Book Title: Vachanamrut 0017 017 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330045/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 17. બાહુબળ બાહુબળ એટલે પોતાની ભુજાનું બળ એમ અહીં અર્થ કરવાનો નથી; કારણ બાહુબળ નામના મહાપુરુષનું આ એક નાનું પણ અદ્ભુત ચરિત્ર છે. ઋષભદેવજી ભગવાન સર્વસંગ પરિત્યાગ કરી ભરત, બાહુબળ નામના પોતાના બે પુત્રોને રાજ્ય સોંપી વિહાર કરતા હતા. ત્યારે ભરતેશ્વર ચક્રવર્તી થયો. આયુધશાળામાં ચક્રની ઉત્પત્તિ થયા પછી પ્રત્યેક રાજ્ય પર પોતાની આમ્નાય બેસાડી અને છ ખંડની પ્રભુતા મેળવી. માત્ર બાહુબળે જ એ પ્રભુતા અંગીકાર ન કરી એથી પરિણામમાં ભરતેશ્વર અને બાહુબળને યુદ્ધ મંડાયું. ઘણા વખત સુધી ભરતેશ્વર કે બાહુબળ એ બન્નેમાંથી એક્ટ હક્યા નહીં, ત્યારે ક્રોધાવેશમાં આવી જઈ ભરતેશ્વરે બાહુબળ પર ચક્ર મૂક્યું. એક વીર્યથી ઉત્પન્ન થયેલા ભાઈ પર તે ચક્ર પ્રભાવ ન કરી શકે, એ નિયમથી ફરીને પાછું ભરતેશ્વરના હાથમાં આવ્યું. ભરત ચક્ર મૂકવાથી બાહુબળને બહુ ક્રોધ આવ્યો. તેણે મહા બળવત્તર મુષ્ટિ ઉપાડી. તત્કાળ ત્યાં તેની ભાવનાનું સ્વરૂપ ફર્યું. તે વિચારી ગયો કે “હું આ બહુ નિંદનીય કરું છું. આનું પરિણામ કેવું દુઃખદાયક છે ! ભલે ભરતેશ્વર રાજ્ય ભોગવો. મિથ્યા પરસ્પરનો નાશ શા માટે કરવો ? આ મુષ્ટિ મારવી યોગ્ય નથી; તેમ ઉગામી તે હવે પાછી વાળવી પણ યોગ્ય નથી.” એમ કહી તેણે પંચમુષ્ટિ કેશલુચન કર્યું. અને ત્યાંથી મુનિત્વભાવે ચાલી નીકળ્યો. ભગવાન આદીશ્વર જ્યાં અઠ્ઠાણું દીક્ષિત પુત્રોથી તેમજ આર્ય-આર્યાથી વિહાર કરતા હતા ત્યાં જવા ઈચ્છા કરી, પણ મનમાં માન આવ્યું. ત્યાં હું જઈશ તો મારાથી નાના અઠ્ઠાણું ભાઈઓને વંદન કરવું પડશે. તેથી ત્યાં તો જવું યોગ્ય નથી. પછી વનમાં તે એકાગ્ર ધ્યાને રહ્યો. હળવે હળવે બાર માસ થઈ ગયા. મહાતપથી કાયા હાડકાંનો માળો થઈ ગઈ. તે સૂકા ઝાડ જેવો દેખાવા લાગ્યો, પરંતુ જ્યાં સુધી માનનો અંકુર તેના અંતઃકરણથી ખસ્યો નહોતો ત્યાં સુધી તે સિદ્ધિ ન પામ્યો. બ્રાહ્મી અને સુંદરીએ આવીને તેને ઉપદેશ કર્યો, “આર્ય વીર ! હવે મદોન્મત્ત હાથી પરથી ઊતરો; એનાથી તો બહુ શોખું.” એઓનાં આ વચનોથી બાહુબળ વિચારમાં પડ્યો. વિચારતાં વિચારતાં તેને ભાન થયું કે “સત્ય છે. હું માનરૂપી મદોન્મત્ત હાથી પરથી હજુ ક્યાં ઊતર્યો છું? હવે એથી ઊતરવું એ જ મંગળકારક છે.” એમ કહીને તેણે વંદન કરવાને માટે પગલું ભર્યું કે તે અનુપમ દિવ્ય કૈવલ્યકમળાને પામ્યો. વાંચનાર! જુઓ માન એ કેવી દુરિત વસ્તુ છે !