Book Title: Vachanamrut 0017 011 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330039/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 11. સદ્દગુરૂતત્ત્વ-ભાગ 2 પિતા- પુત્ર ! ગુરૂ ત્રણ પ્રકારના કહેવાય છેઃ 1. કાષ્ઠસ્વરૂપ, 2. કાગળસ્વરૂપ, 3. પથ્થરસ્વરૂપ. 1. કાષ્ઠસ્વરૂપ ગુરૂ સર્વોત્તમ છે; કારણ સંસારરૂપી સમુદ્રને કાષ્ઠસ્વરૂપી ગુરૂ જ તરે છે; અને તારી શકે છે. 2. કાગળસ્વરૂપ ગુરૂ એ મધ્યમ છે. તે સંસારસમુદ્રને પોતે તરી શકે નહીં, પરંતુ કંઈ પુણ્ય ઉપાર્જન કરી શકે. એ બીજાને તારી શકે નહીં. ૩,પથ્થરસ્વરૂપ તે પોતે બુડે અને પરને પણ બુડાડે. કાષ્ઠસ્વરૂપ ગરૂ માત્ર જિનેશ્વર ભગવંતના શાસનમાં છે. બાકી બે પ્રકારના જે ગુરૂ રહ્યા તે કર્માવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરૂ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઈ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરૂ વિના મળી શકે નહીં. ત્યારે તને પ્રશ્ન કરવાની ઈચ્છા થશે કે, એવા ગુરૂનાં લક્ષણ ક્યાં ક્યાં ? તે હું કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, શાંત, દાંત, નિરારંભી અને જિતેંદ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઈને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય, નિર્ગથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નીરાગતાથી સત્યોપદેશક હોય. ટૂંકામાં, તેઓને કાષ્ઠસ્વરૂપ સદગુરૂ જાણવા. પુત્ર ! ગુરૂના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. જેમ તું આગળ વિચાર કરતાં શીખતો જઈશ, તેમ પછી હું તને એ વિશેષ તત્વો બોધતો જઈશ. પુત્ર- પિતાજી, આપે મને ટૂંકામાં પણ બહુ ઉપયોગી અને કલ્યાણમય કહ્યું; હું નિરંતર તે મનન કરતો રહીશ.