Book Title: Vachanamrut 0017 007 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330035/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 7. અનાથી મુનિ-ભાગ 3 હે શ્રેણિક રાજા ! ત્યાર પછી હું આત્મા પરાત્માનો નાથ થયો. હવે હું સર્વ પ્રકારના જીવનો નાથ છું. તું જે શંકા પામ્યો હતો તે હવે ટળી ગઈ હશે. એમ આખું જગત ચક્રવર્તી પર્યત અશરણ અને અનાથ છે. જ્યાં ઉપાધિ છે ત્યાં અનાથતા છે; માટે હું કહું છું તે કથન તું મનન કરી જજે. નિશ્ચય માનજે કે, આપણો આત્મા જ દુ:ખની ભરેલી વૈતરણીનો કરનાર છે; આપણો આત્મા જ ક્રૂર શાલ્મલિ વૃક્ષનાં દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયનાં સુખનો ઉપજાવનાર છે; આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે; આપણો આત્મા જ કર્મનો કરનાર છે, આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. આપણો આત્મા જ કનિષ્ઠ આચારે સ્થિત અને આપણો આત્મા જ નિર્મળ આચારે સ્થિત રહે છે.” એમ આત્મપ્રકાશક બોધ શ્રેણિકને તે અનાથી મુનિએ આપ્યો. શ્રેણિક રાજા બહુ સંતોષ પામ્યો. બે હાથની અંજલિ કરીને તે એમ બોલ્યો કે, “હે ભગવન્! તમે મને ભલી રીતે ઉપદેશ્યો; તમે એમ હતું તેમ અનાથપણું કહી બતાવ્યું. મહર્ષિ ! તમે સનાથ, તમે સબંધવ અને તમે સધર્મ છો. તમે સર્વ અનાથના નાથ છો. હે પવિત્ર સંયતિ ! હું તમને ક્ષમાવું છું. તમારી જ્ઞાની શિક્ષાથી લાભ પામ્યો છું. ધર્મધ્યાનમાં વિપ્ન કરવાવાળું ભોગ ભોગવ્યા સંબંધીનું મેં તમને હે મહા ભાગ્યવંત ! જે આમંત્રણ દીધું તે સંબંધીનો મારો અપરાધ મસ્તક નમાવીને ક્ષમાવું છું.” એવા પ્રકારથી સ્તુતિ ઉચ્ચારીને રાજપુરુષકેસરી શ્રેણિક વિનયથી પ્રદક્ષિણા કરી સ્વસ્થાનકે ગયો. મહા તપોધન, મહા મુનિ, મહા પ્રજ્ઞાવંત, મહા યશવંત, મહા નિર્ગથ અને મહાગ્રુત અનાથી મુનિએ મગધદેશના શ્રેણિક રાજાને પોતાનાં વીતક ચરિત્રથી જે બોધ આપ્યો છે તે ખરે ! અશરણ ભાવના સિદ્ધ કરે છે. મહા મુનિ અનાથીએ ભોગવેલી વેદના જેવી કે એથી અતિ વિશેષ વેદના અનંત આત્માઓને ભોગવતા જોઈએ છીએ એ કેવું વિચારવા લાયક છે ! સંસારમાં અશરણતા અને અનંત અનાથતા છવાઈ રહી છે, તેનો ત્યાગ ઉત્તમ તત્વજ્ઞાન અને પરમ શીલને સેવવાથી જ થાય છે. એ જ મુક્તિના કારણરૂપ છે. જેમ સંસારમાં રહ્યા અનાથી અનાથ હતા; તેમ પ્રત્યેક આત્મા તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ વિના સદૈવ અનાથ જ છે. સનાથ થવા સદેવ, સધર્મ અને સતગુરૂને જાણવા અવશ્યના છે.