Page #1
--------------------------------------------------------------------------
________________
૨૬. પ્રાર્થના
પાંચ પચીસ ભાઈઓ અને બહેનો ટોળામાં મળીને ચાલ્યાં જતાં હતાં. ચાલતાં ચાલતાં પોતપોતાનાં સુખદુ:ખની વાતો કરતાં હતાં. એક બહેન બોલ્યાં : “નાનપણથી ગામડામાં ઊછરી છું, માતાપિતા ખૂબ મહેનતુ હતાં. જાતમહેનતે રોટલો રળતાં. અમે ચાર જણાં માતાપિતા અને અમે ભાઈબહેન. મારી મા અને હું સૂતર કાંતતાં અને મારો ભાઈ તથા પિતાજી કપાસ ખરીદી તેને તડકે સૂકવી પછી તેને લોઢતા, કપાસિયા જુદા પડતા અને એક તરફ રૂ ચોખ્ખું નીકળી પડતું. આટલું કર્યા પછી મારો ભાઈ પૂણીઓ બનાવતો અને અમે માદીકરી નિરંતર કાંત્યા જ કરતાં. આમ અમારા ગામમાં પાંચ-પચીસ જે ખોરડાં હતાં તે બધાં જ આ જાતનો ધંધો કરતાં અને સૌ સુખશાંતિથી પ્રસન્નતાપૂર્વક રહેતાં. અમારા કેટલાક ખોરડાંવાળા હાથશાળો રાખી વણવાનો ધંધો કરતા. આમ કાપડેય જેટલું તૈયાર થતું તે અમારા ગામમાં જ ખપી જતું. આ રીતે કાંતનારા, વણનારા અને વેજાના વેપારીઓ સૌ સુખશાંતિથી રહેતા. આમ જાતમહેનત તથા મજૂરી વડે અમો સૌ ભગવાનની કૃપાથી દાળ-રોટલો પામી સુખે સુખે રહેતા. અમે કાંતતાં તે કાંઈ બહુ ઝીણું નહીં, પણ વીસ-ત્રીસ નંબરનું ખરું. એમાંથી જે કપડું બનતું તે બહુ બારીક કે ઘણા ઓછા વજનનું નહીં બનતું, પણ ઠીક ઠીક પાતળું એટલે બહુ જાડું નહીં તેમ બહું ઝીણું નહીં અને વજનમાં પણ વિશેષ ભારે નહીં તેમ વિશેષ હલકું નહીં પણ પહેરનારાને ગમે તેવું તો ખરું જ. આ રીતે ગામ આખાના એકબીજાના સાથસથવારાને લીધે કોઈને ભૂખનું દુઃખ તો નહોતું રહ્યું અને ગામડાગામમાં ઘરે ઘરે દુઝાણું પણ ખરું. એટલે સૌ ગજા પ્રમાણે ઘી-દૂધ-છાશમાખણ વગેરે પામતાં અને શરીરે પણ તેજવાળાં અને બળુકાં પણ ખરાં. ખેડૂતો બળદો વડે ખેડ કરતા અને ગાયો ભેંસો તથા ઘોડા પણ રાખતા. પોતપોતાના ધંધામાં સૌ કાળજી રાખતા અને જેટલી બુદ્ધિ અને શક્તિ હતી તે બધી જ વાપરીને પોતપોતાનો ધંધો કરતા અને તેમાં થોડો થોડો સુધારો પણ થયા
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૧૪ • સંગીતિ
કરતો. આમ ગામ આખું બરકતમાં હતું, સંપ પણ ઘણો સારો અને દેવદર્શન, પૂજા, જાત્રા અને અતિથિની સેવા વગેરે પ્રવૃત્તિઓ પણ ચાલ્યા કરતી. પણ અમારે મન તો અમારું પોષણ કરનાર ધંધો એ મુખ્ય વસ્તુ હતી, અને તેમાં સચ્ચાઈ અને એકબીજાની હૂંફ એ જ અમારા જીવનનો મુખ્ય આધાર હતો. દળણું દળી લેતાં અને દુઝાણું હોય તો છાણવાસીદું પણ સૌ હાથોહાથ કરી લેતાં, ગામમાં બે એક ગોરજી રહેતા અને બે એક ભામણનાં ખોરડાં પણ ખરાં. અમારા છોકરાઓને ગોરજી હોંશે હોંશે “ૐ નમઃ સિદ્ધાય” મંડાવીને ભણતર શરૂ કરતા અને અમારા ખપજોગું છોકરીઓ ભણતાં ભણતરનું ખરચ ખાસ કાંઈ નહીં. ગોરજીનો અપાસરો તો હતો જ, તેમાં અમે સૌ વારાફરતી સફાઈનું કામ કરી આવતા અને ગોરજી બે વાતો અમારા હિતની, પરમેશ્વરના ઘરની ઘડી બે ઘડી કહેતા તે સાંભળતાં અને એ વાત પણ અમારા ધંધાને ખૂબ ટેકો આપે એવી અને અમારા એકબીજાના સાથસથવારાને પોષણ આપે એવી જ રહેતી. અમે કેટલાક હિંદુ લોકો અને કેટલાક મુસલમાન લોકો એ વાતો સાંભળવા જતા. અમે એ વાત તો જાણતા પણ નહીં કે હિંદુ કે મુસલમાનનો ધરમ વિશેષ જુદો છે. અમે સૌ સરખો ધંધો કરતા અને રામરહેમાનને આશરે ગામ આખું ગહરી ખાતું, ભામણભાઈઓ આવુંભોળું વૈદું ભણતા. કોક વાર જ અમારે એવા ઉપાયની જરૂર પડતી. ગામના પંચે ઠરાવેલ રીતે ગોરજીબાપા અમારે સૌને ત્યાંથી વારાફરતી ભિક્ષા લઈ જતા અને ભામણભાઈઓ કુટુંબકબીલાવાળા હતા તેઓ રોજ લોટે આવતા, અને અમારામાંનું દરેક ઘર ભામણભાઈઓને હાથે દળેલ ચોખ્ખો લોટ આપતું. ખેડૂતો શાકપાંદડું જે મોસમમાં થતું તે આપતા, અને પંચના ઠરાવ પ્રમાણે તેમને લૂગડાંલત્તાં થાય તેટલું કપડું પણ પહોંચતું કરતાં. કોક વાર મુસલમાનભાઈના સાંઈબાબા આવતા તો તેમની પાસેથી પણ ખુદાના ઘરના બેચાર શબ્દો સાંભળેવા જતાં. આમ સૌ પોતપોતાની પ્રવૃત્તિમાં એકચિત્ત હતું. ગામની સફાઈ માટે પંચે હરિજનોને ગોઠવેલા. પણ પંચે ઠરાવેલું કે હરિજનો આપણા ભાઈઓ છે. કોઈ એને ટૂંકારે બોલાવી શકે નહીં. એની રોજી માટે પંચ અમારી પાસેથી અનાજ, કાપડ વગેરે ઉઘરાવી લઈને તેને બરાબર પૂરું પાડતું. મોચી, ચમાર, ઘાંચી, લુહાર અને સુથાર પણ અમારાં સૌનાં જરૂરી કામ કરી આપતા; પંચે તેમને રોજી બરાબર ગોઠવી દીધેલ. પંચે અમારી કમાણી ઉપર સૌ ભરી શકે એવો વેરો નાખેલ છે, એ વેરામાંથી તમામ કારીગર ભાઈઓ સુખે સુખે ગદરતા, અને ગામ આખું જાણે એકજીવ જેવું હોય એમ થઈને રહેતું. આમ અમારે તો
Page #3
--------------------------------------------------------------------------
________________ પ્રાર્થના 0 215 સત્યુગ જેવું હતું, સૌ સુખદુઃખમાં ભાગીદાર બનીને રહેતા. એટલે સુખનો એંકાર નહીં અને દુઃખની વેદના પણ નહીં. એવામાં એક દિવસ કોણ જાણે કેવું કમૂરતું હશે કે ગામમાં ખબર પડી કે આપણા ગામમાં વીજળી આવવાની છે. ગામના ડાહ્યા અને ગામ આખાનું સુખ વાંચતા લોકો ભેગા થયા અને આ વીજળી શા માટે આવે છે તેનો વિચાર કરવા બેઠા. તો માલૂમ પડ્યું કે વીજળી તો દળવાની ઘંટી, સિનેમા વગેરે વડે આપણને સુખી કરવા આવે છે. અમારા પંચે નક્કી કર્યું કે આપણે વીજળી નથી જોઈતી. દળવાનું તો અમે હાથે જ કરીએ છીએ અને અમારા ભવાનભાઈઓ તથા નાટક કરનારા નટ લોકો અને બજાણિયાભાઈઓ અમને પોતપોતાની કરામત બતાવીને ખુશ ખુશ કરી નાખે છે અને બદલામાં અમે એમને બેપાંચ મણ અનાજ આપીએ છીએ. જયાં સુધી એ લોકો ચોરામાં રહે ત્યાં સુધી વારાફરતી ઘરે ઘરે તેમને જમાડીએ છીએ. માટે અમારે વીજળીની જરૂર જ નથી. પણ અમે રહ્યા ગામડિયા અને વિજળી લાવનારા શહેરના લોકો હતા. એમણે કહ્યું કે તમે આમ જંગલી જેવા રહો તે સારું નહીં માટે જરા સમા પ્રમાણે તોરમાં આવો અને જીવતરનાં સુખ પણ ભોગવો. અમે લાચાર બન્યા, વીજળી આવી અને અમારા ધંધામાં વીજળી પડી. દળવાની ઘંટીઓ આવી, સિનેમા આવ્યાં અને કાંતવાનું પણ તથા વણવાજય વીજળીથી ચાલવા માંડ્યું. અરે ખેતી પણ વીજળીથી થવા માંડી. ગામડું મડદું થઈ ગયું. અમે પણ મડદાં જેવાં બની ગયાં અને અમારાં છોકરાં રખડું થઈ ગયાં, અમારા ગોરજીએ તથા ભામણભાઈઓએ ઘણી ના પાડી પણ એમનું સાંભળે કોણ? આ અમે નવરાધૂપ થઈ ગયા, વીજળીથી આંખો પણ બગડી, વીજળીની ઘંટીના લોટ ખાઈને મંદવાડ આવવો શરૂ થયો, ખાલી પડેલા બળદો બહાર જઈ વેચાવા લાગ્યા અને અમારાં બધાં ખોરડાં ધૂળધાણી થઈ ગયાં, વેપારીઓ પણ જોરમાં વધી ગયા અને એઓ પણ હેરાનહેરાન થઈ ગયા, જૂઠ વધી ગયું અને છેતરામણ કરનારા સોનાનાં ઘરેણાં પહેરીને અમારા ગામમાં આવવા લાગ્યા અને ગામડું બગડી ગયું. નવા નવા સંચા ખટપટવા લાગ્યા, ડૉકટરો પણ ભરાવા લાગ્યા. આમ અમે સૌ વીંખાઈ ગયા અને હવે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે “હે ભગવાન! ખુદા ! અમને અમારા દિવસો પાછા આપવા મહેરબાની કર. હવે ભગવાન અમારું સાંભળે ત્યારે ખરો”. - સદાચાર નિર્માણ, ઑગસ્ટ - 1975