Page #1
--------------------------------------------------------------------------
________________
કેશ-લોચ
પર્યુષણ પર્વ આવે એટલે અનેક જૈન સાધુ-સાધ્વીઓ કેશલોચ કરે એટલે કે પોતાના મુખ-મસ્તક પરના વાળ ખેંચીને કાઢી નાખે.
કેશ એટલે વાળ. સંસ્કૃતમાં જે કેટલાક એકાક્ષરી શબ્દો છે તેમાં ‘કુ’ શબ્દના પણ જુદા જુદા અર્થ થાય છે. ‘ક’નો એક અર્થ થાય છે ‘માથું’. ‘કેશ’ એટલે માથા પર જે રહેલા છે તે વાળ. જે શેતિ કૃતિ ઠેશ ! –– એમ કહેવાય છે. લોચ સંસ્કૃત શબ્દ છે. ‘લુચ્’ ધાતુ પરથી તે આવેલો છે. ‘લુંચ’ એટલે તોડવું, ઉખાડી નાખવું, ખેંચી કાઢવું, ‘કેશલોચ’ એટલે મુખ અને મસ્તક પરના વાળ ખેંચીને ઉખાડી નાખવાની ક્રિયા. એ માટે ફક્ત ‘લોચ' શબ્દ પણ રૂઢ થયો છે.
મનુષ્યના શરીરમાં વાળનું અનોખું સ્થાન છે. વાળ સતત વૃદ્ધિ પામે છે. એની વૃદ્ધિ નખની વૃદ્ધિ જેવી વરવી લાગતી નથી. વાળ શરીરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. વાળથી માણસ હોય તેના કરતાં વધુ દેખાવડો લાગે છે. વાળ મુખનું મંડન છે. સુસંસ્કૃત માનવજાતે કેશગૂંફણની અને કેશકર્તનની કલા ઘણી વિકસાવી છે. વાળના લાંબા કે ટૂંકા કદ દ્વારા વિવિધ કલા ખીલવી શકાય છે. સ્ત્રીઓના લાંબા કે ટૂંકા વાળ દ્વારા કેશકલાપનો ઘણો વિસ્તાર થયો છે. કુદરતી વાળવાળી વિગ-(Wig)ની સગવડ પછી તો એક વ્યક્તિના વાળ બીજી વ્યક્તિને કેવા કામ લાગે છે અને માણસ પોતાનું કુદરતી રૂપ કેટલું ફેરવી શકે છે તે જોવા મળે છે. એટલે જ ફક્ત વાળના પણ વિવધ વ્યવસાયો દુનિયામાં વિકસ્યા છે. વાળ કાઢી નાખવા, વાળ વધતા અટકાવવા, વાળ વધારવા, વાળના રંગ બદલવા, વાળથી થતા રોગો નિવારવા કે તેના ઉપચાર ક૨વા – એમ વાળની માવજત માટે પાશ્ચાત્ય દેશોમાં લૅબોરેટરીમાં સંશોધનો થતાં રહે છે. મનુષ્ય અને પ્રાણીઓના વાળનો ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જિનતત્ત્વ
મનુષ્યના શરીરમાં મસ્તક પરના વાળ સૌથી વધુ વધે છે. નાનું બાળક જન્મે છે ત્યારે મસ્તક ઉપર વાળ સાથે જન્મે છે, અથવા જમ્યા પછી તરત એના માથાના વાળ વધે છે. બાળકના શરીરના અન્ય ભાગો ઉપર વાળ હોતા નથી. સમય જતાં શરીર પર રુવાંટી થાય છે. કિશોરાવસ્થામાં મૂછ-દાઢી વગેરેના વાળ ઊગે છે, પણ તે બધામાં મસ્તક પરના વાળનું વધવું સૌથી ઝડપી હોય છે.
વાળ દેહલાવણ્યનું અંગ છે. વિવિધ પ્રસાધનો વડે અને વિવિધ પદ્ધતિએ વાળનું ગુંફન કરીને એ લાવણ્યને વધારી શકાય છે. પુરુષ કરતાં સ્ત્રી વાળથી વધુ આકર્ષક દેખાય છે. વાળની સરખી માવજત જો કરવામાં ન આવી હોય તો તેની રુક્ષતા ચહેરાની વિરૂપતામાં ઉમેરો કરે છે. અલબત્ત, એમાં અપવાદ હોઈ શકે છે.
સાધુ-સાધ્વીએ પોતાના શરીરનું આકર્ષકપણું પ્રયત્નપૂર્વક ટાળવાનું હોય છે. એટલા માટે મસ્તકમુંડનની, માથાના વાળા ઉતરાવવાની પ્રણાલિકા હિન્દુ, જૈન, બૌદ્ધ ધર્મમાં, ભારતીય સંતપરંપરામાં જોવા મળે છે. ગૃહસ્થોમાં પણ વાળ ઉતરાવવાની માનતા મનાય છે. સ્વજનના, વડીલના અવસાન નિમિત્તે પણ મુંડન કરાવાય છે.
મસ્તક ઉપર વાળ ન હોય અને જે હોય તેની જરા પણ માવજત કરવામાં ન આવી હોય તો લાવણ્યની દૃષ્ટિએ સાધુ-સાધ્વીઓમાંથી ગૃહસ્થ જીવનનું આકર્ષકપણું નીકળી જાય છે. કેશનું મુંડન, ગુંફન, પુષ્પાદિ અલંકારોથી સુશોભન રાગ જન્માવે છે, ચિત્તમાં વિકાર આણે છે. સ્વમુખનું પ્રતિબિંબ જોવાની લાલસા જાગે છે. કેશના અમુંડનથી કે મુંડનથી ચિત્તમાં ક્રમે ક્રમે નિર્વિકારતા આવે છે. આ નિર્વિકારતા બ્રહ્મચર્યના પાલનમાં સહાયરૂપ થાય છે. મુંડિત મસ્તક એ સંયમની શોભા છે. પરંતુ કેશલોચ દ્વારા મુંડિત થયેલું મસ્તક ઇન્દ્રિયો અને ચિત્તને વિશેષપણે વશ રાખે છે. કેશલોચ અહિંસા ધર્મના અને સંયમના પાલન માટે હેતુરૂપ થવા ઉપરાંત કર્મની નિર્જરાન હતુરૂપ બને છે.
ભારતીય સંસ્કૃતિમાં અત્યંત પ્રાચીન સમયથી શરીર પરના વાળ ન કાપવાની એક પરંપરા પણ ચાલી આવી છે. તાપસી પોતાના મસ્તક પરના વાળ જેટલા વધે એટલા વધવા દેતા અને લાંબા વાળની જટા બાંધતા. સામાન્ય ગૃહસ્થો કરતાં પોતે ભિન્ન છે અને કેશ-સુશોભનમાં પોતે રાચતા નથી એ
Page #3
--------------------------------------------------------------------------
________________
કેશ-લોચ
૧૪૯
એમની આ જટા પરથી દેખાઈ આવતું. આજે પણ ઘણા સાધુ-સંન્યાસીઓ જટા રાખે છે. પરંતુ જટા રાખનારે માથામાં જૂ, લીખ, ખોડો વગેરે ન થાય એની સતત કાળજી રાખવી પડે છે. સ્ત્રીઓ (શીખોમાં તો પુરુષો સુધ્ધાં) લાંબા વાળ રાખે છે, ચોટલો, અંબોડો ગૂંથે છે. પરંતુ તેમણે પણ બહુ સાવધ રહેવું પડે છે. એ માટે તેલ, સાબુ કે તેવાં ઔષધોનો ઉપયોગ પણ વખતોવખત કરવો પડે છે.
- સાધુ જ લાંબા વાળ રાખે તો વાળની વખતોવખત માવજત કરવાની જરૂર પડે. એ માટે સ્નાન કરવું પડે; તેલ-સાબુ વગેરેનો ઉપયોગ પણ જરૂરી બને. વળી માથામાં છૂ કે લીખ પડે અને તીવ્ર ખંજવાળ દિવસમાં ઘણી વાર આવે તો ચીડ, કંટાળો, ઉદ્વેગ, ગુસ્સો વગેરે અશુભ ભાવો અને સંકલેશ પરિણામો રહ્યા કરે. વારંવાર માથામાં ખંજવાળને કારણે સ્થૂલ કે સૂક્ષ્મ જીવહિંસા પણ થયા કરે. અહિંસાના મહાવ્રતનું અત્યંત સૂક્ષ્મ પાલન કરનારા, સ્નાનાદિ ક્રિયા ન કરનારા જૈન સાધુઓ એટલા માટે જ જટા રાખતા નથી, અને સમયે સમયે વાળનો લોચ કરે છે.
કેશલોચની પ્રથા દુનિયામાં એક માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. વ્યક્તિગત રીતે કોઈ પણ ધર્મની કોઈ કોઈ વ્યક્તિ કેશલોચ કરતી હોય તે જુદી વાત છે, પણ શાસ્ત્રની આજ્ઞા કે ધાર્મિક પરંપરા અનુસાર બધાં જ સાધુસાધ્વીઓ કેશલોચ કરતાં હોય તેવું માત્ર જૈન ધર્મમાં જ જોવા મળે છે. અસ્ત્રા કે કાતરથી મુંડન કરવાની પ્રથા વિભિન્ન નિમિત્તે કેટલાક ધર્મોમાં જોવા મળે છે. કેટલાક સંન્યાસીઓ નિયમિત મુંડન કરાવે છે; પણ પોતાના મસ્તક અને ચહેરા પરના વાળ આંગળીઓ વડે ખેંચીને કાઢી નાખવાની લોચની પદ્ધતિનો મહિમા અનોખો છે. સ્વાનુભવથી એની વિશેષ પ્રતીતિ થાય છે.
શું સંયમ ધારણ કરવા માટે અર્થાત્ સાધુ બનવા માટે મુંડાવવાની જરૂર ખરી ? મસ્તકનું મુંડન ન કરાવ્યું હોય છતાં માણસમાં સાધુના ગુણો ન હોઈ શકે ? હોઈ શકે. ભગવાન મહાવીરે કહ્યું છે કે મસ્તક મુંડાવવાથી માણસ મુનિ થઈ જતો નથી, પણ મુનિએ મસ્તક ન જ મુંડાવવું જોઈએ એવું પણ ભગવાને કહ્યું નથી.
જેમ મસ્તકના મુંડનની બાબતમાં તેમ વેશની બાબતમાં પણ કહી શકાય. સાધુનો વેશ ધારણ કરવા માત્રથી સાધુ થઈ જવાતું નથી. અન્ય પક્ષે વેશ ધારણ ન કર્યો હોય તેવી વ્યક્તિમાં પણ સાધુના ઉત્તમ ગુણો હોઈ શકે છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧પ૦
જિનતાને
તેમ છતાં સાધનો બાહ્ય વેશ અને મુંડન દ્વારા બાહ્ય દેખાવ સાધુજીવનને અવશ્ય ઉપકારક થાય છે. જોકે દંભી, ઢોંગી સાધુઓ માટે કહેવાય છે :
શિરમુંડનમેં તીન ગુણ, મિટ જાને શિરકી ખાજ !
ખાનેકો લડુ મિલે ઔર લોક કહે મહારાજ || આંતર અને બાહ્ય દેખાવની એટલે કે સમગ્ર જીવનની એકરૂપતા હોવી તે ઘણી અઘરી વાત છે. છતાં જેઓ એ સિદ્ધિ મેળવે છે તેઓના પતન માટે ભયસ્થાનો ઓછાં રહે છે. બાહ્ય વેશ અંતરના તેવા ભાવોને પોષણ આપે છે, અને ન હોય તો તેવા ભાવો જગાડે છે. અનેક વ્યક્તિઓના, સૈકાઓ સુધીના અનુભવ પરથી પરંપરા સર્જાય છે. ભારતીય સંસ્કૃતિમાં મસ્તક-મુંડનની પરંપરા સાધુઓ માટે એટલે જ ઇષ્ટ ગણવામાં આવી છે. જૈન સાધુઓના કેશલોચનું મહત્ત્વ તો એથી પણ વિશેષ છે. સંયમપાલનની અને અહિંસાધર્મની દૃષ્ટિ લક્ષમાં લેતાં એ મહત્ત્વ સમજાય એવું છે.
લોચ ત્રણ પ્રકારના બતાવવામાં આવ્યા છે : (૧) ઉત્તમ, (૨) મધ્યમ અને (૩) કનિષ્ઠ.
(૧) દર બે મહિને એટલે કે વર્ષમાં કુલ છ વખત લોચ કરવામાં આવે તો તેને ઉત્તમ લોચ કહેવામાં આવે છે, કારણ કે બે મહિના જેટલા સમયમાં માણસના મસ્તકના વાળ ગોલોમ જેટલા, ગાયની રુવાંટી જેટલા (એક-બે ઇંચ જેટલા) વધી જાય છે.
(૨) દર ત્રણ મહિને લોન્ચ કરવામાં આવે તેને મધ્યમ લોચ કહેવામાં આવે છે.
(૩) દર ચાર મહિને લોન્ચ કરવામાં આવે તેને કનિષ્ઠ લોચ કહેવામાં આવે છે.
દિગમ્બર મુનિઓમાં દર બે, ત્રણ કે ચાર મહિને લોન્ચ કરવાની પરંપરા ચુસ્તપણે ચાલી આવે છે. શ્વેતામ્બરોમાં દર ચાતુર્માસે અથવા દર બાર મહિને, પર્યુષણ પર્વ પહેલાં લોન્ચ કરવાની પરંપરા ચાલી આવે છે.
સામાન્ય રીતે કેશ-લોચ કરવાના દિવસે સાધુએ ઉપવાસ કરવાનો રહે છે. કેશ લોચની ક્રિયા દિવસ દરમિયાન કરવાની હોય છે. કોઈના વાળ આંગળીમાં તરત ન આવે કે છટકી જાય એવા હોય તે તે માટે ભસ્મ અથવા રાખનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે છે. વાળ ખેંચતી વખતે
Page #5
--------------------------------------------------------------------------
________________
કેશ-લોચ
૧૫૧
મસ્તકની ત્વચામાંથી લોહીની ટશર ફૂટે તો તે અટકાવવા ને મટાડવા માટે પણ ભસ્મ ઉપયોગી બને છે.
કેશ-લોચ મન ફાવે તેમ જમણી કે ડાબી બાજુ, આગળ કે પાછળ ગમે ત્યાંથી કરાતો નથી. નિયમ પ્રમાણે કપાળની ઉપરના મધ્ય ભાગથી શરૂ કરી જમણી બાજુથી ડાબી બાજુ એમ નજીક-નજીકના વાળના લોગ આવર્ત પ્રમાણે કરાય છે. જે જગ્યાએ વાળનો લોચ થઈ ગયો હોય તેની આજુ બાજુમાં મસ્તકની ત્વચામાં થોડી ઓછી સંવેદના રહે છે કે જેથી ત્યાંથી લોચ કરવાનું સરળ પડે છે. વારંવાર લોચ કરવાથી મસ્તકની ચામડી એવી થઈ જાય છે કે જેથી સમય જતાં લોચની વેદના ઓછી રહે છે.
શ્વેતામ્બર પરંપરા પ્રમાણે જૈનોના સાધુના નીચે પ્રમાણે સત્તાવીસ ગુણ બતાવવામાં આવે છે :
પાંચ મહાવ્રતોને પાળનાર (૫), રાત્રિ-ભોજનનો ત્યાગ (૧), છકાય જીવની રક્ષા (ક), પાંચ ઇન્દ્રિયો ઉપર સંયમ (૫), ત્રણ ગુપ્તિનું પાલન (૩), લોભ રાખે નહિ (૧), ક્ષમા ધારણ કરે (૧), ચિત્તને નિર્મળ રાખે (૧), પડિલેહણ કર (૧), સંયમમાં રહે (૧), પરીષહો સહન કરે (૧) અને ઉપસર્ગ સહે (૧).
દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના ગુણોની ગણતરી થોડી જુદી રહી છે. શ્વેતામ્બર પરંપરામાં કેશ-લોચને સાધુના મૂળ ગુણમાં ગણવામાં આવ્યો નથી. દિગમ્બર પરંપરા પ્રમાણે સાધુના અઠ્ઠાવીસ ગુણ ગણવામાં આવે છે, અને કેશલોચનો સમાવેશ સાધુના મૂલ ગુણમાં કરવામાં આવેલ છે. સાધુના અઠ્ઠાવીસ મૂલ ગુણ આ પ્રમાણે બતાવવામાં આવ્યા છે : પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, પાંચ ઇન્દ્રિયોનો નિરોધ, છ આવશ્યક, કેશ-લોચ, અચેલકત્વ, અસ્તાન, ભૂમિશયન, અદંતધાવન, ઊભાં ઊભાં આહાર અને ૨૪ કલાકમાં એક વખત આહાર.
આમ શ્વેતામ્બર પરંપરા કરતાં દિગમ્બર પરંપરાના સાધુઓમાં કેશલોચનું મહત્ત્વ ઘણું વધારે છે. તેઓ કેશ-લોચ જાહેરમાં અને કેટલીક વાર ઉત્સવપૂર્વક કરે છે.
કોઈ પણ વ્યક્તિ દીક્ષિત થઈ જૈન સાધુ બને છે ત્યારે પ્રથમ તેનું મસ્તક મુંડવામાં આવે છે; અને ત્યારપછી એને સાધુનાં વસ્ત્ર પહેરાવવામાં આવે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
૧૫ર
જિનતત્ત્વ
એ વખતે મતક-મુંડન હાથથી લોચ દ્વારા કરાય તો તે ઉત્તમ છે. કેટલેક ઠેકાણે તે પ્રમાણે જ કરાય છે, પરંતુ સમય અને સંજોગાનુસાર તથા વ્યવહારદષ્ટિએ કાતર કે અસ્ત્રાથી પણ મુંડન કરાય છે, દીક્ષા લેતી વખતે વ્યક્તિનું વૈર્ય જો ઓછું હોય તો લોચના કષ્ટથી પહેલા દિવસે જ દીક્ષા પ્રતિ અભાવ થઈ જવાનો સંભવ રહે છે.
લોચની વેદના જેવી-તેવી નથી. મસ્તક કરતાં મૂછ-દાઢીના વાળ ખેંચવામાં વધુ વેદના થાય છે. એથી મોઢા ઉપર સોજો આવી જાય કે ગૂમડાં થાય છે. સ્વેચ્છાએ વેદના સહન કરવાની છે. વેદના જે પ્રમાણે સહન થાય તે ગતિએ લોન્ચ કરાય છે. ક્યારેક પોતાને હાથે ન ફાવે તો સાધુઓ એકબીજા પાસે પણ લોચ કરાવી લે છે. ક્યારેક લોચની વેદના અતિશય વધી જાય તો સાધુ કે સાધ્વીને આંખે તમ્મર પણ આવી જાય છે. કેટલાંક દઢ મનના અને સહિષ્ણુ ચિત્તવાળાં સાધુસાધ્વીઓ તમ્મર આવી ગયા પછી પાછા જેવા સ્વસ્થ થાય કે તરત પોતાના લોચની ક્રિયા ચાલુ રખાવે છે. એટલા માટે જ કેશલોચની ક્રિયા એ જૈન ધર્મની મહિમાવંતી અદ્વિતીય ક્યિા ગણાય છે.
લોચ કરાવવાને બદલે વાળ જેમ વધતા જાય તેમ તેમ કાતર કે અસ્ત્રાથી હજામ દ્વારા અથવા જાતે કાપી નાખવામાં આવે તો તેમાં શો વાંધો છે ? – એવો પ્રશ્ન કદાચ કોઈકને થાય, એનો ઉત્તર એ છે કે જૈન સાધુઓ અપરિગ્રહી, અકિંચન હોય છે. હજામ દ્વારા મુંડનમાં પૈસાનો વ્યવહાર આવે છે, જે સાધુઓ માટે સ્વીકાર્ય નથી. સાધુઓ અલ્પતમ એવાં અનિવાર્ય ઉપકરણો પોતાની પાસે રાખે છે. કાતર કે અસ્ત્રાની એવી અનિવાર્યતા નથી. પોતાની પાસે કાતર કે અસ્ત્રો ન રાખે પણ જરૂર પડે ત્યારે કોઈની પાસે મંગાવીને વાપરે તેમાં શો વાંધો ? એનો ઉત્તર એ છે કે ઘરબાર અને બધાંનો ત્યાગ કરનાર સર્વ વિરતિવાળા સાધુઓને તેમ કરવા જતાં આ બાબતમાં પરાધીન રહેવું પડે. માગવાનો અને પાછા આપવાનો વ્યવહાર વખતોવખત કરવો પડે. સાચા જૈન સાધુઓ તો અયાચક વૃત્તિવાળા હોય છે, એટલે લોચ કરવાથી સ્વાધીનપણાની ભાવનાને અને અયાચકવૃત્તિને પોષણ મળે છે. વળી કાતર-અસ્ત્રો વાપરવાથી વાળ સરખા કાપવાનો અને સારા દેખાવાનો ભાવ જાગવાનો સંભવ છે. સાધુને જ્યાં અરીસામાં મોટું જોવાનું વર્ષ છે ત્યાં કાતરઅસ્ત્રા વાપરવા કરતાં લોચની ક્રિયા જ એમને માટે ઉત્તમ સંયમપોષક છે એમ મનાયું છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
કેશ-લોચ
૧૫૩ ઉંમર, રોગ, વેદના સહન કરવાની અશક્તિ ઇત્યાદિને કારણએ અપવાદરૂપ સંયોગોમાં કેશ-લોચને બદલે “સુરમુંડન” (અસ્ત્રાથી મુંડન) અથવા કર્તરીમુંડન (કાતરથી મુંડન)ની છૂટ આપવામાં આવે છે. પરંતુ જેઓ કુરમુંડન કરતા હોય તેમણે દર મહિને અને કર્તરીમુંડન કરતા હોય તેમણે દર પંદર દિવસે મુંડન કરાવવું જોઈએ, કારણ કે મુનિઓના વાળ ગોલોમ કરતાં ન વધવા જોઈએ. જે સાધુઓના વાળ ઝડપથી વધી જતા હોય તેમને વચ્ચે વચ્ચે પણ લોન્ચ કરવાનું કહેવામાં આવ્યું છે.
તીર્થંકર પરમાત્મા જ્યારે ગ્રહવાસ છોડીને, ઉપવનમાં જઈને સ્વયં દીક્ષિત થાય છે ત્યારે તેઓ પોતાને હાથે જ પોતાના મુખ અને મસ્તક ઉપરના વાળનો લોચ કરે છે. એ ચોથા આરામાં એમનું શરીરબળ એટલું મોટું હોય છે કે એક સાથે ઘણા બધા વાળ મૂઠીમાં લઈ એક ઝાટકે ખેંચીને તેઓ કાઢી નાખે છે. ભગવાન મહાવીરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો હતો. એટલે કે મુખ અને મસ્તક પરના તમામ વાળ પાંચ વખત મુઠ્ઠીમાં ભરાવીને એમણે ખેંચી કાઢ્યા હતા. ભગવાન ઋષભદેવે ચતુર્મુષ્ટિ લોચ ર્યો હતો. ભગવાન ઋષભદેવ માટે એમ કહેવાય છે કે એમણે ચારમુષ્ટિ લોચ કર્યો, તે પછી ઇન્દ્ર મહારાજે તેમને બાકીનો એકમુષ્ટિ લોચ ન કરવા વિનંતી કરી. ભગવાને એમની વિનંતી માન્ય રાખી. એટલે એમના મસ્તક પરના પાછળના બાકીના વાળ ખભા અને પીઠ ઉપર ઝૂલતા રહ્યા હતા. આથી જ ઋષભદેવ ભગવાનની કેટલીક પ્રાચીન પ્રતિમાઓમાં ખભા ઉપર વાળની લટ કોતરેલી જોવા મળે છે.
જૈન ધર્મની માન્યતા અનુસાર તીર્થંકર પરમાત્માના જે અતિશયો બતાવવામાં આવે છે તેમાં દેવકૃત અતિશય અનુસાર તેમના વાળ અને નખ વધતા નથી. એક માન્યતા અનુસાર તીર્થકર ભગવાન ગૃહવાસ છોડીને ઉપવનમાં જઈ પંચમુષ્ટિ લોચ કરે તે પછી એમના વાળ વધતા નથી, કારણ કે ઇન્દ્ર એમના મસ્તક ઉપર વજ ફેરવે છે.
વાળ એ શરીરની એક પ્રક્રિયાનો ભાગ છે. કેટલાક માણસોનાં શરીરમાં એવા ફેરફારો થાય છે કે જેથી અકાળે વાળ ખરી પડે છે. આખે માથે ટાલ પડે છે અને ફરી ક્યારેય વાળ ઊગતા નથી. બ્રહ્મચર્યના સંનિષ્ઠ પાલનથી શરીરમાં એવી આંતરિક પ્રક્રિયા થાય છે કે જેથી વાળની વૃદ્ધિ ઓછી થઈ જાય છે, અટકી જાય છે. કેટલીક વખત કેશ-લોચ કર્યા પછી ફરી ત્યાં વાળ
Page #8
--------------------------------------------------------------------------
________________ 154 જિનતત્ત્વ નહિ જેવા જ ઊગે છે, આ સૂક્ષ્મ આંતરિક પ્રક્રિયા બધાની એકસરખી હોતી નથી. તીર્થંકર પરમાત્માના પરમ દારિક દેહમાં એવી અતિશયયુક્ત પ્રક્રિયા થતી હશે કે જેથી એમના વાળ વધતા નથી. કેશ-લોચમાં કષ્ટ સહન કરવાનું હોય છે, પરંતુ એનો સમાવેશ બાવીસ પ્રકારના પરીષહમાં કરવામાં આવ્યો નથી, કારણ કે પરીષહ એટલે આવી પડેલી પરિસ્થિતિમાં મનથી સહન કરવાનું કષ્ટ, જ્યારે કેશ-લોચમાં તો પોતે પોતાની અનુકૂળતા અનુસાર સ્વેચ્છાએ કષ્ટ ભોગવવાનું હોય છે. માથા ઉપરના વાળ હાથે તોડવાથી કષ્ટ અનુભવાય છે. શરીરને સ્વેચ્છાએ આપેલું કષ્ટ એક પ્રકારની તપશ્ચર્યા બની જાય છે. એટલા માટે કેશ-લોચનો સમાવેશ કાયક્લેશ નામની તપશ્ચર્યામાં કરવામાં આવે છે. સાધુઓ પોતે પોતાની ઇચ્છાનુસાર નિશ્ચય કરીને કેશલોચ કરે છે. માટે આ કાયક્લેશ નામની તપશ્ચર્યા કર્મની નિર્જરાનું કારણ બને છે. કેશ-લોચથી કષ્ટ સહન કરવાનો અભ્યાસ થાય છે; સહિષ્ણુતા વધે છે; ઇન્દ્રિયોના સુખમાંથી આસક્તિ નીકળી જાય છે; દેહાભિમાન ઓગળી જાય છે; દેહની મમતા દૂર થાય છે, સારા દેખાવાની વાસના ચાલી જાય છે; સરળતા, સ્વાભાવિકતા અને નિર્દોષતાના ગુણો ખીલે છે; સંયમપાલનમાં દઢતા આવે છે; આત્માને સ્વવશ કરી શકાય છે; કર્મની નિર્જરા થાય છે; અને સૂક્ષ્મ જીવોની પણ હિંસા ન થાય એટલી કોટિ સુધી અહિંસાના મહાવ્રતનું પાલન થાય છે. એટલે જ કેશ-લોચનો મહિમા જૈન ધર્મમાં ઘણો મોટો છે.