Book Title: Vachanamrut 0017 005 Shikshapaath
Author(s): Shrimad Rajchandra
Publisher: Jaysinhbhai Devalali
Catalog link: https://jainqq.org/explore/330033/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 5. અનાથી મુનિ-ભાગ 1 અનેક પ્રકારની રિદ્ધિવાળો મગધ દેશનો શ્રેણિક નામે રાજા અશ્વક્રીડાને માટે મંડિકુક્ષ એ નામના વનમાં નીકળી પડ્યો. વનની વિચિત્રતા મનોહારિણી હતી. નાના પ્રકારનાં વૃક્ષો ત્યાં આવી રહ્યાં હતાં; નાના પ્રકારની કોમળ વેલીઓ ઘટાટોપ થઈ રહી હતી, નાના પ્રકારનાં પંખીઓ આનંદથી તેનું સેવન કરતાં હતાં; નાના પ્રકારનાં પક્ષીઓનાં મધુરાં ગાયન ત્યાં સંભળાતાં હતાં; નાના પ્રકારનાં ફૂલથી તે વન છવાઈ રહ્યું હતું, નાના પ્રકારનાં જલનાં ઝરણ ત્યાં વહેતાં હતાં; ટૂંકામાં એ વન નંદનવન જેવું લાગતું હતું. તે વનમાં એક ઝાડ તળે મહાસમાધિવત પણ સુકુમાર અને સુખોચિત મુનિને તે શ્રેણિકે બેઠેલો દીઠો. એનું રૂપ જોઈને તે રાજા અત્યંત આનંદ પામ્યો. ઉપમારહિત રૂપથી વિસ્મિત થઈને મનમાં તેની પ્રશંસા કરવા લાગ્યો. આ મુનિનો કેવો અદભુત વર્ણ છે ! એનું કેવું મનોહર રૂપ છે ! એની કેવી અદ્ભુત સૌમ્યતા છે ! આ કેવી વિસ્મયકારક ક્ષમાનો ધરનાર છે ! આના અંગથી વૈરાગ્યનો કેવો ઉત્તમ પ્રકાશ છે! આની કેવી નિર્લોભતા જણાય છે! આ સંયતિ કેવું નિર્ભય નમ્રપણું ધરાવે છે ! એ ભોગથી કેવો વિરક્ત છે ! એમ ચિંતવતો ચિંતવતો, મુદિત થતો થતો, સ્તુતિ કરતો કરતો, ધીમેથી ચાલતો ચાલતો, પ્રદક્ષિણા દઈને તે મુનિને વંદન કરીને અતિ સમીપ નહીં તેમ અતિ દૂર નહીં એમ તે શ્રેણિક બેઠો. પછી બે હાથની અંજલિ કરીને વિનયથી તેણે તે મુનિને પૂછ્યું કે “હે આર્ય ! તમે પ્રશંસા કરવા યોગ્ય એવા તરુણ છો; ભોગવિલાસને માટે તમારી વય અનુકૂળ છે; સંસારમાં નાના પ્રકારનાં સુખ રહ્યાં છે; ઋતુ ઋતુના કામભોગ, જળ સંબંધીના વિલાસ, તેમજ મનોહારિણી સ્ત્રીઓનાં મુખવચનનું મધુરું શ્રવણ છતાં એ સઘળાંનો ત્યાગ કરીને મુનિત્વમાં તમે મહા ઉદ્યમ કરો છો એનું શું કારણ ! તે મને અનુગ્રહથી કહો.” રાજાનાં આવાં વચન સાંભળીને મુનિએ કહ્યું, “હે રાજા ! હું અનાથ હતો. મને અપૂર્વ વસ્તુનો પ્રાપ્ત કરાવનાર તથા યોગક્ષેમનો કરનાર, મારા પર અનુકંપા આણનાર, કરુણાથી કરીને પરમસુખનો દેનાર, એવો મારો કોઈ મિત્ર થયો નહીં, એ કારણ મારા અનાથીપણાનું હતું.”