Book Title: Jankalyan
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf
Catalog link: https://jainqq.org/explore/249424/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ૨૮. જનકલ્યાણ જનકલ્યાણ’ શબ્દ હવામાં ચારેકોર ફેલાઈ ગયેલ છે. ગમે તેને મુખે એ શબ્દ સંભળાયા કરે છે. આજે અનેક સંસ્થાઓ એ માટે પ્રવૃત્તિ કરી રહી છે અને એ માટે અનેક ફંડફાળા પણ ચાલ્યા કરે છે. છતાંય તે શબ્દ ખરા અર્થમાં સાર્થક બને છે કે કેમ, એ એક વિચિત્ર કોયડો ઊભો થયો છે. - આપણા માનનીય પ્રધાનોના કોઈ પણ ભાષણમાં જરૂર એ શબ્દ એક વાર નહીં, પણ અનેક વાર આવવાનો જ. પંચવર્ષીય યોજના માટે જે અબજો રૂપિયા ખર્ચાય છે અને ખર્ચાવાના છે, તે પણ એ શબ્દની સાર્થકતા માટે જ. આપણી રાષ્ટ્રીય મહાસભા, સમાજવાદ, સામ્યવાદ, હિન્દુસભા, રાષ્ટ્રીય સેવાસંઘ વગેરે આ બધી વ્યાપક સંસ્થાઓ અને તે તે કોમ, ધર્મ અને સંપ્રદાયની પણ અનેક સંસ્થાઓ “જનકલ્યાણ માટે જ કામ કરી રહી છે. છતાંય એ શબ્દ વધારે ગૂંચવાડાવાળો થતો જાય છે. તમે જ્યાં સાંભળો ત્યાં મોટે ભાગે “જનકલ્યાણ' શબ્દ જ સંભળાવવાનો. પોળોની પાટ ઉપર, વિદ્યાર્થીઓના સંમેલનમાં, રસ્તે ચાલતાં જે વાતો સંભળાય છે ત્યાં પણ એ જ શબ્દ તમારા કાન ઉપર અથડાવાનો. નિશાળો અને કૉલેજોના અધ્યાપકો તો જાણે એ શબ્દને જ સાર્થક કરવા મચી પડ્યા છે. આમ ચારે બાજુથી એ શબ્દ ઉપર લોકોનો ભારે હલ્લો ચાલે છે. છતાં આજ લગી એ શબ્દનો અર્થ કોઈની પકડમાં આવે છે ખરો ? વેપારીઓ, મોટી મોટી પેઢીઓ, બૅન્કો અને ધર્મના ઉપદેશ કરનારા ગુરુઓ પણ એ શબ્દને જ પ્રમુખ કરીને પોતપોતાની જાહેરાતો, પ્રવચનો અને હિલચાલો કરી રહ્યા છે, છતાંય ધુમાડાના બાચકાની જેમ એ શબ્દના અર્થનો ક્યાંય કોઈને પત્તો દેખાય છે ખરો? બૂમો સંભળાય છે કે વણકરોનો ધંધો ભાંગી પડ્યો, ઘાંચીઓનો ધંધો નાબૂદ થઈ ગયો, કુંભારો કામધંધા વિના કકળી રહ્યા છે, મોચીઓ, સુથાર, લુહારો, ચમારો અને ઘરખૂણે શીલ સાચવીને દળનારી વિધવાઓ-એ બધાં Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ - સંગીતિ પણ પોતપોતાનો ધંધો ભાગી જવાથી બેહાલ બની ગયાં છે. કંસારાઓ, રંગારાઓ, કાપડ છાપનારાઓ-છીપાઓ, કાગદીઓ-કેટલાયને ગણાવી શકાય. આ બધા કારીગરો મરવાને વાંકે જીવે છે. “માણસોના અર્થ માટે “જન” શબ્દ છે, એટલે “જનકલ્યાણ'નો અર્થ “માણસોનું કલ્યાણ થાય. ઉપર જણાવેલા તમામ ધંધાદારીઓ “જન’ના અર્થમાં સમાય છે. હવે અહીં વિચારીએ કે તેમનું એટલે તે બધા ધંધાદારીઓનું કલ્યાણ એ કઈ ચીજ છે? વા એમનું કલ્યાણ કઈ પ્રવૃત્તિમાં કે ક્રિયામાં રહેલું છે ? દાખલો સાદો જ લઈએ. મોચીઓ જોડા સીવે છે, છતાંય તેઓને ભૂખમરો વેઠવો પડે છે; કેમ કે તેઓએ સીવેલા જોડા બજારમાં ખપતા નથી, લોકો બીજી બીજી દુકાનોમાંથી તૈયાર સીવેલાં જોડાં ખરીદે છે. જેમ મોચીઓનો માલ બજારમાં ખપતો નથી, તેમ મોચીઓ પોતે પણ પોતાના બંધુઓએ એટલે વણકરોએ વણેલાં કપડાં ખરીદતા નથી, એટલે વણકરોને પણ ભૂખમરો વેઠવો પડે છે. આ જ રીતે મોચી અને વણકરો ઘાંચીની ઘાણીમાંથી નીકળેલ તેલ વાપરતા નથી, એટલે ઘાંચીઓ પણ ધંધા વગર હેરાન થાય છે. જેઓ મહાજન કહેવાય છે તેઓ, એટલે વાણિયા, બ્રાહ્મણ, નાગર વગેરે વેપારી કે રાજકારણી ઉપલા થરના લોકો મોચીનો, વણકરોનો અને ઘાંચીનો બનાવેલો માલ વાપરતા નથી અને તેઓ પોતાનો શોખ પૂરો કરવા પરદેશથી આવેલો કે મશીનમાં બનાવેલો માલ વાપરે છે અને પરદેશથી આવેલો મશીનમાં બનેલો માલ લોકોમાં વેચીને પોતાના પૈસાને પોતાના દેશમાં ન રાખતા પરદેશમાં મોકલે છે. આ રીતે આખો ભારતીય માનવસમાજ પરસ્પરનિરપેક્ષ બની ગયો છે. આ નિરપેક્ષતા જ તમામ દુઃખનું મૂળ છે. જનકલ્યાણમાં આ નિરપેક્ષતા જ ભારે આડખીલીરૂપ છે. આ નિરપેક્ષતા મટાડ્યા વિના કોઈ કાળે જનકલ્યાણ સધાવાનું નથી. જયાં સુધી કોઈ પણ માણસ માત્ર પોતાની જ એકની આજીવિકાનો વિચાર કરે અને એ આજીવિકાને મેળવવા દેશદ્રોહ કરતાં પણ ન અચકાય, ત્યાં સુધી ભલે ને સો સો ભારત-સેવકસમાજ થાય, સો સો પંચવર્ષીય યોજનાઓ થાય અને તેમાં અબજો રૂપિયા પાણીની પેઠે વહેવડાવાય, તો પણ દેશનું સામાજિક કે શારીરિક કલ્યાણ થવાનું નથી જ. પહેલાં તો આપણામાં પરસ્પર રહેલી નિરપેક્ષતા જ ટાળવી જોઈએ અને એ માટે દરેક રીતે પુરુષાર્થ કરવો જોઈએ. આ પુરુષાર્થ ભાષણોથી નહીં કરી શકાય, તેમ દેશી વાપરવાની Page #3 -------------------------------------------------------------------------- ________________ જનકલ્યાણ ૦ ૨૨૩ પત્રિકા ઉપર સહીઓ લેવાથી નહીં કરી શકાય, તેમ દેશી વસ્તુઓ વાપરવા માટેનાં સરઘસો કાઢવાથી પણ નહીં કરી શકાય. આ પુરુષાર્થ તો આપણા જીવનવ્યવહારમાં પલટો કરવાથી જ સાધી શકાશે. ઉપલા થરના મોટા લોકો, વડાપ્રધાનો, પ્રધાનો, ઉપપ્રધાનો કે મંત્રીઓથી માંડીને દેશના નાનામાં નાના માણસો સુધ્ધાંએ સમગ્ર દેશનો નાશ કરનારી, દેશ આખાને ભૂખે મારનારી અને શક્તિશાળીઓને પણ બેકાર બનાવનારી નિરપેક્ષતા ટાળવા માટે ઝુંબેશ ચલાવવી હશે, તો પહેલું તો પોતાના ઘરમાં, કચેરીમાં, પ્રવાસમાં કે બીજે પણ કોઈ સ્થળે જે જે વસ્તુઓનો ઉપયોગ કરવાનો આવે, તેમાં તમામ દેશી વસ્તુઓને અને તેમાંય હાથઉઘોગથી બનેલી વસ્તુઓને પ્રથમ સ્થાન આપવું પડશે. પ્રધાન કે વડાપ્રધાનને એવી દેશી કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરતાં પોતાના મોભા કરતાં દેશને પ્રથમ સ્થાન આપવું પડશે. જેમના મતોથી તેઓ પ્રધાનનું પદ શોભાવે છે તેમની આજીવિકાનો તેમણે પ્રથમ વિચાર કરવો જોઈએ. પ્રધાન કે મંત્રી એવો વિચાર કરે, કે આ દેશી વસ્તુઓ કે હાથઉદ્યોગથી બનેલી વસ્તુઓ ઘરમાં કે કચેરીમાં શોભે એવી નથી અને આ તો આપણા દેશની પ્રતિષ્ઠાને ઘટાડે એવી છે, તો તેમનો તે વિચાર પોતાનો જ દ્રોહ કરનારો છે, પોતાના જ દેશબંધુઓની આજીવિકાનો નાશ કરનારો છે અને પોતાના પદને લજવનારો છે એમાં જરાય શક નથી. પૂ. બાપુ જયારે ઇંગ્લેન્ડમાં રાજાને મળવા ગયા ત્યારે તેમણે પોતાને આ કંગાળ દેશના પ્રતિનિધિ માનીને શું પહેર્યું હતું, પોતાના દેહ ઉપર શી શી શોભા કરી હતી તે વાત શું આપણા આ મહાજનો ભૂલી ગયા કે શું? ઘરનું કે કચેરીનું રાચરચીલું અને ખાવાપીવાની એકએક ચીજ મહાજનોથી માંડીને નાનામાં નાના માણસ સુધીના વપરાશમાં દેશી અને હાથઉદ્યોગની જ હોવી જોઈએ. કાગળો, સીસાપેનો, ઇડિપેનો, શાહી વગેરે બધું દેશમાં બની શકે છે, અને એના બનાવનારાઓને ઉત્તેજન મળે અને એઓ ઉત્તરોત્તર સારો અને સસ્તો માલ બનાવી શકે એ રીતે સરકારોએ જોગવાઈ કરી આપવી જોઈએ. એ માલ બનાવનારાઓ પણ જો પોતાનો જ શોખ, વિલાસ અને આરામ જોશે અને માલની જાતને સુધારવામાં ધ્યાન નહીં આપે, તો તેઓ પણ પહેલા નંબરના દેશદ્રોહી ગણાવા જોઈએ. ગૃહિણીઓએ હાથચક્કીનો આટો, હાથથી બનેલી દાળો અને હાથથી છડેલા ચોખા, ઘાણીનું તાજું તેલ અને ચોખ્ખા ઘીનો પૂરેપૂરો આગ્રહ રાખવો ૧૫ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ • સંગીતિ જોઈએ. અને એ બધી વસ્તુઓને પૂરી પાડનારા વેપારી લોકોએ પણ કદી તેમનો વિશ્વાસઘાત કરવાનો વિચાર-સરખો પણ મનમાં ન આણવો જોઈએ. આ શરૂઆત પ્રધાનોના જ ઘરથી થાય તો જ દેશમાં તેનો ફેલાવો થઈ શકે. ગામમાં કે શહેરમાં પોળેપળે બળદચક્કીઓ શરૂ કરી આપવાની સગવડો આપવી જોઈએ. બળદઘાણીઓ પણ ફરી શકે એવી વ્યવસ્થા સરળ રીતે થઈ જવી જોઈએ. દાળની મિલોને કે ચોખાની મિલોને બદલે જયાં હજારો બહેનો પોતાને હાથે દાળ ભરડતી હોય અને ચોખા છડતી હોય એવાં કારખાનાં મોટા પ્રમાણમાં સહકારી ધોરણ પર થવાં જોઈએ. એ સહકારી પ્રવૃત્તિઓ કેવળ બેકારી ટાળવાના અને આરોગ્યવર્ધક ખોરાક પૂરો પાડવાના એક ઉદ્દેશથી ચલાવવી જોઈએ, નહીં કે નફો મેળવવાની વૃત્તિથી. મતલબ કે દેશના કારીગરોએ બનાવેલ માલ દેશની તમામ જનતા અને કારીગરો સુધ્ધાં વાપરવાનું નક્કી કરે તો બેકારીના શા ભાર છે કે તે એક ક્ષણ પણ ટકી શકે ? પ્રધાન સાહેબ જયાં ઊતરે યા તેમના મંત્રી સાહેબ જયાં ઊતરે ત્યાં તેઓએ સાફ સાફ જણાવી દેવું જોઈએ કે તેઓ હાથચક્કીના લોટની રોટલી કે પુરીઓ ખાશે અને હાથે ભરડેલી દાળ કે હાથે છડેલા ચોખાનો જ ખાવામાં ઉપયોગ કરશે. પછી ભલે ને તેઓ દૂધપાક ખાતા હોય કે પૂરણપોળી ખાતા હોય. હમણાં જ મારે ત્યાં એક મિત્ર આવેલા. તેમણે મને ચેતવણી આપેલી કે હું ગાયનું જ ઘી ખાઉં છું, અને નહીં હોય તો તેલથી જ ચલાવીશ. પણ બીજું કોઈ ચોખ્ખું અને ઉત્તમ ઘી હશે તો પણ મને ખપશે નહીં જ. મારે બરાબર કાળજી રાખીને ગાયનું ઘી જ મેળવવું પડ્યું અને તેમની સાથે એ જ ઘીનો ઉપયોગ કરવો પડ્યો. આપણા મહાજનો એટલે કે શ્રીમંત સાહેબો અને તેમનાં શ્રીમતીઓ પણ આવો જ આગ્રહ રાખવાનું કરે તો હમણાં હજારો માણસોને આજીવિકા મળવી શક્ય થઈ જાય. આમ કર્યા સિવાય એ શ્રીમંતો કે શ્રીમતીઓ ગમે તે દાનપુણ્ય કરે વા ગમે તે જાતની જનસહાયતા કરે તે તમામ ફોકટનું છે. પરસ્પરનિરપેક્ષતાને દૂર કરી સમાજના તમામ નાનામોટા લોકો સાથે સદ્ભાવથી રહેવામાં આવે, તમામ લોકોની આજીવિકાનો વિચાર મુખ્ય માની પોતપોતાનો બધો વ્યવહાર ગોઠવવામાં આવે, તો જ ધર્મસાધના કરી ગણાય. એમ ન કરે ને ધર્મશાળા, મંદિર, કે પાઠશાળા વા કોલેજ કાઢવા માટે નાણાં આપવામાં આવે અને દેશના કરોડો લોકોની આજીવિકાના થતા Page #5 -------------------------------------------------------------------------- ________________ જનકલ્યાણ 0 225 નાશની ઉપેક્ષા કરવામાં આવે, તો એ દાન સુદાન નથી જ, પણ ઊલટું આજીવિકાના નાશમાંથી મેળવેલા પૈસાનું દાન હોવાથી એ પાપમય કે તામસ દાનની કોટિનું હોઈ દાતાને ઘોર નરકમાં લઈ જનારું નીવડે તો નવાઈ નહીં કહેવાય. મતલબ એ કે પરસ્પરની નિરપેક્ષતા ટાળવા અને પરસ્પર સાપેક્ષતા કેળવવા તમામ નાનામોટા લોકોએ અને સરકારના મુખ્ય પુરુષોએ પણ પોતાનો મોભાનો, પોતાના મોજશોખનો કે જરૂરી સગવડનો પોતાના ખ્યાલ દૂર કરી કેવળ દેશના તમામ લોકોને આજીવિકા કેમ મળે એ દષ્ટિએ પોતપોતાનો કારભાર ગોઠવવો જોઈએ તથા વેપારીઓએ પણ એ જ દષ્ટિએ પોતાની જીવનવ્યવસ્થા કરવી જોઈએ. આમ થાય તો જ કદાચ “જનકલ્યાણ શબ્દ સાર્થક થાય.