Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
3૫. શ્રીમદ્ રાજચંદ્ર (ઈ. સ. ૧૮૬૯ – ૧૯૦૧ )
શ્રીમદ્ રાજચંદ્ર મહાન દ્રષ્ટા અને આધુનિક યુગના એક સુપ્રસિધ્ધ સંત હતા. તેઓએ જૈન તત્ત્વજ્ઞાન તથા સાહિત્યમાં અમૂલ્ય ફાળો આપ્યો હતો. તેઓ મહાન તત્ત્વવેત્તા, ઝળહળતા કવિ, સમાજ સુધારક, વિચારક અને આત્મસાક્ષાત્કાર કરનાર સંત હતા. મહાત્મા ગાંધીજી શ્રીમના આધ્યાત્મિક જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. શ્રીમદ્રનું લખાણ તેમના આત્મ અનુભવનો સાર હતો. અત્યારે પણ આધ્યાત્મિક જાગૃતિ અને આત્મ સાક્ષાત્કારની શોધમાં ઘણાં જૈન અને હિંદુ સાધકો તેમના ઉપદેશને અનુસરે છે.
જન્મ અને બાળપણ -
શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ નવેમ્બર ૧૦, ૧૮૬૭ એટલે કે વિક્રમ સંવત ૧૯૨૪ ના કારતક મહિનાની પવિત્ર પૂનમ (દેવ-દિવાળી)ને દિવસે ગુજરાતમાં આવેલા મોરબી જીલ્લાના વવાણીયા ગામમાં થયો હતો. તેમના પિતા રવજીભાઈ અને માતા દેવબા હતાં. જન્મનું તેમનું નામ લક્ષ્મીનંદન હતું પણ ચાર વર્ષ પછી તેમનું નામ બદલીને રાયચંદ રાખ્યું. પાછળથી તેઓ રાજચંદ્રના નામથી જાણીતા બન્યા.
રાજચંદ્રના પિતા તથા દાદા વૈષ્ણવ (હિંદુ) ધર્મ પાળતા હતા. તેઓ ભગવાન કૃષ્ણના ભક્ત હતા. તેમના માતા દેવબા જૈન કટુંબના હતા. આમ બાળક રાજચંદ્ર જૈન અને હિંદુ એમ બેવડા સંસ્કારથી મોટા થયા.
બાળવયમાં રાજચંદ્રને જાતજાતના પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. એક વખત તેમણે જૈન પ્રતિક્રમણ સૂત્ર વાંચ્યું. તેમાં વર્ણવવામાં આવેલી પ્રાણીમાત્ર પ્રત્યેની કરુણાની ભાવના તથા રોજની પ્રતિક્રમણની ક્રિયા દરમિયાન તેમ જ પર્યુષણ દરમિયાન ખરા હૃદયની ક્ષમાની ભાવનાની વાતો તેમને બહુ અસર કરી ગઈ. જૈનધર્મ આત્મજ્ઞાન, સંયમ, પરમશાંતિ, ત્યાગ કરવો, દુનિયાના સુખોથી દૂર રહેવું તથા ધ્યાન કરવું એવી ક્રિયાઓ પર ભાર મૂકે છે. તેથી તેમની જૈનધર્મ પ્રત્યેની શ્રદ્ધા વધી ગઈ. પૂર્ણ સત્યની શોધમાં જૈનધર્મનું તત્ત્વજ્ઞાન તથા સંસ્કાર જ અંતિમ સત્ય તથા પરમ શાંતિ અપાવશે એમ શ્રીમને સમજાઈ ગયું.
સાત વર્ષની ઉંમરે એવો બનાવ બન્યો કે એમનું જીવન આખું બદલાઈ ગયું. એક પ્રૌઢ અંગત પરિચયવાળા ભાઈ શ્રી અમીચંદભાઈ સાપ કરડવાથી અવસાન પામ્યા. બાળક રાજચંદ્રએ પોતાના દાદાને પૂછ્યું, “મરી જવું એટલે શું?” તેના વ્હાલા દાદાએ સમજાવ્યું,
તેમનો આત્મા તેમનું શરીર છોડી ચાલ્યો ગયો. હવે તે ખાઈ શકે નહિ કે હાલી ચાલી પણ ન શકે. તેમના શરીરને ગામ બહાર લઈ જઈને બાળી મૂકવામાં આવશે.” રાજચંદ્ર ચૂપચાપ સ્મશાને પહોંચ્યા અને મૃત શરીરને બળતું જોયું. તેઓ ઊંડા ચિંતનમાં પડી ગયા. અચાનક જાણે મન પરના પડળો ખસી ગયા અને પાછલા જન્મના ભવો યાદ આવવા લાગ્યા. એક જીવનથી બીજા જીવનના જન્મ મરણના ફેરાનો તેમને સાક્ષાત્કાર થયો. આ બનાવ તેમની આધ્યાત્મિક જાગૃતિનું નિમિત્ત બન્યો અને તેમણે કર્મના બંધન તથા દુઃખ અને ભવબંધનના ફેરામાંથી જીવનને મુક્ત કરવાનું નક્કી કર્યું.
સાત વર્ષની ઉંમરે તેઓ નિશાળે ગયા. જોયેલું, સાંભળેલું કે વાંચેલું અક્ષરશઃ યાદ રાખવાની તેમની આગવી શક્તિના બળે શાળાનો સાત વર્ષનો અભ્યાસ લગભગ બે વર્ષમાં પૂરો કર્યો. ગામની શાળામાં તો સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી તેમના શાળાકીય શિક્ષણનો અંત આવ્યો. પણ તેમણે પોતાની જાતે ચોપડીઓ વાંચીને શીખવાનું ચાલુ રાખ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે તેમના પિતાનો ધંધો પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરવા માંડ્યો. એમણે આઠ વર્ષની ઉંમરે પ્રથમ
જૈન કથા સંગ્રહ
( 137
Page #2
--------------------------------------------------------------------------
________________
સમકાલીન જૈન વિભૂતિ
કાવ્ય રચના કરી પછી તેમણે સામાજિક બનાવોને સ્પર્શતા કાવ્યો લખ્યા અને તે કાવ્યો સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા. ઉંમરમાં નાના હોવા છતાં તેમણે સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળલગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
ઘણી નાની ઉંમરે ભવિષ્યમાં શું બનશે તે જોવાની અલૌકિક શક્તિ તેમને હતી. તેથી ઘણાં લોકોને આવી પડનારી તકલીફોમાં મદદ કરી હતી. ૧૮ વર્ષની ઉંમરે તેઓ નિષ્ણાત જ્યોતિષી બન્યા. તેઓ ચોપડીને ખાલી અડીને ઓળખી બતાવતા તથા રસોઈ ચાખ્યા વિના તેના સ્વાદ વિષે કહી શકતા. આવી બધી અસામાન્ય શક્તિઓના વિકાસની સાથે સાથે તેઓ પ્રાણીમાત્ર તરફ દયાળુ અને અહિંસાના ચુસ્ત આગ્રહી બન્યા.
કુટુંબ -
૨૦વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૮ માં (વિ. સં. ૧૯૪૪)માં રાજચંદ્રના લગ્ન ઝબકબેન સાથે થયા. ઝબકબેન રાજચંદ્રના ધંધાદારી ભાગીદાર શ્રી રેવાશંકરભાઈના મોટાભાઈ પોપટલાલ જગજીવનદાસની દીકરી હતાં. રાજચંદ્રને ચાર સંતાનો હતાં. બે દીકરા શ્રી છગનલાલ અને શ્રી રતિલાલ તથા બે દીકરીઓ શ્રીમતી જવલબેન અને શ્રીમતી કાશીબેન, શ્રીમદ્ ને મનસુખભાઈ નામે નાનો ભાઈ હતો.
૨૦ વર્ષની ઉંમરે (ઈ. સ. ૧૮૮૮) શ્રીમદ્ રાજચંદ્ર મુંબઈમાં હીરાના ધંધામાં ભાગીદાર થયા. ધંધાના તમામ વ્યવહારમાં તેઓ બિલકુલ નૈતિક, પ્રમાણિક અને દયાળુ હતા. ધંધાકીય સૂઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો. સત્ય માટેનું માન, નૈતિક મૂલ્યો માટેની પ્રીતિ તથા યોગ્ય હોય તે કરવાની મક્કમતાએ બીજાને પણ તેમ કરવાની પ્રેરણા આપી. ઈ. સ. ૧૮૯૯ (વિ. સં. ૧૯૫૫) માં ૩૧ વર્ષની ઉંમરે તેમણે ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈ લીધી.
એવધાન-શક્તિ – ૧૭ વર્ષની ઉંમરે શ્રીમદે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ જોયો જેને અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને બાવન અવધાન એક સાથે કરવા શક્તિમાન બન્યા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા મહાનુભાવોની હાજરીમાં તેમને અવધાનના પ્રયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. તેમણે ૧OO અવધાન (ક્રિયાઓ) સફળતાપૂર્વક કરી બતાવ્યાં જે શતાવધાનના નામે ઓળખાય છે. ૧૦૦ અવધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવી કે પાનાં રમવા, ચેસ રમવી, ઘંટના અવાજ ગણવા, ગણિતના સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવા, જુદા જુદા વિષયો પર કાવ્યો રચવા, અંગ્રેજી, ગ્રીક, લેટીન, એરેબિક જેવી ૧૬ જુદી-જુદી ભાષાઓના શબ્દો ગોઠવવા વગેરેનો સમાવેશ થતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે શ્રીમદે પ્રાથમિક શાળાના ગુજરાતી સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. આ એક માની ન શકાય તેવી મોટી સિદ્ધિ હતી, અને મુખ્ય સમાચાર પત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પાયોનીયરમાં તેમની સિદ્ધિની જાહેરાત થઈ. શ્રીમદ્રને પોતાની અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો કારણ કે જૈનધર્મના ધોરણો પ્રમાણે ત્યાં રહેવું અઘરું પડે અને આધ્યાત્મિક પ્રગતિનો પોતાનો મુખ્ય હેતુ માર્યો જાય. ૨૦વર્ષના થતાં થતાં તો તેમની કીર્તિ આખા ભારતમાં ફેલાઈ ગઈ, પણ તેમને સમજાયું કે પોતાની આગવી શક્તિને કારણે તેઓ જે મેળવી રહ્યા છે તે કેવળ સ્થૂળ લાભ જ છે જે તેઓનું ધ્યેય ન હતું. તેમણે આ બધી પ્રવૃત્તિ સદંતર છોડી દીધી. અને આત્મસંયમ, દુનિયાદારીના સુખોનો ત્યાગ, ચિંતનમનન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પર જ મનને સ્થિર કર્યું જેથી જન્મ-મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકાય.
(138
જૈન કથા સંગ્રહ
Page #3
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
શ્રીમદ્ રાજચંદ્રનું સાહિત્ય -
તેમના શરૂઆતના વર્ષોમાં શ્રીમદે કાવ્યો લખ્યાં અને સામાજિક સુધારણા માટે લેખો લખ્યાં, જેનાથી દેશપ્રેમ જાગૃત થાય. તેમણે ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતાં કરતાં જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
૧૬ વર્ષની ઉંમરે એમણે “મોક્ષમાળા’ લખી અને એનો જ સંક્ષિપ્ત ગ્રંથ 'ભાવના-બોધ' લખ્યો. જેનો સાહિત્યિક અર્થ ‘મુક્તિનો હાર’ એવો થાય. તેના નામ પ્રમાણે જ એ મુક્તિના માર્ગે જવાની સમજ આપે છે. તે સાદી સરળ ભાષામાં લખાયેલ છે પણ જૈનધર્મની સંપૂર્ણ માહિતી આપે છે. તેમણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ૧૦૮ પાઠની રચના કરી હતી.
અમદાવાદ પાસેના નડિયાદમાં તેઓ નિવૃત્તિ અર્થે રોકાયા હતા ત્યારે તેઓએ સ. ૧૯૫ર ના આસો વદ-૧ ના રોજ સાંજના સમયે
Rા
ie
શ્રી આત્મસિધ્ધિનું અવતરણ ગુસ્વાર સં. ૧૯૫ર નડિયાદ
આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરતા શ્રીમદ રાજચંદ્ર - ચિત્રમાં ડાબેથી શ્રી લઘુરાજસ્વામી,
શ્રી સોભામભાઈ અને શ્રી અંબાલાલભાઈ હાથમાં ફાનસ સાથે)
‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા શાસ્ત્રશિરોમણિ મહાકાવ્યની રચના કરી હતી. એક પવિત્ર સાંજે ફક્ત ૯૦ મિનિટમાં તેમણે આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૪૨ શ્લોકની રચના એકી બેઠક કરી હતી. શ્રીમદે આવું વિસ્તીર્ણ છતાં બધું જ સમાવી લેવાય તેવું કામ ટૂંકા સમયમાં કર્યું તે જ તેમની આધ્યાત્મિક શક્તિનો પરચો આપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય આત્માના છ શાસ્ત્રીય લક્ષણો છે – આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કર્તા છે, આત્મા કર્મોનો ભોક્તા છે, આત્માની કર્મથી મુક્તિ છે અને કર્મોથી આત્માની
જૈન કથા સંગ્રહ
( 139
Page #4
--------------------------------------------------------------------------
________________
સમકાલીન જૈન વિભૂતિ
મુક્તિના ઉપાય છે. તે જૈનધર્મના તત્ત્વજ્ઞાનને વિસ્તીર્ણ રીતે વર્ણવે છે અને જૈનધર્મનો અનેકાંતવાદ અન્ય ભારતીય દર્શનને કેવી રીતે સમાવી લે છે તે બતાવે છે.
‘અપૂર્વ-અવસર’ એ એમનું અતિ મહત્ત્વનું કાવ્ય છે. એ દૈવી કાવ્યમાં અંતિમ મુક્તિ માટેની આધ્યાત્મિક પ્રગતિના ૧૪ ક્રમશ: પગથિયાં વર્ણવ્યાં છે. અપૂર્વ-અવસર કાવ્યને મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમની પ્રાર્થનાની આશ્રમ ભજનાવલી ચોપડીમાં સમાવી લેવામાં આવ્યું છે. શ્રીમદ્દનું સંપૂર્ણ સાહિત્ય ૩૫ થી વધુ કાવ્યો તથા તેમના પરિચયમાં આવેલા મહાનુભાવોને લખેલા લગભગ ૯૫૦ પત્રોમાં સમાયેલું છે, જે ‘શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત' નામે ઓળખાય છે. તેમના લખાણમાં ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા જોવા મળે છે. કોઈ તેમના સાહિત્યમાં ઊંડા ઉતરીને જુએ તો જણાશે કે એમનું લખાણ આત્મસાક્ષાત્કાર દ્વારા મુક્તિનું ઉત્તમ સંભાષણ છે.
મહાત્મા ગાંધી શ્રીમદ્ રાજચન્દ્રના દૈવી ગુણોથી ભરેલા જીવનથી ખૂબ પ્રભાવિત હતા. તેમણે શ્રીમદ્ રાજચન્દ્રને પૂરા માન અને આદર સાથે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માન્યા હતા. જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના તેમના ખ્રિસ્તી તથા મુસ્લિમ મિત્રોએ તેમના ધર્મને અપનાવવા ખૂબ દબાણ કર્યું હતું. તેમણે માર્ગદર્શન માંગતો શ્રીમદ્રને પત્ર લખ્યો.
શ્રીમદ રાજચન્દ્ર તેમને પોતાનો હિંદુ ધર્મ જ આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ રહેશે તે સમજાવ્યું. ગાંધીજીએ ખૂબ જ આદરપૂર્વક શ્રીમદ્ વિશે પોતાની આત્મકથામાં લખ્યું છે, અને ઘણે પ્રસંગે તેમનો મહિમા વધારતી અંજલિ આપી છે, અને વારંવાર કહ્યું છે કે દયા અને અહિંસા વિશે એમને શ્રીમદ્ પાસેથી જ શીખવા મળ્યું છે. ગાંધીજીના જીવન પર શ્રીમદ્રનું આધ્યાત્મિક જીવન અને તેમના આધ્યાત્મિક લખાણે ટોલસ્ટોય અને રસ્કીન કરતાં વધુ અસર કરી છે.
આધ્યાત્મિક વિકાસ –
શ્રીમદ્ રાજચન્દ્રના જીવનમાં તેમના કોઈ આધ્યાત્મિક ગુરુ ન હતા. સાત વર્ષની ઉંમરે જયારે તેઓને પોતાની પાછલી જિંદગીના ભવ યાદ આવી ગયા ત્યારે ભગવાન મહાવીરસ્વામી સાથેનો તેમનો સમાગમ તેમને સ્પષ્ટ યાદ આવ્યો.
ઈ. સ. ૧૮૯૧ માં (વિ. સં. ૧૯૪૭) ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્રને સમ્યગુ દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો.
પોતાની પ્રગતિ સાધવા માટે ધીમે ધીમે દુન્યવી દુનિયાથી દૂર થઈ ધર્મગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા, સગુણો કેળવતા, દુનિયાના સુખોને ઓછા કરતા અને લાંબા સમય સુધી ધ્યાનમાં જ રહેતા. મહિનાઓ સુધી મુંબઈથી દૂર એકાંત જગ્યામાં જઈને રહેતા. શરૂઆતમાં પોતાના માર્ગમાં ઘણી મુસીબતો આવતી કારણ કે ઘર તથા ધંધા તરફની કેટલીક જવાબદારીઓ હજુ ઊભી હતી.
ઈ. સ. ૧૮૯૬ માં (વિ. સં. ૧૯૫૨) તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવીઠામાં ઘણાં મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. અને એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું.
તેઓ ધંધામાંથી ૩૧ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૯૯ માં (વિ. સં. ૧૯૫૫ માં) સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા. માતા પાસે સંસારને કાયમ માટે છોડીને સાધુ થવાની આજ્ઞા માંગી પણ પ્રેમ અને લાગણીને લીધે માએ ના પાડી. બે વર્ષ સુધી માને ઘણું દબાણ કર્યું અને તેમને આશા હતી કે મા સાધુ થવાની પરવાનગી આપશે પણ એ સમય દરમિયાન તેમની તબિયત બગડતી જતી હતી અને તે વધુને વધુ બગડતી ગઈ. ઈ. સ. ૧૯૦૧ માં ચૈત્ર વદ ૫ સં. ૧૯૫૭ માં ૩૩ વર્ષની નાની ઉંમરે રાજકોટમાં એમનું અવસાન થયું. '
140
જૈન કથા સંગ્રહ
Page #5
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
અનુયાયીઓ –
શ્રીમદે તેમની આધ્યાત્મિક જિંદગી બધાથી અંગત રાખવા પ્રયત્ન કર્યો હતો છતાં તેમને ઓળખી જનાર ઘણાં લોકો અંતિમ મુક્તિ માટે તેમને તેમના માર્ગદર્શક માનતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમના કેટલાક અંગત અનુયાયીઓ નીચે પ્રમાણે હતા.
શ્રી સોભાગભાઈ -
૯૫૦ પત્રોમાંથી ૩૫૦ પત્રો તો શ્રીમદ્ રાજચંદ્ર શ્રી સોભાગભાઈને જેઓ તેમનાથી ૪૦ વર્ષ મોટા હતા તેમને લખ્યા હતા. પહેલી જ મુલાકાતમાં સોભાગભાઈએ શ્રીમદ્રને આત્મજ્ઞાની માણસ તરીકે ઓળખ્યા હતા અને તેમને સાચા ગુરુ માન્યા હતા. તેઓ વર્તનમાં બહુ સાદા હતા અને ભક્તિમાં ખૂબ જ ગંભીર હતા. તેઓ રાજકોટ નજીક આવેલા સાયલાના રહેવાસી હતા. એમની વિનંતીને માન આપીને શ્રીમદે ગેય મહાકાવ્ય આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. જેથી તે યાદ કરવું ખૂબ સરળ બને. તેમણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમાધિ અવસ્થામાં જ તેમનું મૃત્યુ થયું.
શ્રી લઘુરાજ સ્વામી –
શ્રી લઘુરાજ સ્વામી સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમદ્રના ઘણાં ભક્તોમાંના એક અનુયાયી હતા. તેઓ સાધુ હોવાને કારણે સંસારી શ્રીમદ્ પ્રત્યેની ભક્તિના લીધે જૈન સમુદાય તરફથી તેમને ઘણાં મોટાં પ્રશ્નો ઉભા થયા હતા.
શ્રીમદ્ રાજચંદ્રની હાજરીમાં જ એમને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયેલું અને વડોદરાની નજીક અગાસ આશ્રમની તેમણે સ્થાપના કરેલી. શ્રીમદ્ રાજચંદ્રના બધા લખાણો સાચવવાનો અને મોટા પાયે લોકો સુધી પહોંચાડવાનો જશ આ આશ્રમને જાય છે. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ માટે અગાસ મહત્ત્વનું સ્થાન છે. આજે પણ ભારતમાં અને ભારતની બહાર શ્રીમદ્ રાજચંદ્રના પચાસ કરતાં પણ વધુ આશ્રમો છે. જ્યાં શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ ભક્તિ કરે છે. અને શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કરે
છે.
શ્રી અંબાલાલભાઈ –
ખંભાતના રહેવાસી શ્રી અંબાલાલભાઈ એકનિષ્ઠ શિષ્ય હતા. જેઓએ પોતાની ઝળહળતી વકીલાત શ્રીમદ્ રાજચંદ્રની સેવા માટે છોડી દીધી. શ્રીમદ્ રાજચંદ્ર તેમને તેમની અસામાન્ય યાદશક્તિને કારણે ધર્મગ્રંથોની નકલ કરવાનું તથા પોતાના પત્રોના ઉતારાનું કામ સોંપ્યું હતું. તેઓ અને શ્રીમદ્ રાજચંદ્રના નાના ભાઈ મનસુખભાઈ શ્રીમદ્ રાજચન્દ્રના પત્રો, સાહિત્ય ભેગું કરતા અને તેને છપાવવાનું કામ સંભાળતા. શ્રીમદ્ પછી ચાર વર્ષે ઈ. સ. ૧૯૦૫ (વિ. સં. ૧૯૬૧) માં અંબાલાલભાઈને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સમાધિ અવસ્થામાં જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા.
શ્રી જૂઠાભાઈ –
શ્રીમદ્ રાજચંદ્રના દૈવીતત્ત્વને પીછાણનાર સૌ પ્રથમ જૂઠાભાઈ હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. તેઓના સંબંધો ગાઢ હતા. જૂઠાભાઈ ઈ. સ. ૧૮૯૦ (વિ. સં. ૧૯૪૬) માં ૨૩ વર્ષની નાની ઉંમરે શ્રીમદના આશ્રયે પોતાનું આત્મકલ્યાણ સાધી સમાધિ મૃત્યુને વર્યા.
શ્રીમદ્ રાજચંદ્રનો ઉપદેશ અને તેમનું પ્રદાન -
શ્રીમદ્ રાજચંદ્રનું તમામ સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત છે. તેમણે આ ઉપદેશ કાવ્ય અને ગદ્યના રૂપમાં
જૈન કથા સંગ્રહ
0 141
Page #6
--------------------------------------------------------------------------
________________
સમકાલીન જૈન વિભૂતિ
સરળ ગુજરાતી તથા હિંદી ભાષામાં રજુ કર્યો છે. આપણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણોનો ઊંડો અભ્યાસ કરીશું તો જણાશે કે તેમણે સાચી આધ્યાત્મિકતાને નવો પ્રકાશ આપવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અંધ વિશ્વાસ દૂર કરી સાચી આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં તેઓ સફળ પણ થયા હતા.
| ( હતા. ક્ષર )
શ્રીમદ રાજચંદ્ર
બાહ્ય વર્તન અને પહેરવેશ પરથી જ કોઇને ગુરુ માનવા તે ભૂલ છે એવું લોકોને સમજાવ્યું. આ જ તેમનું મોટું યોગદાન હતું. આધ્યાત્મિક સફર અયોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા થતાં શિષ્ય જિંદગીના ચક્ર વધારીને દુ:ખ અને પીડા જ પામે છે.
તો બીજી બાજુ સાધક સદ્ગુરુ દ્વારા અપાતા ઉપદેશને જાણીને, સમજીને સાચી સ્વતંત્રતા અને મોક્ષ મેળવી શકે છે.
142
જૈન કથા સંગ્રહ
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ રાજચંદ્ર
(૧) નૈતિકતા
સારી રીતભાત, સારી પ્રવૃત્તિઓ અને સારી વર્તણૂંક પવિત્રતાનું મૂળ છે.
દરેક જીવંત વ્યક્તિ સમાન છે. તેથી કોઈ આત્માને દુઃખ ન પહોંચાડો. દરેક આત્માની ક્ષમતા અને તાકાતથી વધુ કામ ન લેવું.
(૨) માનવજીવન
જીવંત અસ્તિત્વ ધરાવતા તમામ જીવ કાયમી સુખને ઝંખે છે. એમાં કોઈ અપવાદ નથી. આ ઇચ્છા કેવળ માનવ જીવનમાં જ પૂર્ણ કરી શકાય. છતાં માનવી દુ:ખની જ પસંદગી કરે છે. મોહનીય કર્મના ઉદયને કારણે તે દુન્યવી ઇચ્છાઓ અને માલિકીપણામાં સુખ જુએ છે જે ખરેખર તેનો ભ્રમ છે.
(૩) દુન્યવી સુખોથી વિમુખ થવું - વૈરાગ્ય
દુન્યવી અને ભૌતિક સુખો તથા કૌટુંબિક સંબંધોથી વિમુખ થવું તેને વૈરાગ્ય કહે છે. જે શાશ્વત સુખ માટે ખૂબ જ મહત્ત્વનું છે. સાચો ત્યાગ આત્માના સાચા જ્ઞાનથી જ પ્રગટે છે. તે વિના આત્મજ્ઞાન મળવું અસંભવ છે. કોઈ સર્વસ્વ ત્યાગમાં જ અટકીને આત્મજ્ઞાનની ઇચ્છા જ ન રાખે તો તેનો માનવઅવતાર વેડફાઈ જાય છે.
(૪) જ્ઞાન અને ડહાપણ
યોગ્ય જ્ઞાન દ્વારા આપણે દુનિયાના પદાર્થોના ગુણ અને બદલાતા પર્યાય જાણી શકીએ છીએ. જૈન ધર્મગ્રંથ 'ઉત્તરાધ્યયન સૂત્ર'માં કહ્યું છે કે “જ્ઞાન એ દોરો પરોવેલી સોય (સસૂત્ર) જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેવી જ રીતે ધર્મને રસ્તે ચાલનાર જ્ઞાની મનુષ્ય (સસૂત્ર) આ દુનિયામાં ખોવાતો નથી.” સાચું જ્ઞાન એ જ છે જે બાહ્ય લાગણીઓ પર કાબૂ રાખે, કુટુંબ જીવન તથા દુનિયાના સુખો તરફનો લગાવ ઘટાડે, અને સાચું સત્ય પ્રગટાવે. જો તમે તમારી જાતને જાણો તો આખા જગતને જાણી શકો. પણ જો તમારી જાતને ન જાણો તો તમારું જ્ઞાન અર્થહીન છે.
ઉપસંહાર –
શ્રીમદ્ રાજચંદ્ર મહાન સંત હતા, અને આત્મસાક્ષાત્કાર પામેલ ગુરુ હતા. આગવા શિક્ષણવિદ્ હતા, જન્મજાત કવિ હતા, તેમની યાદશક્તિ અદ્વિતીય હતી, સમાજસુધારક હતા, અહિંસાના ઉપાસક અને પ્રચારક હતા, અને સર્વધર્મ પ્રત્યે સમભાવવાળા હતા.
બીજા મહાન પુરુષોની જેમ જ શ્રીમદ્ રાજચંદ્રની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા. કારણ કે તેમણે જૈન સમાજની યોગ્ય સમજ અને હેતુરહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ એમની મહાનતાની પિછાણ લોકોને થઈ. આધ્યાત્મિક વિકાસ અને આખરી મોક્ષ માટે જીવનમાં સદ્દગુરુની જરૂરિયાત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો.
શ્રીમદ્ હંમેશા માનતા હતા કે તેઓએ દીક્ષા ગ્રહણ કરેલ ન હોવાથી મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે તેઓ અધિકારી નથી. તેથી પોતાનામાં વિશાળ જ્ઞાન હોવા છતાં તેઓ લોકોને ઉપદેશ આપતા નહિ. તેમને આશા હતી કે પાછલી જિંદગીમાં તેઓ સાધુ બનશે અને યોગ્ય સમય આવ્યે જૈન સમુદાયને યોગ્ય ઉપદેશ આપશે. જૈનધર્મમાં પ્રવેશેલા અયોગ્ય ક્રિયાકાંડને તિલાંજલિ આપવા સમજાવશે.
જૈન કથા સંગ્રહ
( 143
Page #8
--------------------------------------------------------------------------
________________ સમકાલીન જૈન વિભૂતિ શ્રીમદ્ રાજચંદ્રનું પોતાના અંગત સત્સંગી પ્રત્યે લખેલું લખાણ તથા વ્યક્તિગત ટિપ્પણીમાં જૈનધર્મનું સત્ત્વ જોવા મળે છે. પત્ર, નિબંધ અને કાવ્યો તથા મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને બીજા ઘણાં આધ્યાત્મિક લખાણો તેમની અમૂલ્ય ભેટ છે. ટૂંકમાં 33 વર્ષની ઉંમર દરમિયાન તેમણે શાશ્વતનો મહિમા સમજાવતો આધ્યાત્મિક સંદેશ આપ્યો. ભગવાન મહાવીરના ઉપદેશને સરળ વાણીમાં સમજાવ્યો. તેમનો આ ઉપદેશ સામાન્ય માનવી સહેલાઈથી મેળવી શકે છે. આપણને સાચા આત્મસાક્ષાત્કાર પામેલા માનવીને સમજવાની અદ્વિતીય તક તેમના લખાણો દ્વારા પ્રાપ્ત થઈ છે. 144 જૈન કથા સંગ્રહ