Page #1
--------------------------------------------------------------------------
________________ પંચમ ચિત્ર- અશુચિભાવના (ગીતિવૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ધામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ. વિશેષાર્થ મળ અને મૂત્રની ખાણરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણીને હે ચૈતન્ય ! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર ! એ ભગવાન સનકુમારનું ચરિત્ર અહીં આગળ અશુચિભાવનાની પ્રમાણિકતા બતાવવા માટે આરંભાશે. ભગવાન સનકુમારનું ચરિત્ર દ્રષ્ટાંતઃ- જે જે રિદ્ધિ સિદ્ધિ અને વૈભવ ભરતેશ્વરના ચરિત્રમાં વર્ણવ્યાં, તે તે વૈભવાદિકથી કરીને યુક્ત સનતકુમાર ચક્રવર્તી હતા. તેનાં વર્ણ અને રૂપ અનુપમ હતાં. એક વેળા સુધર્મસભામાં તે રૂપની સ્તુતિ થઈ. કોઈ બે દેવોને તે વાત રુચી નહીં; પછી તેઓ તે શંકા ટાળવાને વિપ્રરૂપે સનતકુમારના અંતઃપુરમાં ગયા. સનતકુમારનો દેહ તે વેળા મેળથી ભર્યો હતો. તેને અંગે મર્દનાદિક પદાર્થોનું માત્ર વિલેપન હતું. એક નાનું પંચિયું પહેર્યું હતું. અને તે સ્નાનમંજન કરવા માટે બેઠા હતા. વિપ્રરૂપે આવેલા દેવતા તેનું મનોહર મુખ, કંચનવર્ણી કાયા અને ચંદ્ર જેવી કાંતિ જોઈને બહુ આનંદ પામ્યા; જરા માથું ધુણાવ્યું, એટલે ચક્રવર્તીએ પૂછ્યું, તમે માથું કેમ ધુણાવ્યું ? દેવોએ કહ્યું, અમે તમારાં રૂપ અને વર્ણ નિરીક્ષણ કરવા માટે બહુ અભિલાષી હતા. સ્થળે સ્થળે તમારા વર્ણ રૂપની સ્તુતિ સાંભળી હતી; આજે તે વાત અમને પ્રમાણભૂત થઈ એથી અમે આનંદ પામ્યા; માથું ધુણાવ્યું કે જેવું લોકોમાં કહેવાય છે તેવું જ રૂપ છે. એથી વિશેષ છે, પણ ઓછું નથી. સનતકુમાર સ્વરૂપવર્ણની સ્તુતિથી પ્રભુત્વ લાવી બોલ્યા, તમે આ વેળા મારું રૂપ જોયું તે ભલે, પરંતુ હું જ્યારે રાજસભામાં વસ્ત્રાલંકાર ધારણ કરી કેવળ સજ્જ થઈને સિંહાસન પર બેસું છું, ત્યારે મારું રૂપ અને મારો વર્ણ જોવા યોગ્ય છે; અત્યારે તો હું ખેળભરી કાયાએ બેઠો છું. જો તે વેળા તમે મારાં રૂપ, વર્ણ જુઓ તો અદભુત ચમત્કારને પામો અને ચકિત થઈ જાઓ. દેવોએ કહ્યું, ત્યારે પછી અમે રાજસભામાં આવીશું, એમ કહીને ત્યાંથી ચાલ્યા ગયા. સનતકુમારે ત્યાર પછી ઉત્તમ અને અમૂલ્ય વસ્ત્રાલંકારો ધારણ કર્યો. અનેક ઉપચારથી જેમ પોતાની કાયા વિશેષ આશ્ચર્યતા ઉપજાવે તેમ કરીને તે રાજસભામાં આવી સિંહાસન પર બેઠા. આજુબાજુ સમર્થ મંત્રીઓ, સુભટો, વિદ્વાનો અને અન્ય સભાસદો યોગ્ય આસને બેસી ગયા છે. રાજેશ્વર ચામરછત્રથી અને ખમા ખમાથી વિશેષ શોભી રહ્યો છે તેમજ વધાવાઈ રહ્યો છે. ત્યાં પેલા દેવતાઓ પાછા વિપ્રરૂપે આવ્યા. અદ્ભુત
Page #2
--------------------------------------------------------------------------
________________ રૂપવર્ણથી આનંદ પામવાને બદલે જાણે ખેદ પામ્યા છે, એવા સ્વરૂપમાં તેઓએ માથું ધુણાવ્યું. ચક્રવર્તીએ પૂછ્યું, અહો બ્રાહ્મણો ! ગઈ વેળા કરતાં આ વેળા તમે જુદા રૂપમાં માથું ધુણાવ્યું એનું શું કારણ છે ? તે મને કહો. અવધિજ્ઞાનાનુસારે વિપ્રે કહ્યું કે, હે મહારાજા ! તે રૂપમાં ને આ રૂપમાં ભૂમિકાશનો ફેર પડી ગયો છે. ચક્રવર્તીએ તે સ્પષ્ટ સમજાવવા કહ્યું. બ્રાહ્મણોએ કહ્યું, અધિરાજ ! પ્રથમ તમારી કોમળ કાયા અમૃતતુલ્ય હતી. આ વેળાએ ઝેરરૂપ છે. તેથી જ્યારે અમૃતતુલ્ય અંગ હતું ત્યારે આનંદ પામ્યા હતા. આ વેળા ઝેરતુલ્ય છે ત્યારે ખેદ પામ્યા. અમે કહીએ છીએ તે વાતની સિદ્ધતા કરવી હોય તો તમે હમણાં તાંબૂલ થંકો, તત્કાળ તે પર મક્ષિકા બેસશે અને પરધામ પ્રાપ્ત થશે. સનતકુમારે એ પરીક્ષા કરી તો સત્ય ઠરી; પૂર્વિત કર્મના પાપનો જે ભાગ, તેમાં આ કાયાના મદસંબંધીનું મેળવણ થવાથી એ ચક્રવર્તીની કાયા ઝેરમય થઈ ગઈ. વિનાશી અને અશુચિમય કાયાનો આવો પ્રપંચ જોઈને સનતકુમારના અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. કેવળ આ સંસાર તજવા યોગ્ય છે. આવી ને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મોહમાન કરવા યોગ્ય નથી, એમ બોલીને તે છ ખંડની પ્રભુતા ત્યાગ કરીને ચાલી નીકળ્યા. સાદુરૂપે જ્યારે વિચરતા હતા ત્યારે મહારોગ ઉત્પન્ન થયો. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો. સાધુને કહ્યું, હું બહુ કુશળ રાજવૈદ છું; તમારી કાયા રોગનો ભોગ થયેલી છે; જો ઈચ્છા હોય તો તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા, “હે વૈદ ! કર્મરૂપી રોગ મહોન્મત્ત છે; એ રોગ ટાળવાની તમારી જો સમર્થતા હોય તો ભલે મારો એ રોગ ટાળો. એ સમર્થતા ન હોય તો આ રોગ છો રહ્યો.” દેવતાએ કહ્યું, એ રોગ ટાળવાની સમર્થતા હું ધરાવતો નથી. પછી સાધુએ પોતાની લબ્ધિના પરિપૂર્ણ બળ વડે થંકવાળી અંગુલિ કરી તે રોગને ખરડી કે તત્કાળ તે રોગ વિનાશ પામ્યો; અને કાયા પાછી હતી તેવી બની ગઈ. પછી તે વેળા દેવે પોતાનું સ્વરૂપ પ્રકાશ્ય, ધન્યવાદ ગાઈ વંદન કરી પોતાને સ્થાનકે ગયો. પ્રમાણશિક્ષાઃરકતપિત્ત જેવા સદૈવ લોહીપથી ગદગદતા મહારોગની ઉત્પત્તિ જે કાયામાં છે, પળમાં વણસી જવાનો જેનો સ્વભાવ છે, જેના પ્રત્યેક રોમે પોણાબબ્બે રોગનો નિવાસ છે; તેવા સાડાત્રણ કરોડ રોમથી તે ભરેલી હોવાથી કરોડો રોગનો તે ભંડાર છે એમ વિવેકથી સિદ્ધ છે. અન્નાદિની ન્યૂનાધિકતાથી તે પ્રત્યેક રોગ જે કાયામાં દેખાવ દે છે, મળ, મૂત્ર, નરક, હાડ, માંસ, પરુ અને શ્લેષ્મથી જેનું બંધારણ ટકયું છે; ત્વચાથી માત્ર જેની મનોહરતા છે; તે કાયાનો મોહ ખરે ! વિભ્રમ જ છે ! સનતકુમારે જેનું લેશમાત્ર માન કર્યું, તે પણ જેથી સંખાયું નહીં તે કાયામાં અહો પામર ! તું શું મોહે છે ? “એ મોહ મંગળદાયક નથી’.1 1 દ્વિ. આ. પાઠા. - ‘એ કિંચિત્ સ્તુતિપાત્ર નથી.'
Page #3
--------------------------------------------------------------------------
________________ આમ છતાં પણ આગળ ઉપર મનુષ્યદેહને સર્વદેહોત્તમ કહેવો પડશે. એનાથી સિદ્ધગતિની સિદ્ધિ છે એમ કહેવાનું છે. ત્યાં આગળ નિઃશંક થવા માટે અહીં નામમાત્ર વ્યાખ્યાન આપ્યું છે. આત્માનાં શુભ કર્મનો જ્યારે ઉદય આવ્યો ત્યારે તે મનુષ્યદેહ પામ્યો. મનુષ્ય એટલે બે હાથ, બે પગ, બે આંખ, બે કાન, એક મુખ, બે ઓષ્ઠ, એક નાકવાળા દેહનો અધીશ્વર એમ નથી. પણ એનો મર્મ જુદો જ છે. જો એમ અવિવેક દાખવીએ તો પછી વાનરને મનુષ્ય ગણવામાં દોષ શો ? એ બિચારાએ તો એક પૂંછડું પણ વધારે પ્રાપ્ત કર્યું છે. પણ નહીં, મનુષ્યત્વનો મર્મ આમ છેઃ વિવેકબુદ્ધિ જેના મનમાં ઉદય પામી છે, તે જ મનુષ્ય; બાકી બધાય એ સિવાયનાં તે દ્વિપાદરૂપે પશુ જ છે. મેધાવી પુરુષો નિરંતર એ માનવત્વનો આમ જ મર્મ પ્રકાશે છે. વિવેકબુદ્ધિના ઉદય વડે મુક્તિના રાજમાર્ગમાં પ્રવેશ કરાય છે. અને એ માર્ગમાં પ્રવેશ એ જ માનવ દેહની ઉત્તમતા છે. તોપણ સ્મૃતિમાન થવું યથોચિત છે કે, તે દેહ કેવળ અશુચિમય તે અશુચિમય જ ભાવનાબોધ ગ્રંથે અશુચિભાવનાના ઉપદેશ માટે પ્રથમ દર્શનના પાંચમા ચિત્રમાં સનતકુમારનું દ્રષ્ટાંત અને પ્રમાણશિક્ષા પૂર્ણતા પામ્યાં. 2 જુઓ. મોક્ષમાળા શિક્ષાપાઠ 4. માનવદેહ