Book Title: Vachanamrut 0017 028 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330056/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 28. રાત્રિભોજન અહિંસાદિક પંચ મહાવ્રત જેવું ભગવાને રાત્રિભોજનત્યાગવૃત કહ્યું છે. રાત્રિમાં જે ચાર પ્રકારના આહાર છે તે અભક્ષરૂપ છે. જે જાતિનો આહારનો રંગ હોય છે, તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. રાત્રિભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રે જમનારને રસોઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીંત પર રહેલાં નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઇંધનને માટે આણેલાં કાષ્ઠાદિકમાં રહેલાં જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે; તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. રાત્રિભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે, છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તો છે જ. શરીરની અંદર બે પ્રકારનાં કમળ છે, તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે, એથી કરીને રાત્રિભોજનમાં સૂક્ષ્મ જીવભક્ષણરૂપ અહિત થાય છે, જે મહારોગનું કારણ છે એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે. સપુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળુ કરે, અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. રાત્રિભોજનને માટે વિશેષ વિચાર મુનિસમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્વના છે. ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહફળ છે. એ જિનવચન છે.