Page #1
--------------------------------------------------------------------------
________________
૩૩. મુનિ શ્રી સંતબાલજી
ભૂમિકા : પ્રાચીન કાળથી ભારતમાં રાજયકર્તાઓનો વર્ગ દ્રષિમુનિઓનો આદર કરતો; તથા સત્ય, અહિંસા અને ન્યાયનીતિથી રાજય ચલાવીને પ્રજાનું પાલન કરતો. સંતોએ પોતાના આત્મકલ્યાણની સાથે સાથે સમાજના કચડાયેલા, ગરીબ, અભણ, વનવાસી વગેરે વર્ગોને તેમજ નારીસમાજને માર્ગદર્શન, પ્રેરણા અને વાત્સલ્ય આપ્યાં છે. આ વર્ગો સન્માનભર્યું જીવન જીવી શકે એ માટે સંતોએ તેમને મદદરૂપ થવું જોઈએ અને એ રીતે સમાજસેવામાં પ્રવર્તવું જોઈએ, એવી ગાંધીવાદી માન્યતા ધરાવનાર ગુજરાતના પ્રસિદ્ધ જૈન સાધુ શ્રી સંતબાલજી વીસમી સદીના એક વિશિષ્ટ લોકસંત થઈ ગયા.
જન્મ-બાલ્યકાળ : શ્રીમદ્ રાજચંદ્ર અને મહર્ષિ દયાનંદ સરસ્વતીને જન્મ આપનાર મોરબી તાલુકાના ટોળ ગામે સંતબાલજીનો જન્મ વિ. સં. ૧૯૬૦ની શ્રવણ સુદ પૂનમને દિવસે એક પ્રતિષ્ઠિત અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. ટોળ ગામ ટંકારાથી ચૂર માઈલ દૂર છે. તેમનું મૂળ નામ શિવલાલ, પિતાનું નામ નાગજીભાઈ અને માતાનું નામ મોતીબહેન હતું. માતા-પિતા પાસેથી અને મોસાળમાં બાળપણથી જ એમને
૨૨૮
Page #2
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી સંતબાલજી
૨૨૯
સેવા, ભક્તિ, નીતિમય જીવન અને પરોપકારના સંસ્કાર મળ્યા હતા. પાંચમે વરસે પિતાનું અવસાન થતાં, ગુજરાતી સાત ચોપડી સુધીનું શિક્ષણ મોસાળના ભક્તિપરાયણ વાતાવરણમાં લીધું અને તેર વર્ષની ઉંમરે માતુશ્રીને મદદરૂપ થવાના હેતુથી મુંબઈ કમાવા ગયા. ત્યાં તેઓ એફ. કે. મોદી એન્ડ સન્સ નામની પેઢીમાં માસિક પાંત્રીસ રૂપિયાના પગારથી નોકરીમાં રહ્યા. પ્રામાણિકતા, ખંત, બુદ્ધિકૌશલ અને નીતિપરાયણતાથી એમણે પારસી શેઠનું હૃદય જીતી લીધું; પણ પછીથી તેમના એક મુસ્લિમ મિત્રના કારણે એની પેઢીમાં રૂ. ૧૫૦– માં કામ કરવા લાગ્યા. નવા શેઠે તેમના પર પૂરો વિશ્વાસ મૂક્યો અને ભાગીદારીનું નક્કી કર્યું; પણ એમનું હૃદય નો સત્સંગ ઝંખતું હતું.
આ અરસામાં ગાંધીવિચારોને અપનાવનાર સુધારક જૈન સાધુ શ્રી નાનચંદ્રજી મહારાજનું મુંબઈમાં આગમન થયું. તેમનાં વ્યાખ્યાનો યુગધર્મ મહાવીર અને ગાંધીજીના ધર્મકાર્યનો સમન્વય કરનારાં હતાં. એ સાંભળી એમનામાં દીક્ષાનો ભાવ પ્રગટટ્યો. માતુશ્રીની ચિરવિદાય પછી બહેન તથા અન્ય કુટુંબીઓની રજા મેળવીને મોરબીમાં શ્રી નાનચંદ્રજી મહારાજને હસ્તે દીક્ષા લેવાની તેમની ઇચ્છા હતી. મોરબી રાજયમાં તે વખતે જૈન મુનિઓની દીક્ષા પર પ્રતિબંધ મૂકતો કાયદો હતો. પરંતુ શ્રી નાનચંદ્રજી મહારાજના પ્રવચનમાં ઉપસ્થિત રહેલા મોરબીના મહારાજા દીક્ષાનાર્થી શિવલાલની તેજસ્વિતાથી પ્રભાવિત બન્યા; અને પ્રતિબંધ દૂર કર્યો. સને ૧૯૮૫ના પોષ સુદ આઠમને દિવસે વિશાળ જૈન-જૈનેતર સમુદાયની હાજરીમાં ઉલ્લાસ અને ભક્તિના વાતાવરણમાં તેમની દીક્ષા સંપન્ન થઈ. આમ તેઓ ચિત્તમુનિ સાથે શ્રી નાનચંદ્રજી મહારાજના શિષ્ય થઈ, શિવલાલમાંથી મુનિ સૌભાગ્યચંદ્ર બન્યા અને પાછળથી સંતલાલ’ નામે પ્રસિદ્ધિ પામ્યા.
* શાસ્ત્ર-અભ્યાસ અને વિશિષ્ટ કૃતસાધના : દીક્ષા પછીનાં પાંચેક વર્ષમાં તો એમણે સંસ્કૃત, પ્રાકૃત, અંગ્રેજી, હિદી વગેરે ભાષાઓનો તેમજ ન્યાય, પ્રમાણ, તર્ક, સાહિત્ય વગેરેનો અભ્યાસ કરી લીધો. જૈન ધર્મનાં અનેક શાસ્ત્રોનો તથા દુનિયાના મુખ્ય મુખ્ય ધર્મોનાં શાસ્ત્રોનો અભ્યાસ પૂરો કરીને તેમણે પંડિતોને અને ગુરુ નાનચંદ્રજીને ચકિત કરી દીધા. તેઓ શતાવધાની પણ બન્યા. અજમેરના સંમેલન પ્રસંગે ભારતના વિદ્વાનોએ તેમને “ભારતરત્ન'ની ઉપાધિથી નવાજયા.
પોતાની શ્રતસાધનાના ભાગરૂપે તેમણે આગમનાં ગંભીર રહસ્યોનું ચિંતન કરી ગુજરાતી સમાજને વિ. સં. ૧૯૮૯ થી ૧૯૯૪ ના કાળ દરમ્યાન ઘણું સાહિત્ય સમર્પિત કર્યું. ઉત્તરાધ્યયન, દશવૈકાલિક, આચારાંગ અને આવશ્યક આ ચાર મુખ્ય સૂત્રોને તેઓએ સરળ તથા સુંદર ગુજરાતી ભાષામાં પરિવર્તિત કરી મહાવીર પ્રકાશન મંદિર દ્વારા પ્રકટ કર્યા. પહેલાં બે સૂત્રોને તેઓએ પદ્યમય શૈલીમાં “સાધક–સહચરી' રૂપે રજુ ક્ય. છેલ્લાં વર્ષોમાં તત્ત્વાર્થસૂત્રનો ગુજરાતી પદ્યાનુવાદ રજૂ કરીને તેઓએ મૂળ આગમને ગુજરાતી સમાજ સુધી પહોંચાડવાની એક વિશિષ્ટ પ્રણાલિકાનું સુંદર અનુસરણ કર્યું. અને પોતાની અગાધ વિદ્વતા અને કવિત્વનો સહજપણે પરિચય કરાવ્યો.
Page #3
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન જૈન જ્યોતિર્ધરો
* એકાંત સાધના અને સંપ્રદાયથી અાગના : આ બધું કરવા છતાં તેમના આંતરમનની ઝંખના હજુ એકાંત સાધના કરવાની હતી, તેથી નર્મદાના પવિત્ર તટે તેઓએ એક વર્ષ સુધી સૌનકાઇૌનથી એકાંતવાસની સાધના કરી. સાધનાકાળ પૂરો થયે, જે કંઈ પ્રકાશ મળ્યો તેનાથી પ્રેરાઈને તેમણે એક નિવેદન પ્રકટ કર્યું. તેમાં તેમણે પોતાનાં, ધર્મદેષ્ટિએ સમાજરચનાના સ્વપર કલ્યાણમાર્ગના પથ પર ચાલવા માટેના કેટલાક પરિવર્તનકારી વિચારો પ્રગટ કર્યા. પરિણામે પોતે જે સંધમાં દીક્ષિત બન્યા હતા તે સંધે એમને સાધુ તરીકે અમાન્ય કરી બહિષ્કૃત કર્યા. પરંતુ મુનિશ્રી સંતબાલજી ભારતભરના સાધુસમાજમાં એક એવા સાધુપુરુષ હતા કે જે હજારો વર્ષોથી ખેડાયેલી આપણી ભારતીય સંસ્કૃતિમાંના યુગને અનુરૂપ એવા સારા અંશોનું સાતત્ય સાચવીને, વિકૃત અને બિનજરૂરી અંશોમાં પરિવર્તન કરવાની વિશિષ્ટ દૃષ્ટિ ધરાવતા હતા.
૨૩૦
સંધે ભલે તેમને અંબાડા બહાર ગણ્યા, પણ એમણે અપાર ધીરજ રાખી. તેઓ પૂરી આત્માદ્ધાથી જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને પોતાના સંપ્રદાયના સાધુજીવનના આચારવિચાર સાથેની દિનચર્યાનું પાલન કરતા રહ્યા. જૈન સાધુ તરીકે જ પાદવિહાર, ભિક્ષાચરી અને અપરિગ્રહ સાથે પોતાના નિર્ધારિત લક્ષ્ય તરફ તેઓ આગળ વધતો
જ રહ્યા.
સમાજસેવાના કાંતિકારી પ્રયોગો : એમની જીવનદૃષ્ટિ સમાજથી અલિપ્ત કે વિમુખ થઈ ધર્મસાધના કરવાની નહોતી. વ્યક્તિ સાથે સમાજનું અને સ્વ સાથે પરનું કલ્યાણ થઈ શકે એવી સમાજસાધનાના તેઓ પુરસ્કર્તા બન્યા. અખૂટ સંકલ્પબળના પ્રભાવવડે એમણે ગુજરાતના ભાલનળકાંઠા જેવા તદ્દન પછાત અને નપાણિયા પ્રદેશનાં ગામડાંઓમાં નવું ચેતન, નવો પ્રકાશ અને નવજાગૃતિનું ભારે મોટું મોજું ફેલાવ્યું.
ગરીબી, શોષણ, અન્યાય, અજ્ઞાન અને રોગથી ગ્રસ્ત તેમજ શાહુકારી અને જમીનદારી પ્રથાની ભીંસથી ઘેરાયેલી, વેઠપ્રથાથી ાસેલી, વહેમ અને રૂઢિપરંપરાથી જકડાયેલી તેમજ આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલી હતાશ જનતાની વચ્ચે તેમણે અત્યંત ધીરજ અને માતાના જેવા વાત્સલ્યભાવથી સેવાનું કામ કર્યું.
t
સકળ જગતની બની જનેતા વત્સલતા સહુમાં રૅડું.” એ પ્રાર્થનાની પંક્તિને સામુદાયિક પ્રાર્થનામાં વ્યાપક રીતે પ્રચલિત અને લોકભોગ્ય બનાવી. રચનાકાર્યનાં અનેક કેન્દ્રો ઊભાં કરવામાં પ્રેરકબળ બન્યા અને એમાં એમણે પ્રાણ પૂર્યા. ગામડું, પછાત વર્ગ અને નારીજાતિની અવહેલના દૂર કરી એમનું સ્વમાન અને ગૌરવ વધે તે માટે તેમને કેન્દ્રમાં રાખીને આ ત્રણેયને સંગઠિત કર્યાં.
સહકારી પ્રવૃત્તિ, નવી તાલીમનું શિક્ષણ, ખાદી અને ગ્રામોદ્યોગ, સુધારેલી ખેતી અને ગૌપાલન પંચાયતો, લવાદી પ્રથાની લોકઅદાલતો, શુદ્ધિપ્રયોગ સમિતિઓ, માતૃસમાજો, ઔષધાલયો, પ્રાયોગિક સંધો, ખેડૂત-મંડળો, ગોપાલક-મંડળો, શ્રમજીવી ગ્રામોદ્યોગ, મજૂરમંડળો એમ અનેક સંસ્થાઓ અને રચનાત્મક કાર્યોનાં ઠેકઠેકાણે ઘાણાં ઊભાં કરવામાં સંતબાલજીએ પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં.
Page #4
--------------------------------------------------------------------------
________________
મુનિ શ્રી સંતબાલજી
૨૩૧
પરાધીન ગામડાં રોટી, મકાન, કપડાં, શિક્ષણ, આરોગ્ય, ન્યાય અને રક્ષાગમાં સ્વાવલંબી બને તે માટે સંતબાલજીએ સપ્ત સ્વાવલંબનનો કાર્યક્રમ આપ્યો. શહેરો ગામડાંને પૂરક થાય તે માટે તેમણે શહેરી સમાજને ગ્રામાભિમુખ બનાવનારા અનેક ભરચક પ્રયાસો ક્ય
લોકશાહી શાસન વ્યવસ્થા, અહિંસક અને ધાર્મિક દૃષ્ટિએ સમાજચનાને પોષક હોવાથી લોકશાહીની શુદ્ધિ અને સંગીનતા માટે તેને પૂરક, પ્રેરક અને માર્ગદર્શક એવાં ચાલકબળો નિર્માણ કરવાના તેમણે ભગીરથ પ્રયત્નો કર્યા.
પોતાના શીલ, સંયમ અને તપના પ્રભાવથી દીન-હીન ગ્રામપ્રજામાં આશાનો સંચાર તથા શ્રદ્ધા-બળ પેદા કર્યા. ગ્રામપ્રજામાં પોને કંઈક કરી શકે તેમ છે તેવી આત્મશ્રદ્ધાનું બીજારોપણ કરી તેને બેઠી કરી, એટલું જ નહીં, પોતાને તુંબડે જ પોતે તરવાનું છે, એવી સભાનના પ્રગટાવીને ગ્રામ-જ્જનતાને પ્રારબ્ધવાદમાંથી બહાર લાવી પુરુષાથ અને પરાક્રમી બનાવી. ૪૫ વર્ષ સુધી આ પ્રદેશના પ્રજાના એ જ એક માત્ર પ્રેરક અને શ્રદ્ધેય પુરુષ તરીકે માર્ગદર્શન આપતા રહ્યા. એમની હૂંફથી અને એમની જ રાહબરી નીચે સ્થપાયેલી સંસ્થાઓની દોરવણી તળે સામાન્ય ગાણાના માણસોએ અસામાન્ય ગણાય એવાં કામો કર્યા. આમ આ પછાત પ્રદેશોમાં પ્રચંડ વેગથી નવી દૃષ્ટિનું નેતૃત્વ આગળ આવ્યું.
તેઓ વહેવારુ વાસ્તવિકતાની મર્યાદાઓ વીંધીને, તાત્કાલિક લાભહાનિનાં કાટલાંથી તોલવાની વણિક વૃત્તિથી પર રહીને, પરિસ્થિતિ-પરિવર્તન, વિચાર-પરિવર્તન અને હૃદય-પરિવર્તન માટે અચલ રહીને અવિરત ઝઝૂમતા જ રહ્યા.
પરિગ્રહ, પ્રાણ અને પ્રતિષ્ઠાને હોડમાં મૂકીનેય સામાજિક મૂલ્યોની રક્ષા માટે પોતાનું આખું જીવન એમણે ખર્ચી નાખ્યું. સમાજજીવનનું કોઈ પણ અંગ એવું નથી કે ધર્મદષ્ટિએ સમાજરચનાના એમના આદર્શો અને વિચારોથી જે અસ્પૃશય કે અલિપ્ત રહ્યું હોય. આર્થિક, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રાજકીય, ધાર્મિક, નૈતિક અને આધ્યામિક એમ દરેક ક્ષેત્રો એમણે નવી કેડીઓ પાડીને તે પર પ્રજાનો પદસંચાર કરાવ્યો. તેમણે અન્યાયનો હિંસક પ્રતિકાર અને સત્ય, ન્યાય તેમજ પ્રેમની પ્રસ્થાપના માટે સત્યાગ્રહના અભિનવ પ્રયોગો ક્ય. સામાજિક કલ્યાણ માટે તપશ્ચર્યાને સામાજિક
સ્વરૂપ આપ્યું. જૈન ધર્મની વ્યક્તિગત કર્મનિર્જરને તપ દ્વારા સામૂહિક કર્મનિર્જરાની દિશા ચીંધી. આમ સ્વરકલ્યાણના પથપ્રદર્શક તરીકે તેમણે એક નવું જ પ્રદાન કર્યું. તેઓશ્રી કહેતા કે સાધુસમાજે, નાતજાત, કોમ, પ્રદેશ કે ધર્મના ભેદભાવોથી ઉપર ઊઠીને વિશ્વશાંતિના હિતમાં સક્રિય બનવું જોઈએ.
દેશભરમાં પરિભ્રમણ કર્યા બાદ મુનિશ્રી સંતબાલજી પોતાની અંતિમ ભાવના પ્રમાણે મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં આવેલ ચિચણ મુકામે મહાવીરનગર-આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખડું કરવા માગતા હતા. આથી તેઓ સ્થિરવાસ કરીને ત્યાં જ રહ્યા અને છેવટે
Page #5
--------------------------------------------------------------------------
________________ 232 અર્વાચીન જૈન જ્યોતિર્ધરો ત્યાં જ કાળધર્મ પામ્યા. એ દિવસ હતો ૨૨મી માર્ચ, 1982 ને શુક્રવારનો. મહારાષ્ટ્રમાં ઘેર ઘેર જેનાં મંગલ વધામણાં થનાં હતાં એવા ગુડી પડવાના દિવસે સંતબાલજી સ્વધામ સિધાવ્યા. ભારતીય સંસ્કૃતિના કેટલાક મધ્યયુગીન સંતોની પરંપરાને અનુસરીને તેઓ સંતોના અનુજ સંતબાલ બન્યા અને પ્રજાને રામાયણ, મહાભારત, ભાગવતધર્મ, ગીના તેમજ મહાવીરની આગમવાણીને યુગાનુરૂપ બનાવી સંભળાવના જ રહ્યા. આમ સૌને સમાજોદ્ધારનાં કાર્યો કરવાની પ્રેરણા આપતા રહ્યા. તેઓશ્રી જન્મજાત કર્મયોગીના સંસ્કાર લઈને આવ્યા હતા તેથી ત્યાગમાર્ગનો સ્વીકાર કરીને પણ સ્વહિતની ભાવના સાથે નિ:સ્પૃહપણે લોકહિતનાં કાર્યોમાં મહાત્મા ગાંધીજીની વિચારધારાને અનુસરીને તેઓએ પ્રવૃત્તિ કરી. જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહીં” તે એમનો જીવનસંદેશ આપણે સદા સ્મરણમાં રાખીએ.