Book Title: Vachanamrut 0017 009 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330037/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 9. સધર્મતત્ત્વ અનાદિ કાળથી કર્મજાળનાં બંધનથી આ આત્મા સંસારમાં રઝળ્યા કરે છે. સમયમાત્ર પણ તેને ખરું સુખ નથી. અધોગતિને એ સેવ્યા કરે છે, અને અધોગતિમાં પડતા આત્માને ધરી રાખનાર જે વસ્તુ તેનું નામ ધર્મ' કહેવાય છે. એ ધર્મતત્વના સર્વજ્ઞ ભગવાને ભિન્ન ભિન્ન ભેદ કહ્યા છે. તેમાંના મુખ્ય બે છેઃ 1. વ્યવહારધર્મ. 2. નિશ્ચયધર્મ વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા વાસ્તે છે. દયાના આઠ ભેદ છે. 1. દ્રવ્યદયા. 2. ભાવદયા 3. સ્વદયા. 4. પરદયા. 5. સ્વરૂપદયા. 6. અનુબંધદયા. 7. વ્યવહારદયા. 8. નિશ્ચયદયા. 1. પ્રથમ દ્રવ્યદયા-કોઈ પણ કામ કરવું તેમાં યત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે ‘દ્રવ્યદયા'. 2. બીજી ભાવદયા-બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે ‘ભાવદયા’. ત્રીજી સ્વદયા-આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી ગ્રહાયો છે, તત્વ પામતો નથી, જિનાજ્ઞા પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે ‘સ્વદયા'. 4. ચોથી પરદયા-છકાય જીવની રક્ષા કરવી તે ‘પરદયા’. 5. પાંચમી સ્વરૂપદયા- સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે ‘સ્વરૂપદયા'. 6. છઠ્ઠી અનુબંધદયા-ગુરૂ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે તે દેખાવમાં તો અયોગ્ય લાગે છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ ‘અનુબંધદયા'. 7. સાતમી વ્યવહારદકા-ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ ‘વ્યવહારદયા’. 8. આઠમી નિશ્ચયદયા-શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે ‘નિશ્ચયદયા.” એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. બીજા નિશ્ચયધર્મ-પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે ઓળખવો. આ સંસાર તે મારો નથી, હું એથી ભિન્ન, પરમ અસંગ સિદ્ધસદૃશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવવર્તના તે નિશ્ચયધર્મ છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી. અહંત ભગવાનના કહેલા ધર્મતત્વથી સર્વ પ્રાણી અભય થાય છે.