવાથી અમુક વસ્તુ ખવાય કે ભોગવાય તેમ નથી એટલે એ ભણી આપણું લક્ષ સ્વાભાવિક જતું નથી, એ કર્મ આવવાને આડો કોટ થઈ પડે છે. પ્રત્યાખ્યાન કર્યા પછી વિસ્મૃતિ વગેરે કારણથી કોઈ દોષ આવી જાય તો તેનાં પ્રાયશ્ચિત નિવારણ પણ મહાત્માઓએ કહ્યાં છે. પ્રત્યાખ્યાનથી એક બીજો પણ મોટો લાભ છે; તે એ કે અમુક વસ્તુઓમાં જ આપણો લક્ષ રહે છે, બાકી બધી વસ્તુઓનો ત્યાગ થઈ જાય છે, જે જે વસ્તુ ત્યાગ કરી છે તે તે સંબંધી પછી વિશેષ વિચાર, ગ્રહવું, મૂકવું કે એવી કંઈ ઉપાધિ રહેતી નથી. એ વડે મન બહુ બહોળતાને પામી નિયમરૂપી સડકમાં ચાલ્યું જાય છે. અશ્વ જો લગામમાં આવી જાય છે, તો પછી ગમે તેવો પ્રબળ છતાં તેને ધારેલે રસ્તે લઈ જવાય છે, તેમ મન એ નિયમરૂપી લગામમાં આવવાથી પછી ગમે તે શુભ રાહમાં લઈ જવાય છે, અને તેમાં વારંવાર પર્યટન કરાવવાથી તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી થાય છે. મનનો આનંદ શરીરને પણ નીરોગી કરે છે. વળી અભક્ષ્ય, અનંતકાય, પરસ્ત્રીઆદિક નિયમ કર્યાથી પણ શરીર નીરોગી રહી શકે છે. માદક પર્દાથો મનને અવળે રસ્તે દોરે છે. પણ પ્રત્યાખ્યાનથી મન ત્યાં જતું અટકે છે, એથી તે વિમળ થાય છે. પ્રત્યાખ્યાન એ કેવી ઉત્તમ નિયમ પાળવાની પ્રતિજ્ઞા છે, તે આ ઉપરથી તમે સમજયા હશો. વિશેષ સદગુરૂમુખથી અને શાસ્ત્રાવલોકનથી સમજવા હું બોધ કરું છું.