Page #1
--------------------------------------------------------------------------
________________
૨૯. જમાઈની પરીક્ષા
માબાપને સૌથી વધારે ચિંતા પોતાની કન્યાઓની રહે છે. આપણા દેશમાં જે સમયે વિવાહ સંબંધે ખાસ નિયમન ન હતું, ત્યારે જમાઈ મેળવવાની ચિંતા ન રહેતી. પરંતુ જયારથી કોઈ ને કોઈ પ્રકારે વિવાહસંબંધે યા લગ્ન-સંબંધે નિયંત્રણની પદ્ધતિ શરૂ થઈ, ત્યારથી માતાપિતાને કન્યા માટે જમાઈ મેળવવાની ચિંતા સવિશેષ રહેતી આવી છે. સ્વયંવરની પદ્ધતિ હતી ત્યારે પણ એની ચિંતા રહેતી અને જયારથી માતાપિતાને જ માથે “વર' શોધવાની જવાબદારી આવી ત્યારથી એ ચિંતા વધુ ને વધુ રહેવા લાગી.
કેટલાંક કુશળ માતાપિતાઓ એ માટે કોઈ ને કોઈ સંતોષકારક માર્ગ શોધવા ભણી પણ વળેલાં દેખાય છે. “ઉપદેશપદ' નામના જૈન કથાગ્રંથમાં આ બાબત એક સુંદર કથા આપવામાં આવેલ છે, જેનો સાર આ પ્રમાણે છે :
વસંતપુર નગરમાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહે. તેની સ્ત્રીનું નામ સુધા. તેમને ત્રણ પુત્રીઓ. એ પુત્રીઓ જયારે જુવાન થઈ ત્યારે તેમને ખાનદાન કુટુંબમાં પરણાવી દીધી. પરણાવી દીધા પછી માતાને વિચાર થયો કે પુત્રીઓને પરણાવી તો દીધી, પણ તેમના પતિઓનો પુત્રીઓ તરફ કેવો ભાવ રહેશે એ જાણવું જરૂરી છે. એવું જાણી લીધું હોય તો પુત્રીઓને તે બાબત જરૂર કોઈ વિશેષ સૂચન આપી શકાય અને એ સૂચન અનુસાર વર્તવાથી પુત્રીઓનો સંસાર સુખમય નીવડે.
આમ તો જયારે પુત્રીઓને સાસરે મોકલવામાં આવે છે ત્યારે માતા તેમને ખૂબ ખૂબ શિખામણ આપે છે. પતિસેવાની વાત, પતિને ખુશ રાખવાની ભલામણ, સાસુસસરા સાથે સલૂકાઈથી વર્તવાની વાત, શોક્ય હોય તો તેને સગી બહેન માનવાની વાત, જેઠ, દેર, જેઠાણી વગેરે સાથે હળીમળીને રહેવાની વાત અને બીજા પાડોશીઓ સાથે કેમ વર્તવું વગેરે
Page #2
--------------------------------------------------------------------------
________________
જમાઈની પરીક્ષા - ૨૨૭ અનેક વાતો ધરાઈ ધરાઈને સમજાવવામાં આવે છે.
પુત્રીને સાસરે વળાવતાં માતાનું કાળજું ફફડતું હોય છે, હૈયું ભરાઈ જાય છે, આંસુઓ પણ આંખમાં છલકાઈ જાય છે. જન્મથી અત્યાર સુધી ફૂલની કળીની પેઠે ઉછેરેલી પુત્રીને પારકા જણ્યાના હાથમાં સોપતાં ડર લાગે અને અનેક શંકાકુશંકાઓ ઘેરી વળે છે. છતાં તેમ કર્યા વિના ચાલતું નથી, એટલે છેવટ મન મારીનેય તેમ કરવું પડે છે.
આ બ્રાહ્મણીને પોતાના જમાઈઓ કેવા પ્રકારની વૃત્તિવાળા છે : રિસાળ છે? ખુશામતને પસંદ કરનારા છે? ચીડિયા છે? પત્નીભક્તો છે? -એ શોધી કાઢવું હતું. એણે પોતાની પુત્રીઓને એમ સૂચના આપી કે તમે સાસરે જઈ પતિ સાથે પ્રથમ સમાગમ થતાં જ બીજું કશું કરતા પહેલાં તેને એક સજજડ પાટુ મારજો–પતિના માથા ઉપર તમારી પગની પાનીથી બરાબર પાટુ મારજો–અને એમ કર્યા પછી તે તમારી સાથે કેવું વર્તન રાખે છે, કેવા ભાવથી વર્તે છે તમારું અપમાન કરે છે યા આદર તે બધી હકીકત સવારે સવારે ઘરે આવીને મને જણાવી જજો.
ગામમાં ને ગામમાં વિવાહ થયો હતો, એટલે આમ કરવું મુશ્કેલ ન હતું. માના મનને એમ કે જમાઈઓની ચિત્તવૃત્તિ જેવી હશે તેવી પ્રથમ પ્રસંગમાં જ જણાઈ આવશે અને એ ઉપરથી તેમના સમગ્ર જીવનધોરણનો ખ્યાલ આવી જશે.
જોકે ઉપાય ભારે ઉઝ છે, પરંતુ આવો ઉગ્ર ઉપાય જ માણસની વૃત્તિને સમજવા માટે કારગત થઈ શકે છે. જયારે મનમાં ઉલ્લાસની છોળો ઊઠતી હોય, કુતૂહલો અનેક થતાં હોય, પ્રેમની લાગણી નવી નવી હોય અને પરિસ્થિતિ તદ્દન અજાણી હોય ત્યારે જ આવો ઉગ્ર ઉપાય કાંઈ સૂચક પરિણામ લાવનાર નીવડશે એમ માતા પોતાના જાત-અનુભવથી સમજતી હતી. એથી જોખમ ખેડીને પણ તેણે પોતાની પુત્રીઓને આ સાહસ કરવાનું સૂચન આપ્યું.
સૌથી મોટી પુત્રીએ સવારે આવીને માતાને પોતાનો અનુભવ જણાવ્યો કે “હે માતા! મેં તારા કહેવા પ્રમાણે મારો પતિ આવતાં જ તેના માથામાં જોરથી એવી પાટુ મારી કે તે એક ગોથું ખાઈ ગયો. પણ પછી ઊભો થતાં જ તે હાથ જોડી મને વીનવવા લાગ્યો કે “હે દેવી! તને શું કોઈ દુઃખ પડ્યું? શું કોઈ અગવડ આવી ? યા તને એવી તે કેવી તકલીફ થઈ કે જેથી તારે આવતાં જ આવો ઉગ્ર ઉપાય લેવો પડ્યો?” “એ તો વીનવતો જાય ને મારા
Page #3
--------------------------------------------------------------------------
________________
૨૨૮ • સંગીતિ પગને તળોસતો જાય અને બોલતો જાય કે તારા કોમળ પગને મારા માથાનો આઘાત તો થયો નથી ને ? આવા કોમળ પગે તારે આમ કરવું ઉચિત નહોતું. ખરી રીતે હે દેવી ! તારો મારા ઉપર અતિશય સ્નેહ છે; એટલે જ તેં આમ કર્યું જણાય છે; અતિશય સ્નેહ વિના શું કોઈ આમ કરી શકે ? ”
આ બધી હકીકત સાંભળીને માતાએ પુત્રીને તેના પતિનું ભાવિજીવન આખું દોરી આપી સમજાવી દીધું કે “હે દીકરી ! હવે તું લહેર કર, તારો પતિ તારા તરફ અતિશય, અમર્યાદ પ્રેમ રાખવાનો અને તારો પડ્યો બોલ ઝીલી લેવાનો; હવે તને પાણી માગતાં દૂધ મળવાનું. કોઈની દેન નથી કે તને કાંઈ કહી શકે; એટલું જ નહીં, પણ હવે ઘરમાં તારું જ ચલણ રહેવાનું. હવે કોઈની મગદૂર નથી કે તારું ગમે તેવું વેણ ઉથાપી શકે. હવે તારે કોઈથી લગાર પણ બીવાનું નથી અને ધાર્યું કરવાનું તને અનુકૂળ પડશે.”
પછી વચલી પુત્રીએ આવીને પોતે કરેલા પ્રયોગના જે સમાચાર આપ્યા તે આ રહ્યાં : સવારના પહોરમાં ઊઠતાંવેંત માતા પાસે વચલી પુત્રી આવી અને કહેવા લાગી કે “માતા, તારા કહેવા પ્રમાણે મેં એવી તો જોરથી પાટુ મારી કે તે પડતો પડતો રહી ગયો, પણ મારી પાટુ પડતાં જ તે જરાક તો ખિજાઈ ગયો અને પાછો તરત જ રાજી થઈને મારી ખુશામત કરવા મંડી પડ્યો.”
આ સમાચાર સાંભળી જીવનના અનુભવથી ઘડાયેલી માતાએ દીકરીને ફેંસલો સંભળાવ્યો કે “બેટી ! તું તારા પતિને કાંઈ અણગમતું કહીશ તો તે તારા ઉપર વધારે કોઈ દંડ નહીં કરે, એટલે કે વધારે મારઝૂડ નહીં કરે, પણ જરાક જ ખિજાશે. એ પાછો તારો ગુલામ બની જશે. માટે તારે પણ એની એટલી ખીજ સહી લેવાની. હવે તને બીજો કોઈ ભય નથી; માટે તુંય તારે ઘરે લહેર કર.
સૌથી નાની ત્રીજી દીકરીએ સવારના પોતાની માતા પાસે આવતાં જ જે સમાચાર આપ્યા, તેથી માતા ચોંકી જ ગઈ. તેણીએ આવીને કહ્યું કે પતિ તો ફાંકડો થઈને આવેલો, અત્તર તો મહેક મહેક થતું હતું, પલંગ ઉપર ફૂલોની બિછાન કરાવેલી, અને જેવો મને પોતાના બાહુપાશમાં જકડવા આવ્યો કે તરત જ મેં તારા કહેવા પ્રમાણે ધડ દઈને એવી સજ્જડ પાટુ મારી કે તે બિચારો આમ અણધાર્યો ઘા આવતાં તમ્મર ખાઈ ગયો અને ભારે વિચારમાં પડી ગયો. પણ પછી કળ વળતાં તેણે મારા ઉપર ભારે રોષ
Page #4
--------------------------------------------------------------------------
________________
જમાઈની પરીક્ષા - ૨૨૯ ઠાલવ્યો; એટલું જ નહીં, પણ તે ધૂંવાંપૂવાં થતો મને ભાંડવા લાગ્યો : “રાંડ કાળકા ! આવતાંવેંત આ શું માંડ્યું છે ? રાંડ કુભારજા ! હવે તું પણ આ ભાયડાને જોઈ લે ! એમ કહેતોક તે એક મજબૂત દોરડું લઈ આવ્યો અને મને ઘરના થાંભલા સાથે બાંધી સો ચાબખા માર્યા.” રોતી રોતી એ છોકરી હીબકા ભરતી કહેવા લાગી કે “મા! તેં આવો તે કેવોક ઉપાય બતાવ્યો? મારો જીવ નીકળી ગયો ! જો તો મારો બરડો કેવો સુઝી ગયો ! સોળો કેવા ઊઠી આવ્યા? તારા કહેવાથી મારો જીવ નીકળી ગયો. આટલો માર માર્યા પછી તેણે મને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મૂકી અને કહી પણ દીધું કે, ખબરદાર, જો હવે ઘરમાં ટાંટિયો મૂક્યો છે તો તારી વાત છે ! તારો ટાંટિયો જ ભાંગી નાખીશ, રાંડ હલકટ ! તું બ્રાહ્મણના પેટની છો કે કોઈ ચંડાળના પેટની છો? જા, ચાલી જા, હવે મારે તારું કામ નથી, તારું મોં કાળું કર અને મને કદી તારું મો ના બતાવીશ.” ”
આ બધી હકીકત સાંભળીને સુધાબાઈ ક્રોધની મૂર્તિ બની ગઈ અને તે ઝટ ફરિયાદ કરવા અને પોતાની દીકરીની વકીલાત કરવા જમાઈ પાસે પહોંચી. તેણીએ પોતાની બુદ્ધિ લડાવીને દીકરીનો ઘણો બચાવ કર્યો, પણ એ તાર્કિક જુવાન જમાઈ પાસે તેણીનું કાંઈ પણ ચાલ્યું નહીં.
તેણીએ આવીને ઠાવકું મોં રાખીને હસતા લટૂડાં પહૂડાં કરતાં જમાઈને જણાવ્યું કે “અરે ! તમે આ શું કરી નાખ્યું? તમને ખબર નથી કે અમારા ગોત્રનો એવો આચાર છે કે દીકરી સાસરે જઈ ધણીને પાટુ મારે તો જ તે સૌભાગ્યવતી બની રહે છે. એમ ન કરવામાં આવે તો ધણી-ધણિયાણી બંને દુઃખી થાય છે. માટે જ મારી દીકરીએ તમને પાટુ મારી પોતાના કુલધર્મના આચારને પાળ્યો છે. એમાં તમે એણીને આટલી મારી? બિચારી ફૂલ જેવી છોકરીને મારતાં શરમ ન આવી? તમારે એને પૂછવું હતું તો ખરું કે આમ કેમ કર્યું? તો ઝટ ખુલાસો થઈ જાત.”
આ સાંભળીને જમાઈએ તેને સણસણતો જવાબ આપ્યો કે, “માજી ! અમારો કુલધર્મ પણ એવો જ છે કે પરણીને આવતી વહુને થાંભલા સાથે બાંધવી પડે છે અને તેને સો ચાબખા બરાબર ગણીને મારવા પડે છે; એકે ઓછો નહીં. તમારી દીકરીને પૂછી જોજો કે મેં સો કરતાં એકે વધારે માર્યો છે ખરો ? અરે સો ચાબખા માર્યા પછી મારે તેને આંગળી પણ ન અડાડાય. આમ ન કરું તો મારો પણ કુળધર્મ લોપાય અને વહુ સૌભાગ્યવતી ન બને. માટે મારે પણ કુળધર્મને પાળ્યા વિના છૂટકો જ નહોતો. શું થાય ? એ તો
Page #5
--------------------------------------------------------------------------
________________ 230 * સંગીતિ જેનો જેવો કુલધર્મ તેમ વર્તવું જ પડે, એમાં કંઈ કોઈને ઠપકો દેવાનો ન હોય.” આ બધું સાંભળીને સાસુ તો સડક જ થઈ ગઈ અને વિનંતિ કરવા લાગી કે “હશે, હવે થયું તે ખરું. પણ હવે તમે તેને સાચવજો અને સંભાળજો. હું ઘરે જઈને તેને પાછી મોકલું છું.” એમ પગે પડીને વિનંતી કરીને પોતાને ઘરે પાછી ફરી. આવીને તેણીએ પોતાની પુત્રીને સમજાવી દીધું કે, “જો, તું હવે દરેક પ્રસંગે તારા પતિની દાસી થઈને રહેજે અને એને જરાય માઠું લાગે તેવું કરીશ જ નહીં; એટલું જ નહીં, એવું બોલીશ પણ નહીં. એની હાએ હા અને એની નાએ ના–એ રાત કહે તો રાત અને દિવસ કહે તો મધરાતે પણ દિવસ જ કહેવો. બસ આટલામાં બધું સમજી જવાનું છે. સુખી થવું હોય તો તું જેવી દેવમંદિરમાં દેવની પાસે વર્તે છે, તેમ તારા ઘરમાં પતિ પાસે વર્તજે. એમ નહીં કરે તો તને તે પ્રીતિકર નહીં થાય, અને જરાક વાંકું પડ્યું કે તગડી જ મૂકશે. માટે હવે ઘેર જા અને બરાબર ઠાવકી થઈને સંભાળથી રહેજે.” - ગૃહમાધુરી જુલાઈ 1954