Page #1
--------------------------------------------------------------------------
________________
ર૭. પ્રાર્થના અને સફળતા
शिवमस्तु सर्वजगतः, परहितनिरता भवन्तु भूतगणाः । दोषाः प्रयान्तु नाशम्,
सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ ઉપર લખેલ પદ્ય એક સર્વસામાન્ય પ્રાર્થનાનું પદ્ય છે. આ પ્રાર્થના પ્રત્યેક મનુષ્ય બોલી શકે છે–પછી તે બોલનાર હિંદુ હોય, શીખ હોય, પારસી હોય, બૌદ્ધ હોય, જૈન હોય, શૈવ હોય, વૈષ્ણવ હોય,
સ્વામિનારાયણ હોય, આર્યસમાજી હોય, ખ્રિસ્તી હોય, મુસલમાન હોય કે ગમે તે ધર્મ ના સંપ્રદાયના અનુયાયી હોય.
તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ પ્રાણીઓ એકબીજાનું ભલું કરવા તત્પર બનો, દોષો તમામ દૂર થાઓ અને તમામ સ્થાનોમાં રહેનારા લોકો સુખી થાઓ.” આવી ભાવના આ પ્રાર્થનામાં છે. આ ભાવના કોણ પસંદ નહીં કરે ? જો પ્રાર્થના મનસા, વાચા અને કર્મણા થાય તો જરૂર સફળ થાય; એટલું જ નહીં, પણ એવી પ્રાર્થના પૂરેપૂરી સફળ થાય અને પ્રાર્થનામાં જે જે માગણી કરવામાં આવેલી છે તે બધી જ અક્ષરેઅક્ષર જરૂર સફળ જ થાય. ઘણા લોકો ઉપર કહેલી તેવી પ્રાર્થના તો રોજ કરતા હોય છે, છતાં તેઓ નિરંતર ફરિયાદ કરતા હોય છે કે “ભગવાન અમારી પ્રાર્થના સાંભળતો નથી, અમારી પ્રાર્થના ઉપર મુદ્દલ ધ્યાન આપતો નથી, એ બાબત કયાં જઈને ફરિયાદ કરવી ?” આવી પ્રાર્થના કરનાર કેટલાક વેપારીઓમાંના એક જણે પોતાના એક ધર્મગુરુને કહ્યું કે “સાહેબ ! હું રોજ સવાર-સાંજ ઉપર લખી તેવી પ્રાર્થના કરતો રહું છું, છતાંય મારા ઘરમાંથી મંદવાડ ખસતો નથી એનું શું કારણ હશે?” ધર્મગુરુએ તેને જવાબ આપ્યો કે “ભાઈ ! તમે રોજેરોજ ખરેખર ઉપર લખેલ છે તેવી અક્ષરેઅક્ષર શુદ્ધ ભાષામાં કદાચ
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના અને સફળતા • ૨૧૭ પ્રાર્થના નહીં કરતા હો.” પ્રાર્થના કરનાર ભાઈ કે બહેને પોતાના માન્ય ગુરુજીને હાથ જોડીને અતિશય નમ્રતા સાથે જવાબ આપ્યો કે, “સાહેબ, અમે રોજ રોજ ઉપર લખેલી પ્રાર્થના અક્ષરેઅક્ષર શુદ્ધ રીતે બરાબર કરીએ છીએ; એટલું જ નહીં, પણ અમારા દરેકનાં ઉચ્ચારણો બરાબર શુદ્ધ રીતે જ બોલાય એ માટે અમે માસિક અઢીસો રૂપિયા ખર્ચીને એક પંડિતને પણ રોકેલ છે, જેઓ અમારાં ઉચ્ચારણો બરાબર રોજેરોજ સાંભળે છે અને કહે છે કે
ભાઈ ! તમારાં ઉચ્ચારણો ઘણાં જ શુદ્ધ છે અને તેમાં હ્રસ્વદીર્ઘ ઉચ્ચારણની પણ જરા જેટલી ખામી નથી. એટલે આમ રોજેરોજ પ્રાર્થના કરવાથી તમે જરૂર સુખી થશો અને કોઈ અપૂર્વ લાભને જરૂર મેળવશો.' ' પંડિતે કહેલી એવી વાત પોતાના ગુરુજીને કહી રહેલ છે.
આમ વાત થાય છે ત્યાં આ પ્રાર્થના કરનાર વ્યક્તિનો એક પડોશી ત્યાં આવી ચડ્યો અને તેણે પ્રાર્થના કરનારાના ધર્મગુરુની સમક્ષ જ પેલાને જોરથી પકડીને પૂછ્યું કે “ભાઈસાહેબ ! આપણી વચ્ચે એક પડોશીનો નાતો છે. એ નાતાને લીધે તમારે ત્યાં વિવાહ હતો ત્યારે મેં મારે સગે હાથે તમે માગ્યા ત્યારે પાંચસો રૂપિયા ઉછીના આપેલા છે. લખત-પતર તો નથી અને વિવાહ તો પતી ગયા અને તમે વિવાહિત કરેલી કન્યાને અઘરણી પણ આવી અને હવે તે આ નજીકના દવાખાનામાં પ્રસૂતિ માટે પણ જશે. છતાં ભાઈસાહેબ, તમે મારી રકમ મને પાછી આપવાનું હજી સુધી વિચારતા પણ નથી. ભાઈસાહેબ, હું તો માગી માગીને થાક્યો, હવે આ મારી છેલ્લી માગણી છે. જો ત્રણ દિવસની અંદર મારી રકમ પાછી નહીં આપો તો જોયા જેવી થશે. તમારી ફજેતી થશે અને તમારી આબરૂના કાંકરા થશે. આ તમારા ધર્મગુરની સાક્ષીએ તમને મારી આ છેલ્લી ચેતવણી આપવા હું આ સ્થળે આવેલ છું.”
પોતાના પડોશીની આ વાત સાંભળતાં જ પેલો રોજ પ્રાર્થના કરનાર ભાઈ તાડૂક્યો અને બોલ્યો કે “અલ્યા ! તું કોને ગળે પડે છે? જા, જા, તારે થાય તે કરી લે. રૂપિયા કેવા અને વાત કેવી ?” આ બધું સાંભળી પેલા ધર્મગુરુ તો સડક થઈ ગયા. પેલો માગણી કરનાર પોતાની વાત કહીને ચાલતો થયો એટલે ધર્મગુરુએ પેલા રોજ પ્રાર્થના કરનારને પૂછ્યું કે “આ શું છે ? આ માગણીવાળો તમારો પડોશી ખરી વાત કરે છે કે ખોટી ?” પેલા ભાઈએ પોતાના ધર્મગુરુને જણાવ્યું કે “સાહેબ ! તમે આ દુનિયાદારીની વાતમાં શા માટે માથું મારો છો? તમે તો સંસાર છોડીને સંન્યાસી સાધુનાં
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૧૮ • સંગીતિ કપડાં પહેર્યા છે; એટલે તમારે આવી ખટપટમાં શું કરવા પડવું જોઈએ?” આ વાત સાંભળી ધર્મગુરુએ પોતાના ઉપાસકને સ્પષ્ટ શબ્દોમાં સંભળાવી દીધું કે “ભાઈ ! દાળમાં જરૂર કાંઈ કાળું છે. માટે તમે આ ધર્મસ્થાનમાં આવવા લાયક નથી અને હું તમને જણાવી દઉં છું; એટલું જ નહીં, ચેતવી દઉં છું કે જયાં સુધી તમારી દાનત ચોખ્ખી ન થાય અને વ્યવહાર નિર્દોષ ન થાય ત્યાં સુધી તમે મારી પાસે આવશો નહિ અને આવી બૂરી દાનત રાખીને તમે ઉપર જણાવેલ પ્રાર્થના રોજરોજ દસ વાર કરો તો પણ તમને કોઈ ફાયદો થવાનો નથી. એટલું જ નહીં, તમે ખોટી દાનત રાખીને કોઈના પૈસા ઓળવશો તો યાદ રાખજો કે તમે કદી સુખી નહીં થઈ શકો અને તમારા ઘરમાંથી મંદવાડનો ખાટલો પણ ખસશે શી રીતે ? તમે પ્રાર્થનામાં તો કહો છો કે “તમામ જગતનું કલ્યાણ થાઓ, તમામ જીવો પરસ્પર એકબીજાનું હિત કરવામાં તત્પર થાઓ, દોષમાત્રનો નાશ થાઓ અને તમામ લોકો સુખી થાઓ.” આવી પ્રાર્થના રોજ રોજ શુદ્ધ રીતે ચોખાં કપડાં પહેરીને તમે ભલે કર્યા કરો, પણ જયાં સુધી તમારી અંદરની દાનત ચોખ્ખી નથી અને બીજાના પૈસા પડાવી લેવાનું તમે મન રાખો છો, ત્યાં સુધી તમારું શુભ થાય એમ મને તો લાગતું નથી.”
પોતાના ધર્મગુરુની વાત સાંભળીને એ ભાઈ તો ભોંઠા પડી ગયા અને વીલે મોઢે ધર્મસ્થાનમાંથી પાછા ફર્યા. ઘેર આવીને જે પંડિતે તેમને કહેલું કે, “તમારા તમામ ઉચ્ચારણો બહુ જ શુદ્ધ છે, એથી તમને જરૂર લાભ મળશે જ" એ પંડિતને બોલાવવા પોતાના નોકરને મોકલ્યો. પંડિત તો તરતો તરત આવી પહોંચ્યો. એટલે એ પ્રાર્થના કરનારે પંડિતનો પણ ઊધડો લીધો અને કહ્યું કે “પંડિતજી ! તમે તો કહેતા હતા, કે “તમારા તમામ ઉચ્ચારણો અક્ષરેઅક્ષર શુદ્ધ છે. એટલે તમને જરૂર કોઈ અપૂર્વ લાભ મળશે જ. પણ આ મારા ધર્મગુરુ કહે છે કે તમે ગમે તેવાં શુદ્ધ ઉચ્ચારણો સાથે અને નાહીધોઈને ચોખ્ખાં કપડાં પહેરીને ભલે પ્રાર્થના કરતા રહો, પણ જ્યાં સુધી તમારી દાનત ચોખ્ખી નથી ત્યાં સુધી તમે ગમે તેવી ચોખ્ખી અને શુદ્ધ પ્રાર્થના ભલે કરો પણ તે દ્વારા તમને કોઈ લાભ મળશે નહીં એ યાદ રાખજો.” ” પંડિતજી કહે, “શેઠજી ! મારો પગાર ત્રણ મહિનાનો તો ચડી ગયેલ છે, અને આજે જ ચોથો મહિનો પણ પૂરો થઈ ગયો છે. એટલે કૃપા કરીને મારો ચડેલો પૂરો પગાર આપો તો મારે પણ ડૉક્ટરનું બિલ ભરવું છે તે ભરી શકું.” પેલા શેઠ કહે : “પંડિત, પગાર કેવો અને વાત કેવી ?” એમ કહીને પંડિતને ઘરમાંથી
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રાર્થના અને સફળતા ૦ ૨૧૯
બહાર ચાલ્યા જવાનું કહી શેઠજી તો ન્હાવણિયામાં બેસી ગયા અને નાહીધોઈને હંમેશાની ટેવ મુજબ ગાવા લાગ્યા કે,
शिवमस्तु सर्वजगतः परहितनिरता भवन्तु भूतगणाः ।
दोषाः प्रयान्तु नाशम्, सर्वत्र सुखिनो भवन्तु लोकाः ॥ " આ કથા માત્ર એકલા વેપારીને જ લાગુ પડતી નથી, પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા વકીલ-બૅરિસ્ટરો, મોટા મોટા વિદ્યાગુરુઓ, પ્રોફેસરો, યુનિવર્સિટીના સંચાલકો, વૈદ્યો, ડૉક્ટરો, કારીગરો તથા સાધુસંન્યાસીઓને પણ તેટલી જ લાગુ પડે છે. તથા પુસ્તકોના વેચનારાઓ અને પુસ્તકોને પ્રકાશિત કરનારી સંસ્થાઓ તથા રાજ્યવ્યવસ્થા કરનારા રાજપુરુષો તથા સરકારી તમામ નોકરો, પટાવાળાથી પ્રધાન સુધીના સત્તાવાળા લોકોને પણ તેટલી જ લાગુ પડે છે. તાત્પર્ય એ કે દાનત ચોખ્ખી રાખવા સાથે અને વ્યવહાર ચોખ્ખો રાખવા સાથે જો પ્રાર્થના થાય તો તો તેની સફળતાની બાબત શંકા રહેતી નથી. પણ પ્રાર્થના પૂર્વ દિશામાં ચાલે અને પ્રાર્થના કરનાર પશ્ચિમ દિશામાં ચાલે તો પ્રાર્થનાનું પરિણામ મોટા મીંડામાં જ આવે છે એ નિઃશંક વાત છે. વિશેષ સ્પષ્ટ શબ્દોમાં કહેવું હોય તો એમ જરૂર કહી શકાય કે મોટા મોટા ઉદ્યોગપતિઓ જે જે સામાન બનાવે છે તે સામાન બનાવવામાં જેટલી જેટલી વસ્તુઓ ભેળવવાની હોય અને ભેળવવા જેવી તમામ વસ્તુઓને ભેળવીને જનતાને ઉપયોગી, ટકાઉ અને ઉત્તમ સામાન બનાવવા તરફ જ તેમનું લક્ષ્ય હોય તો જ તેઓ વૈશ્યધર્મને આચરે છે એમ કહી શકાય.
46
1
આ રીતે ખીલેલા ગૃહઉદ્યોગો સાથે કરવામાં આવતી પ્રાર્થના, પૂજા કે બીજી ધર્મપ્રવૃત્તિ તેજસ્વી બનશે અને ખરા અર્થમાં ધર્મનું આચરણ ખીલશે અને ભાવિ પ્રજામાં ઉત્તમ સંસ્કારો પાડવાનું પણ અનાયાસે બનશે. આપણા વિદ્યાર્થીઓ જે જે શિક્ષણ મેળવે તે તમામ ગૃહઉદ્યોગોને અનુરૂપ હોવું જોઈએ. જ્યાં સુધી ગૃહઉદ્યોગોને પોષણ મળે એવું શિક્ષણ નહીં શરૂ થાય, ત્યાં સુધી આપણે આપણા અભ્યુદયની કે ધર્મના આચરણની પ્રવૃત્તિ ખરા અર્થમાં કરી શકવાના નથી જ. કાયદાપોથીમાં કાયદાઓ ગમે તેટલા સારા હોય, પણ જ્યાં સુધી તે કાયદાઓનો અમલ તેમના ખરા અર્થમાં ન થાય, ત્યાં સુધી આમજનતાનો અભ્યુદય વંધ્યાપુત્ર સમાન રહેવાનો. આપણે જોઈએ જ છીએ કે અસ્પૃશ્યતા-નિવારણનો કાયદો સંપૂર્ણપણે કાયદાપોથીમાં તો છે જ; એટલું
Page #5
--------------------------------------------------------------------------
________________ 220 * સંગીતિ જ નહીં, તે કાયદાને નહીં અનુસરનાર માટે દંડ તથા સજાની પણ જોગવાઈ કાયદામાં પડેલી છે. છતાંય આપણા સમગ્ર દેશમાં અને ખાસ ગુજરાતમાં હરિજનોની દશા વિશે છાપાઓમાં જે હકીકતો વારંવાર આવે છે, તે આપણે વાંચીએ જ છીએ. અમદાવાદની શહેર-સુધરાઈએ હરિજનોને માથે મેલું નહીં ઉપડાવવાનો નિર્ણય જાહેર કર્યો તે વાત છાપામાં આવી ગઈ છે એવો ખ્યાલ છે. પણ અમદાવાદ તળમાં હજુ સુધી શૌચ જવા માટે કેટલા વાડાઓ છે એ અંગે શહેર સુધરાઈએ કોઈ તપાસ કરેલ છે કે કેમ? આ અંગે જરૂરી તપાસ કરી એ બાબત જરૂરી પગલાં શહેરસુધરાઈ લેશે ખરી? આમ તો આપણે હરિજનસપ્તાહો ઊજવતા રહીએ છીએ, પણ આવા વાડાઓ અંગે હરિજનોને કોઈ તકલીફો છે ખરી, એ વાડાઓની સફાઈ માટે શું વ્યવસ્થા છે એવો વિચાર શહેરસુધરાઈને જરૂર આવવો જોઈએ, અને જ્યાં જ્યાં એવા વાડાઓ હોય તેની તપાસ કરીને તે બાબત નિકાલ આણવા ઘટતું જરૂર કરવું જોઈએ. કેટલાંક જૈનતીર્થોમાં એવા લેખો વાંચવામાં આવેલ છે કે “આ મંદિરમાં કોઈ હરિજન પ્રવેશ ન કરી શકે; એટલું જ નહીં, પણ સ્નાન કરીને ચોખ્ખો થયેલો તથા ચોખ્ખાં કપડાં પહેરેલો હરિજન પણ આ જૈન મંદિરમાં પ્રવેશ ન કરી શકે.” આવો લેખ શું કાયદેસર છે? અને ન હોય તો એવો લેખ કેમ ટકી રહ્યો છે? એ વિશે રાજયના વ્યવસ્થાપકોનું ધ્યાન ગયું છે ખરું? આમ કાયદા ખરેખર ઉત્તમ હોય, છતાં તેના અમલ બાબત સાવધાની ન હોય તો એવા સારા કાયદા હોય તોય શું અને ન હોય તોય શું ? એકંદર કહેવાનું તાત્પર્ય એ છે કે જયાં સુધી “શિવમસ્તુ સર્વજગતઃ” ઇત્યાદિ પ્રાર્થના અને એના જેવી બીજી પ્રાર્થનાઓ આપણે માત્ર શબ્દોથી રટ્યા કરતા રહીશું, પણ તેવી પ્રાર્થનાઓના આશય અનુસાર થોડુંઘણું પણ વર્તન નહીં કરીએ, ગામેગામ ઘરે ઘરે ગૃહઉદ્યોગનો વાસ્તવિક પ્રચાર ન થાય અને વેપાર કરનારા મોટા મોટા ઉદ્યોગપતિઓથી માંડીને તમામ વેપારીવર્ગ પોતાનો વૈશ્યધર્મ બરાબર ન પાળે અને શિક્ષણ ઉદ્યોગલક્ષી ન બને ત્યાં સુધી ઉપરથી ખુદ બ્રહ્મા આવે તો પણ આપણી આમજનતાનો અભ્યદય સુસંભવિત નથી અને આમજનતા સુખે રળીને રોટલો પામવાની નથી. આ માટે પૂ. ગાંધીજી જે માર્ગ બતાવી ગયા છે તે રસ્તે ચાલ્યા વિના છૂટકો જે નથી, જેટલું મોડું થશે તેટલું આપણી આમજનતાને શોષવાનું છે અને નુકસાન ભોગવવાનું છે. - સદાચાર નિર્માણ, ફેબ્રુ. - 1976