Page #1
--------------------------------------------------------------------------
________________
૯. જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ
(શ્રી પરમાનંદભાઈના સ્મૃતિ-અંક માટે પંડિત બેચરદાસજીએ એક લાંબો લેખ લખી મોકલ્યો હતો. સ્મૃતિ-અંકમાં એટલો લાંબો લેખ છાપવો શક્ય ન હોવાથી શ્રદ્ધાંજલિ ગણાય એવો થોડો ભાગ છાપ્યો હતો. તે લેખમાં પરમાનંદભાઈ સાથે તેમની છેલ્લી મુલાકાત પ્રસંગે જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ વિશે તેમની સાથે જે વાર્તાલાપ થયો હતો, તે વિગતથી આપ્યો છે. જૈન સમાજમાં અજ્ઞાન અને અંધશ્રદ્ધા પ્રવર્તે છે તે સંબંધે પંડિતજીએ વ્યથિત હૃદયે પોતાની વેદના પ્રકટ કરી છે. આ લખાણ કોઈ નાસ્તિક કે અજ્ઞાનીનું છે એમ કોઈ નહિ કહી શકે; આખી જિંદગી તેમણે શાસ્ત્રાધ્યયનમાં ગાળી છે. અલબત્ત, તેમાં જણાવેલ વિચારો સમાજને તેની નિદ્રામાંથી જાગ્રત કરે તેવા છે. પંડિતજીએ આ લેખ પ્રગટ કરવા આગ્રહથી મને લખ્યું છે અને જણાવ્યું છે કે સમાજને આંચકા આપ્યા વિના છૂટકો નથી. તેમનો આ લેખ થોડો ટૂંકાવીને નીચે આપ્યો છે. તંત્રી),
પ્રબુદ્ધ જીવનમાં તત્ત્વજ્ઞાનની ચર્ચા ચાલી. પણ આવી ચર્ચાનો તો અંત જ આવી શકે નહિ. જે વસ્તુ અકળ છે તેને શબ્દો વડે શી રીતે ચર્ચા શકાય ? આચાર્ય હરિભદ્રસૂરિજીએ કહેલ છે કે : “માત્ર બુદ્ધિવાદ દ્વારા જો પદાર્થોના સ્વરૂપનો નિર્ણય થઈ શકતો હોત, તો નિર્ણય કયારનો થઈ ગયો હોત. ઈશ્વર, સર્વજ્ઞ, આત્મા, જગત, સિદ્ધ, કર્મ વગેરે પદાર્થો વિશે આજ હજારો વર્ષથી અનેક વિદ્વાનોએ પોતપોતાની કલ્પનાઓ ચલાવી સેંકડો ગ્રંથો લખી નાખ્યાં છે અને હજુ પણ એવા ગ્રંથો લખાતા જાય છે. છતાં કોઈ નિર્ણય આવેલ નથી.” આમ પરિસ્થિતિ છે એટલે તત્ત્વજ્ઞાનના લેખો કે ચર્ચા વિશેષ ઉપયોગી નથી. ઊલટું, કોઈ વાર તો જુદી જુદી અને પરસ્પર ઊલટસૂલટી કલ્પનાઓ આવવાથી સાધારણ વાંચનાર તો ભ્રમમાં જ પડી જાય. આમ શરૂ કરી મેં કહ્યું કે જૈન તત્ત્વજ્ઞાન પણ બીજા તત્ત્વજ્ઞાનોની પેઠે અપૂર્ણ જેવું છે. તત્ત્વજ્ઞાનના શોધકને પ્રથમ કલ્પનાની ફુરણા થાય છે, અને તે કલ્પનાને
Page #2
--------------------------------------------------------------------------
________________
૮૪ સંગીતિ આધારે તે બીજી બીજી અનેક કલ્પનાઓ કરી તત્ત્વજ્ઞાનનો વિસ્તાર કરે છે. જૈન તત્ત્વજ્ઞાન વિશે હું તો ઘણા ઘણા વિચારો કરી ચિંતનમનન કરતો રહું છું, એટલે મને તો તે અનેક રીતે વિચારણીય દેખાય છે. દાખલા તરીકે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ તત્ત્વોનું નિર્માણ. પ્રથમ મુક્ત આત્માની ઊર્ધ્વગતિ કલ્પી, હવે તે ક્યાં સુધી ઊંચે જવાનો ? આકાશ તો પાર વગરનું છે. અંતે એમ ને એમ ઊંચે ને ઊંચે ચાલ્યો જાય તો તે ઊર્ધ્વગતિની કલ્પના કરનારને ઠીક ન લાગ્યું, એટલે એને જરૂર ક્યાંક અટકાવી રાખવો જોઈએ. તેથી ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામના બે તત્ત્વો કલ્પી કાઢ્યાં અને સિદ્ધનો જીવ જ્યાં સુધી ધર્માસ્તિકાય હોય ત્યાં સુધી જ જઈ શકે, પણ પછી આગળ ન જઈ શકે. હકીક્તની વિશેષ પુષ્ટિ માટે એક મોટી સિદ્ધશિલાની કલ્પનાની પણ જરૂર ઊભી થઈ; એટલું જ નહિ, એ મુક્ત જીવનો અમુક આકાર પણ કલ્પાયો. જ્યાં એક સિદ્ધ સાથે એક જ પ્રદેશ ઉપર અનંત સિદ્ધો રહે છે એવું માનવામાં આવ્યું, ત્યાં આકારની કલ્પના કેમ બંધ બેસે? અને એક મોટી વજય સિદ્ધશિલાની કલ્પના પણ ભારે રસિક છે. આ ધર્માસ્તિકાયાદિ બાબતે આચાર્ય સિદ્ધસેન દિવાકરે પોતાની બત્રીશીઓમાં ખાસ કરીને તર્કશૈલીથી વિશેષ વિચાર કરેલ છે. પણ એ વિશે આજ સુધી કોઈએ કશી ચર્ચા જ કરી નથી. ભગવતીસૂત્રમાં એક સ્થળે ધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતા પ્રાણાતિપાતવિરમણ, વિવેક વગેરે સદ્ગણોને ધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે અને અધર્માસ્તિકાયના પર્યાયશબ્દો બતાવતાં પ્રાણાતિપાત, મૃષાવાદ, અવિવેક, અસંયમ વગેરે વિભાવરૂપ ભાવોને અધર્માસ્તિકાયના પર્યાયો રૂપે જણાવેલા છે. આ બાબતે ઘણાં વરસો પહેલાં જૈન-સાહિત્ય-સંશોધકમાં મેં ચર્ચા કરેલી. પણ આપણો વિચારક વર્ગ એ વિશે આજ સુધી કોઈ વિશેષ ચર્ચા-વિચારણા કરી શક્યો નથી.
મરણોત્તર શું થાય છે તે વિશેષ અકળ છે. તે બાબત ભગવાન બુદ્ધે તો સ્પષ્ટ કહી દીધું જ કે નિર્વાણ પછીની અવસ્થાના પ્રશ્નો અતિપ્રશ્નો છે, અને તેનું સ્પષ્ટીકરણ કરી શકાય નહિ. પણ આપણા વિચારકોએ એમ માની લીધેલું છે કે આપણા તીર્થકર સર્વજ્ઞ પુરુષ છે, એટલે તે બધી જાતના પ્રશ્નો વિશે પ્રકાશ પાડી શકે છે. આવી એક ભક્તિપ્રધાન ધારણા દ્વારા તેમના નામે પછીના વિચારકોએ આવી આવી અનેક કલ્પનાઓ આપણને આપેલ છે, જેનો વર્તમાન જીવન માટે કશો જ ખપ છે કે કેમ એ મને વિચારણીય લાગે છે.
હમણાં મેં જૈનમાં જાહેર ખબર વાંચી કે મહેસાણામાં આશરે વીસ
Page #3
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૫ લાખ રૂપિયા ખર્ચીને સીમંધરસ્વામીનું એક વિશાળ મંદિર બંધાય છે. તે માટે એ જાહેરખબરમાં નાણાં મેળવવા સમાજને અપીલ હતી. મેં પરમાનંદભાઈને કહ્યું કે જાહેરખબરમાં જણાવેલું કે સીમંધરસ્વામીની વિચિત્ર કલ્પનાથી કેટલાક મહાનુભાવો તો એમ પણ કહેવા લાગ્યા છે કે અમારો તેમની સાથે સંદેશા-વ્યવહાર પણ ચાલી રહ્યો છે. અમારી અને શ્રી સીમંધર ભગવાનની વચ્ચે એક પ્રાચીન આચાર્ય સંકલન રાખવાનું કામ કરે છે. અમે એ પ્રાચીન આચાર્યને ફોન કરીએ છીએ અને તે પછી શ્રી સીમંધરસ્વામીને અમારા ફોનની જાણ કરે છે; એમ અમારો વ્યવહાર ચાલી રહ્યો છે.
વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ ચંદ્ર સુધી પહોંચવાનું સાહસ કર્યું અને ત્યાંથી માટી પણ અહીં લઈ આવ્યા. આ બધી પ્રત્યક્ષ વાતો છે, કોઈ કલ્પનાની વાત નથી. જેમને સંદેહ હોય તે તાલીમ લઈને ત્યાં સુધી જરૂર પહોંચી શકે અને ખાતરી કરી શકે. જંબૂદ્વીપ-નિર્માણની યોજના કરનારા એક જાણીતા મુનિ મારે ઘરે આવેલા અને મને તેમણે આ બાબત પૂછી, તેના ઉત્તરમાં મેં એમને નમ્ર ભાવે જણાવેલું કે તમે પોતે તાલીમ લઈને ત્યાં સુધી એક વાર જઈ આવો અને આ વૈજ્ઞાનિકોનું જે કાંઈ તમને પોકળ લાગતું હોય તે જરૂર ખુલ્લું કરો.
તમને તો ત્યાં સુધી કહું છું કે હવે એવાં વિમાનો થયાં છે કે જે એક મિનિટમાં જ હજારો ગાઉ જઈ શકે છે. એવા એક વિમાનને ભાડે લઈને જરૂર તમે મહાવિદેહ ક્ષેત્રની યાત્રા કરી શકો છો અને શ્રી સીમંધરસ્વામીજી સાથે સાક્ષાત્ વાર્તાલાપ પણ કરી શકો છો, શ્રી સીમંધરસ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહ્યા છે વગેરે વગેરે. પણ મહાવિદેહ ક્યાં ? શ્રી સીમંધરસ્વામી ક્યાં ? વર્તમાનમાં વૈજ્ઞાનિકોએ તથા ભૂગોળના શોધકોએ પૃથ્વીના પરિમાણ વગેરે વિશે ચોક્કસ નિર્ણય કરેલ છે. અને કેટલાક શોધકો તો આખી પૃથ્વીની પ્રદક્ષિણા પણ એક વાર નહિ અનેક વાર કરી ચૂક્યા છે. છતાં આ કલ્પના-પ્રસુત હકીકત માટે આપણે ત્યાં આ શું ચાલી રહ્યું છે ? જોકે કલ્પના પણ ઉપયોગી ચીજ છે પણ તેનો સદુપયોગ કરવાની દષ્ટિ હોવી જોઈએ. એકલવ્ય નામના ભીલપુત્રે માટીની દ્રોણની મૂર્તિ બનાવી અને તે મૂર્તિને સાક્ષાત્ દ્રોણ કલ્પી તેના સાંનિધ્યમાં ધનુર્વિદ્યા શીખવા એવો પ્રબળ પુરુષાર્થ કર્યો કે જેથી તે અર્જુનથી પણ ચડી ગયો. આમ કલ્પના શ્રેયની સાધના માટે પુરુષાર્થપ્રેરક હોવી જોઈએ; તો જ એ કલ્પનાઓ ઉપયોગી છે. નહીં તો નરી રસિક કલ્પનાઓ તો આપણી શક્તિનો હ્રાસ કરનારી
Page #4
--------------------------------------------------------------------------
________________
૮૬ ૦ સંગીતિ
નીવડે છે.
મને લાગે છે કે કલ્પિત નિમિત્તો ઊભાં કરીને પ્રાચીન ચતુર પુરુષોએ આપણને સોંપ્યા અને એમણે એમ કલ્પેલું કે સમાજમાંથી બે-ચાર જણા તો જરૂર એવા નીકળશે, જેઓ આપણી કલ્પનાનો સદુપયોગ સમજી પેલા એકલવ્યની પેઠે પુરુષાર્થશાળી નીવડશે અને પોતાનો જીવનવિકાસ સાધશે. વર્તમાન જીવન, વર્તમાન કુટુંબ અને વર્તમાન સમાજને લક્ષ્યમાં રાખીને પ્રામાણિકતા વગેરે ગુણો કેળવી પોતાના માતાપિતા વગેરે વડીલજનોની સેવા કરી તથા પોતાનાં બાળકોને બરાબર ઉછેરી, સંસ્કારસંપન્ન કરી, વર્તમાન જીવનનો શાંતિપ્રધાન રસ જરૂર મેળવશે. પણ આપણામાંના આચાર્યો, બુદ્ધિજીવી વકીલો, ડૉક્ટરો તથા તીવ્ર બુદ્ધિવાળા ઉદ્યોગપતિઓ અને કુશાગ્રીય બુદ્ધિવાળા પ્રોફેસરો સુધ્ધાં આ વાત સમજી શકતા નથી, તો પછી સામાન્ય માણસ તો શું સમજે ? આ સાથે એક બીજી વાત પણ કહી દઉં કે
આ પરિસ્થિતિ કેવળ જૈન સમાજની જ નથી, પણ દુનિયામાં જે જે ધર્મો પ્રચલિત છે તે તમામ ધર્મોના આચાર્યોની અને તે તે ધર્મના તમામ અનુયાયીઓની છે. અત્યારે પૂર્વ બંગાળમાં રાક્ષસી હત્યાકાંડ ચાલી રહ્યો છે, છતાં છે કોઈ કુરાનનો એવો વફાદાર ભક્ત જે એમ પડકાર કરીને કહે કે આ તો કુરાન જ ખતરામાં છે ? બાઇબલના શબ્દોને પૂજનાર એવો છે કોઈ જે કહે આ તો નર્યો રાક્ષસભાવ છે ? આમ આપણે વર્તમાન જીવનનો વિચાર અને સાથે પ્રત્યક્ષ જીવનમાં ગુણવિકાસનો વિચાર ગૌણ કરીને સ્વર્ગની પાછળ પડ્યા છીએ. દીક્ષા લ્યો, સ્વર્ગ મળશે, ઉપવાસો ખેંચો, સ્વર્ગ મળશે; પૂજા કરો સ્વર્ગ મળશે; દેરાં બંધાવો, સ્વર્ગ મળશે; સંસાર તો અસાર છે, માતાપિતા અનંતવાર મળ્યા છે; માટે એને છોડો. ઉપધાન, ગ્રહપૂજન, અર્હત્મહાપૂજન વગેરે ભાતભાતનાં કર્મકાંડો કરો, સ્વર્ગ મળશે અથવા મહાવિદેહમાં જન્મ પામશું અને સાક્ષાત્ તીર્થંકર શ્રી સીમંધરસ્વામીના દર્શન કરીશું. સંસાર અસાર છે એમ જેઓ આપણને કહે છે તેઓ સંસાર છોડીને ક્યાં રહેવા ગયા ? એક માણસ સરસ બાંધેલા રસ્તા ઉપર ચાલ્યો જતો હતો, તેવામાં બેધ્યાન થવાથી લપસી પડ્યો. એટલે તરત જ કહેવા લાગ્યો કે આ રસ્તો જ ખરાબ છે. પણ પોતે બેધ્યાન થવાથી લપસી પડ્યો એ વાતનો વિચાર નથી કરતો. એ સ્થિતિ આજે આપણી છે. નાનાં બાળકોનો ઉદ્ધાર કેમ કરવો એ કોણ જાણે છે ? એ તો ભગવાનની મહેરબાનીથી મોટાં થઈ જાય છે. વૈજ્ઞાનિકોએ શોધેલ છે કે બાળક બે
Page #5
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ ૦ ૮૭ વરસમાં તો ઘણું જ જાણી-સમજી જાય છે, ત્યારે આપણે એ બાળકની સામે કેવી કેવી ચેષ્ટાઓ કરીએ છીએ અને એનામાં સંસ્કારો કેવા પડે છે એનું કેટલું ધ્યાન રાખીએ છીએ? પછી જ્યારે એ બાળક મોટો થઈ સ્વચ્છંદી બની જાય અને આપણને ભાજીમૂળા સમજવા લાગે ત્યારે આપણે જ કહેવાના કે સાલો, નાલાયક નીકળ્યો. પણ આમાં દોષ તો આપણો જ છે. એને બદલે કોઈ ઈશ્વરની મરજીની વાત કરશે તો કોઈ કર્મની કથની કરશે; પણ બાળકના ઉછેર માટે પોતે તેની બાળવયમાં શું શું કર્યું હતું તેનો વિચાર કોઈ ભાગ્યે જ કરશે. આમ મને લાગે છે કે ગાડી અવળે પાટે ચડી ગઈ છે. એમ ન હોય તો મૂર્તિઓ ઉપર ઘરેણાં, દૂધ વગેરે શી રીતે ચડી શકે ? ગુરુઓ કહે છે કે ભાઈઓ, તીર્થકર થવું હોય તો દેરાં બંધાવો, આંગી કરાવો અને ભગવાનને દૂધે નવરાવો. પણ આ બધી પ્રવૃત્તિનો મૂળ હેતુ ભાગ્યે જ કોઈ સમજે છે. મારા એક સવિશેષ પરિચિત અને અભ્યાસી તથા વ્યાખ્યાનકુશળ એવા એક બહેને ધર્મ-નિમિત્તે ઉત્સવ કર્યો, તેમાં ગ્રહશાંતિ કરી, છપ્પન દિકકુમારીઓને બોલાવી. જ્યારે મેં આ જાણ્યું કે આવા વિચક્ષણ લોકો પણ કેવળ કલ્પનાઓ પાછળ રાચે છે ત્યારે બીજા સાધારણ લોકોની તો શી સ્થિતિ? મેં તે બહેનને લખ્યું કે છે “કઈ દિકુમારીઓ? ગ્રહશાંતિ શું છે? કોઈ ગ્રહ આવીને કાંઈ બોલ્યો ?” એ બહેન મને શું જણાવે? પણ એમણે એટલું તો સૂચવ્યું કે મોટા મોટા જૈનાચાર્યો, આગમવારિધિઓ પણ આમાં રસ ધરાવે છે, ત્યારે અમે શું કરીએ ?
હોડી દ્વારા નદી કે સમુદ્રને પાર કરવાનું પ્રધાન પ્રયોજન છે, પણ હોડીની પૂજા કરવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી? હા, એટલું ખરું કે હોડી બરાબર સાચવવી અને સંભાળવી જરૂરી છે. સાવરણી ઓરડાને કે ઘરને સાફ કરવા માટે છે. સાવરણીની ઉપર માળા ચડાવવાની કે તેને દૂધ નવરાવવાની જરૂર ખરી ? સાવરણીને સાચવવી એ તો જરૂરી છે. જેથી જયારે ઓરડો સાફ કરવો હોય ત્યારે તેનાથી કામ લઈ શકાય. તેમ જ મૂર્તિનું આલેખન તેને પૂજવા માટે કે શણગારવા માટે નથી, પણ તેનો ટેકો લઈને પૂજક વિચારશક્તિને કેળવે અને પોતાના જે દોષો સમાજને, કુટુંબને–અરે પોતાને પણ-હાનિકારક છે તેમાં ધીરે ધીરે ઘટાડો કરે અને આગળ વધે તે માટે છે, કુટુંબ માટે પોતાના સુખનો ત્યાગ કરે, માતાપિતા માટે પોતાની સ્વાર્થિક વાસનાઓનો ત્યાગ કરતા શીખે અને શાંતિમય કુટુંબ-જીવન માટે સામાજિક જીવન જીવે, અને આમ આસ્તે-આસ્તે વિશ્વમાનવ બનવાની
Page #6
--------------------------------------------------------------------------
________________
૮૮ • સંગીતિ
તૈયારી તરફ પગલાં માંડતો થાય. આનું જ નામ અહિંસા, સત્ય અને ઔદાર્ય વગેરે છે. આ તો કહે છે કે કુટુંબજીવન મોહ છે, માતા-પિતા અનંતવાર મળ્યાં, એટલે એ તો વિશેષ બંધનકારક છે. એટલે જે વિશેષ વિચાર કરી શકતો નથી અને સ્વર્ગનો અભિલાષી છે, તે તરત માતા-પિતાને તથા કુટુંબને પડતું મૂકી આલિશાન મહાલય જેવા અપાસરામાં આવી જાય છે અને લગભગ પોતાની તમામ જરૂરિયાતો સમાજ ઉપર નાંખીને પોતે કહેવા લાગે છે કે “ભાઈ ! સંસાર અસાર છે, માયાજાળ છે, માટે તેમાંથી છૂટો અને મોક્ષના મારગમાં આવો.” આ તો નર્યું ઈન્દ્રજાળ જેવું વિશેષ વિસંગત છે. જેઓ એમ કહે છે કે માતાપિતા અનંતવાર મળ્યાં તેમને એમ પણ કોઈ કહી શકે કે તમારા જેવા ગુરુઓ પણ અનંતીવાર નથી મળ્યા શું ? શાસ્ત્ર તો પોકાર પાડીને કહે છે કે મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલાં ઓઘા, રજોહરણો અને મુહપત્તિીઓ વાપરી છે; તોય આરો આવ્યો નથી અને કપાળે જે ચંદનનાં તિલક કરીએ છીએ તેનો પણ મેરુપર્વત જેટલો ઢગલો થાય તેટલા ચંદનનાં તિલક કરેલા છે અને હજુ પણ તિલકો કર્યા જ કરીએ છીએ. આમાં કઈ ચીજ ખૂટે છે એ જ વિશેષ વિચારવાનું રહે છે. એને બદલે આપણે તો રોજ “મેરુશિખર નવરાવે હો સુરપતિ’ એમ જ ગાતા રહીએ છીએ. આ અંગે કશો જ વિચાર કોઈ ભાગ્યે જ કરતું હશે. જે ગૃહસ્થાશ્રમ તમામ આશ્રમોનો આધાર છે તેને વગોવવાનું ચાલે છે અને જેમ એકડો ઘૂંટ્યા વિના જ વિદ્યાર્થી પાંચમી ચોપડીમાં બેસી જાય એવી સ્થિતિ છે. તમને હું કેટલુંક કહું, ભાઈ ! જયારે સંસાર અસાર છે, ત્યારે ધર્મને લીધે મળનાર સ્વર્ગ શું સંસાર નથી? જેથી કલ્પિત નલિની ગુલ્મ નામના વિમાનને મેળવવા માણસ દીક્ષિત થાય છે. “ધર્મરત્નપ્રકરણ'માં આચાર્ય શાંતિસૂરિએ સ્પષ્ટ કહેલ છે કે ભય અને લાલચને લીધે માણસને ગુણવંત બનાવી શકાય એવી કલ્પનાથી નરકોનાં ભયસૂત્રો ઊભાં થયાં અને સ્વર્ગોનાં લોભક સૂત્રો ઊભાં થયાં. એ બન્નેની હકીકત એક જાહેર-ખબર જેવી છે, છતાં એ સ્થિતિ લોકો કે લોકના ગુરુ સમજયા નહીં અને જાહેરખબરની પાછળ જ લોકોને દોડાવવા લાગ્યા અને પોતાની જરૂરિયાતો સમાજ પૂરી પાડે એ બાબત વિશેષ ચીવટ રાખવા લાગ્યા. કર્મની વર્ગણા, દેહ અને આત્માનો ભેદભાવ એટલે દેહ દેહનું કામ કરે ને આત્મા આત્માનું કામ કરે અર્થાત્ કેમ જાણે દેહ અને આત્માને શો જ મેળ ન હોય, સંબંધ ન હોય વગેરે અનેકાનેક એવી કલ્પનાઓ છે જે અંગે વિચારકોએ વિશેષ મનન-ચિંતન કરવું ઘટે અને
Page #7
--------------------------------------------------------------------------
________________
જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિ • ૮૯
લોકોને સાચો રસ્તો ચીંધવો ઘટે તથા પોતે પણ જરૂરિયાતો ઓછી ઓછી કરતા જઈને સમાજ ઉપરનો બોજો હળવો કરવો ઘટે. ભગવાન મહાવીરે અસાર સંસારને છોડીને પોતાનો કેટલો બોજો સમાજ ઉપર નાખેલો ? પરમાનંદભાઈ કહેવા લાગ્યા કે જેમ રાજકારણીઓ લોકોને અજ્ઞાનમાં રાખી પોતાની સ્વાર્થસાધના કરતા પ્રત્યક્ષ દેખાય છે,” તેમ તમામ ધર્મના ધર્મગુરુઓ મોટે ભાગે લોકોને અજ્ઞાનમાં રાખીને પોતાની તૃપ્તિ મેળવી રહ્યા છે. આ સ્થિતિ કાંઈ આજની નથી, આજ હજારો વર્ષથી ચાલી આવેલ છે. એમાં તમે કે હું શું કરી શકવાના ? ઘણા મહાનુભાવો કેવળ સત્યાર્થી પણ હોય છે, પણ તેઓ શું કરે ? એટલે આપણે તો આપણા પૂરતું શોધન કરવું અને ગુણો કેળવવા પ્રયત્ન કરવો એ જ વર્તમાન જીવનને શાંતિમય અને રસમય બનાવવાનો ખરો અને સીધો રસ્તો છે.” મેં કહ્યું, હવે એક જ વાત કરી મારું બોલવું પૂરું કરી દઉં. ૨૫૦૦મી જયંતી આવી રહેલ છે. ચૈત્ર શુદિ તેરસને કલ્પો તો જન્મજયંતી અને નિર્વાણ તિથિને કલ્પો તો નિર્વાણજયંતી. મને લાગે છે કે એક તો વરઘોડાઓ સરસ નીકળવાના. કેટલીક ચોપડીઓ પણ લખાવાની અને ધામધૂમ, જમણ વગેરે પણ ઉત્તમોત્તમ થવાનાં. જે તપસ્વી તદ્દન અચેતક હતો, જમણ કે ધામધૂમમાં જેને લેશમાત્ર રસ ન હતો તેની પાછળ તેને જ નામે ધામધૂમ અને જમણ ! ભગવાન મહાવીરનું વર્તમાન પરસ્પર વિસંગતિવાળું જે જીવનચરિત્ર સાંભળ્યા કરીએ છીએ, તેને બદલે તેમનું સંશોધનયુક્ત અને પરસ્પર વિસંગતિ વિનાનું જીવન લખાશે ખરું ? દિગંબર-શ્વેતામ્બર વગેરે શબ્દોને બદલે માત્ર એક જૈન તરીકે જ ઓળખાવાનું આખો જૈન સમસ્ત સંઘ પસંદ ક૨શે ખરો ? અર્ધમાગધી તથા પાલી ભાષા, જેનું અત્યારે કોઈ ધણીધોરી નથી, તેને ભારતીય બંધારણમાં જે ચૌદ ભાષાઓ નોંધાયેલ છે તેમાં સ્થાન મળશે ખરું ?
“તમામ જૈનો વર્તમાનમાં જેને સમકિત માને છે તે સૌનું સમકેત છે, એમ સૌ માનશે ખરા ?
જૈનમાત્ર સગો ભાઈ છે એવી ભાવના વધશે ખરી ?' એમ પ્રશ્ન ન કરીએ, પણ જયંતી જેવા પ્રસંગે તો એ ભાવના વધવી જ જોઈએ. પરમાનંદભાઈ, મેં તો આખી જિંદગી શાસ્ત્રો-સૂત્રો વાંચીને વિશેષ મનનચિંતન કર્યા કરેલ છે. અને હવે તો આરે આવીને બેઠો છું અને જૈન સમાજની જે વર્તમાન દશા દેખાય છે તે જોઈને હર્ષ પણ થાય છે; છતાં હર્ષ કરતાં વિશેષ ખેદ થાય છે. જાણે જૂનાકાળમાં મંદિરો બંધાવવાનો, પ્રતિષ્ઠાઓ
"L
Page #8
--------------------------------------------------------------------------
________________ 90 - સંગીતિ કરવાનો, એમ અનેક પ્રકારનો વા વાતો હતો તે જ વા અત્યારે પણ ચાલુ છે. પાલીતાણામાં જ્યાં મંદિરોનો પાર નથી ત્યાં પણ આ વાને લીધે જ મંદિરો બંધાય છે. “જૈન” છાપામાં ધર્મની પ્રભાવનાઓના સમાચારો વાંચતો રહું છું ત્યારે કોઈ ગમ જ પડતી નથી. કોઈ પ્રભાવનાના સમાચારમાં આવા સમાચાર તો આવતા જ નથી કે અમુક માસમાં શ્રાવક લોકોએ પ્રામાણિક વ્યવહાર કરવાની, સેળભેળ ન કરવાની કે કાળાબજારો ન કરવાની પ્રતિજ્ઞા લીધી હોય ! એમ પણ સાંભળું છું કે કેટલાક સૂરિવરો તો ઉઘાડે છોગ કહે છે કે કાળાબજારના પૈસા મંદિર, પ્રતિષ્ઠા વગેરે ધર્મના ઉત્સવો વગેરે માટે જરૂર વાપરી શકાય. જ્યારે લોકો આ વાત સાંભળે ત્યારે કાળાબજાર વગેરે અનુચિત પ્રવૃત્તિઓ કરતાં કેમ કરીને અટકે ?" - આ બધી વાત મારી પત્ની પણ સાંભળતી હતી, તે મને કહેવા લાગી કે તમે પરમાનંદભાઈને આવું આવું બધું શા માટે કહો છો? તમારા કહેવાથી કેટલા લોકો સમજવાના? શું પરમાનંદભાઈ આ બધું સમજતા નથી ?" તેને કહ્યું કે “તારી વાત તો ખરી છે, પણ એક સમાન વિચારના મિત્ર મળે ત્યારે જ આવી વાતો કરી શકાય અને વિશેષ ચિંતન-મનનની સામગ્રી મેળવી શકાય. હું કાંઈ કોઈને સુધારવા આ બધી વાતો કરતો નથી, પણ મૂળ વસ્તુ કેવી હતી અને વર્તમાનમાં તેનો કેવો વિચિત્ર આકાર થઈ ગયો છે અને આ આવા વિકૃત આકારને પરમ સત્ય રૂપ માની લોકો તેને કેવા વળગી રહ્યા છે અને સ્વાર્થસાધુઓ પોતાનો સ્વાર્થ, રાજકારણમાં કે ધર્મકારણમાં કેવી રીતે સાધી રહ્યા છે, આ એક પરિસ્થિતિની કહો કે અજ્ઞાનતાની કહો, કેવી બલિહારી છે એ વિચારવાની દૃષ્ટિએ આ બધી વાત કરું છું.” - પ્રબુદ્ધ જીવન, સપ્ટે. - 1971