Book Title: Vachanamrut 0017 003 Shikshapaath Author(s): Shrimad Rajchandra Publisher: Jaysinhbhai Devalali Catalog link: https://jainqq.org/explore/330031/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શિક્ષાપાઠ 3. કર્મના ચમત્કાર હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્પશધ્યામાં શયન કરે છે, એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનાં ભોજનોથી તૃપ્ત રહે છે, એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે, એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરાં વચનથી મનુષ્યનાં મન હરે છે, એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક ભૂલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે, એક તેટલાના જ ટુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઊપજે છે, એકને જોતાં વમન થાય છે. એક સંપૂર્ણ ઇંદ્રિયોવાળો છે, એક અપૂર્ણ છે. એકને દીન દુનિયાનું લેશ ભાન નથી, એકનાં દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જમ્યો કે મૂઓ, એક મૂએલો અવતર્યો, એક સો વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈનાં મુખ, ભાષા અને સ્થિતિ સરખાં નથી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાથી વધાવાય છે, સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે ! આમ આખા જગતની વિચિત્રતા ભિન્નભિન્ન પ્રકારે તમે જુઓ છો, એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે ? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો તે શા વડે થાય છે ? પોતાનાં બાંધેલાં શુભાશુભ કર્મ વડે. કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે ? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે.